IPS વિકાય સહાય પોલીસની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય ટાળી શકત પણ...

PC: news18.com

પોલીસમાં લોકરક્ષકની ભરતી માટે લેવામાં આવેલી પરીક્ષા આપવા નવ લાખ યુવાનો 200 કિલોમીટરનો પ્રવાસ કરી પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા, ત્યારે જાહેરાત કરવામાં આવી કે પેપર લીક થઈ ગયું છે, તેના કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવે છે. આ નિર્ણય પરીક્ષા બોર્ડના વડા IPS વિકાસ સહાય દ્વારા લેવામાં આવ્યો હતો. આ નિર્ણય કરતા પહેલા તેમના મનમાં કેવુ ઘમાસાણ ચાલ્યુ હશે, તેની કદાચ આપણે કલ્પના પણ કરી શકીએ નહીં. છતા અહિંયા માત્ર પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાથી પૂરું થાય તેમ નહોતું. પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય હતો કે અમારી ભૂલ થઈ  અને ક્યાંક ગરબડ થઈ છે. આ ભૂલનો સ્વીકાર હતો. મેં અનેક IPS અધિકારીઓને જોયા છે, તેમનું શિક્ષણ અને તેમનો હોદ્દો તેમને એટલો અંહકારી બનાવી દે છે કે તેમને પોતાની ભૂલ થાય જ નહીં, તેવી માનસીકતામાં તેઓ આવી જાય છે અને ભૂલ થાય તો પણ ભૂલ સ્વીકારવાની તેમની તૈયારી હોતી નથી.

વિકાસ સહાય અને મારું વૈચારિક એન્કાઉન્ટર પંદર વર્ષ પહેલા થયું હતું. હું એક અખબારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરતો હતો. વિકાસ સહાય અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. વિકાસ સહાયની  પ્રામાણિકતા ઉપર ઉંઘમાં પણ શંકા કરી શકાય તેમ નથી. મેં અમદાવાદ ટ્રાફિક પોલીસમાં ચાલતા ભ્રષ્ટાચાર ઉપર એક સ્ટોરી લખી, જેમાં કોઈના પણ નામનો ઉલ્લેખ નહોતો, છતા ટ્રાફિક પોલીસના તેઓ વડા હોવાને કારણે તેમને મારી સ્ટોરીનું માઠું લાગ્યું. તેમણે પોલીસ કમિશનર પાસે મારી સામે કાયદેસર કાર્યવાહી કરવાની મંજૂરી પણ માંગી હતી. આમ પહેલી અને છેલ્લી વખત અમારો સંપર્ક આ રીતે થયો હતો.

1965મા જન્મેલા અને ઈતિહાસના વિષય સાથે અનુસ્નાતનો અભ્યાસ કરનાર વિકાય સહાય 1989મા ભારતીય પોલીસ સેવામાં જોડાયા હતા. રાજ્યના વિવિધ જિલ્લાના પોલીસ વડા તરીકે કામગીરી સંભાળનાર વિકાસ સહાયના પ્રામાણિક સ્વભાવને કારણ પોલીસમાં તેમની છાપ અકડુ અધિકારી તરીકેની છે. તેમની યોજના અને ઈચ્છા પ્રમાણે કામ થાય નહીં ત્યારે બહુ જલદી ઉશ્કેરાઈ જાય છે. પાતળો બાંધો ધરાવતા આ IPS અધિકારીની પાછળ તેમનો સ્ટાફ તેમને તેજ દિમાગ તરીકે સંબોધે છે. જો કે તેમના સ્વભાવ અને પ્રામાણિકતાને કારણે તેઓ સરકારી ગુડ બુકથી દૂર રહ્યા છે, જેના કારણે છેલ્લા એક દાયકાથી તેઓ રક્ષા યુનિવર્સિટી અને કરાઈ એકેડમી જેવા પોસ્ટિંગ મેળવી રહ્યા છે. છતા તેમની પ્રામાણિકતાની સરકારે પણ કદર કરવી પડે છે, જેના કારણે પોલીસની ભરતી પ્રક્રિયાના અધ્યક્ષની જવાબદારી તેમને સોંપવામાં આવી છે.

લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું ત્યાર પછી વિકાય સહાય ચુપ રહ્યા હોત તો પરીક્ષા લેવાઈ ગઈ હોત, જેમને પૈસા આપી પેપર લીધા હતા, તેઓ પાસ થઈ જતા અને જેમણે મહેનત કરી છે. તેવા યુવાનોને અન્યાય થયો હતો. તેના કરતા પણ સૌથી મોટી બાબત આ સમગ્ર નિષ્ફળતા માટે ગુજરાત સરકાર અને પોતાને  જે બદનામી થઈ તેમાંથી તેઓ સરકાર અને પોતાને બચાવી શક્યા હોત, પણ તેમનો આત્મા તે વાતની તેમને મંજૂરી આપતો નહોતો. પરીક્ષા રદ્દ કરાવવાનો નિર્ણયનો અર્થ હતો હું નિષ્ફળ ગયો તેવી કબૂલાત વિકાસ સહાયે કરવાની હતી. નિષ્ફળ ગયો અને સોરી કહેવું તે સામાન્ય માણસ માટે પણ મુશ્કેલ હોય છે, જ્યારે વિકાય સહાયે IPS અધિકારી તરીકે ત્રણ દાયકાની નોકરી પૂરી કરી હતી, પણ તેમણે તેમ છતા પરીક્ષા રદ્દ કરવાનો અને સોરી કહેવાની હિંમત કરી.

વિકાય સહાયે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો ના હોત તો કદાચ પેપર લીક થયા છે તેવો હોબાળો જરૂર થયો હોત, પણ પેપર લીક થયા છે તેવુ સાબિત કરવું અઘરું હતું. વિકાય સહાયે પોતાને ગાળો પડે તો ભલે પડે પણ હું ભૂલ સ્વીકારીશ તેવો નિર્ણય કર્યો હતો. પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરતા પહેલા વિકાસ સહાયે રાજ્ય સરકાર અને વિજય રૂપાણીને જાણ કરી હતી કે નહીં તેની જાણકારી નથી, પણ જો જાણ કરી હોય અને વિજય રૂપાણીએ પણ પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયને મહોર મારી હોય તો વિજય રૂપાણીના આ નિર્ણયની પણ કદર કરવી જોઈએ.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp