CMOમાં અશ્વિનીકુમાર પછી કોણ? વિનંતી પછી રૂપાણીના સેક્રેટરી પદ માટે ક્યા પાંચ નામ

PC: youtube.com

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવપદે કાર્યરત અશ્વિનીકુમાર તરફથી અન્ય જવાબદારી સંભાળવાની વિનંતીને ધ્યાને લઇને જો તેમને બદલવામાં આવે તો કુલ પાંચ આઇએએસ ઓફિસરો છે જેઓ મુખ્યમંત્રીના સચિવપદે નિયુક્ત થઇ શકે તેમ છે. જો કે હાલના તબક્કે આ બદલાવ જોવામાં આવતો નથી, કારણ કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે અને માર્ચમાં  બજેટસત્ર છે તેથી એપ્રિલ પછી કોઇ ફેરફારો સંભવિત છે.

સચિવાલયના સૂત્રો કહી રહ્યાં છે કે એપ્રિલ કે ત્યારપછી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારનું વિસ્તરણ થવાની પણ સંભાવના છે. એ સાથે બોર્ડ-કોર્પોરેશનમાં પોલિટીકલ નિયુક્તિ પણ થઇ શકે છે. અશ્વિનીકુમાર હાલ મુખ્યમંત્રીના સચિવ છે. તેઓ 2015થી આ જગ્યાએ ફરજ બજાવી રહ્યાં છે. મુખ્યમંત્રી અને તેમની વચ્ચેનું ટ્યુનિંગ પણ સારૂં છે તેમ છતાં તેમની ઇચ્છા છે કે તેઓને નવી જવાબદારી સોંપવામાં આવે.

સચિવાલયના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તેમને સેન્ટ્રલ ડેપ્યુટેશન પર પણ જવું છે. એટલે કે તેઓ દિલ્હીમાં પણ ફરજ બજાવવા તૈયાર છે. તેમણે સરકારમાં રજૂઆત કરી છે કે તેમને નવું કોઇ એસાઇનમેન્ટ આપવામાં આવે. જો તેઓને બીજી કોઇ જગ્યાએ પોસ્ટીંગ મળશે તો તેમની જગ્યાએ હાલ જીએસપીસીના એમડી સંજીવકુમારનું નામ ચાલે છે.

એ ઉપરાંત હાલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેક્રેટરી હારિત શુક્લા, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશનના સેક્રેટરી વિનોદ રાવ, જીઆઇડીસીના વીસી અને એમડી એમ. થેન્નારસન તેમજ નાણાં વિભાગના સેક્રેટરી મિલિન્દ તોરવણેના નામની ચર્ચા ચાલી રહી છે. આ પાંચ ઓફિસરો પૈકી કોઇ એક ઓફિસર અશ્વિનીકુમારની જગ્યાએ નિયુક્ત થઇ શકે છે.

જો કે હજી એ નક્કી નથી થયું કે અશ્વિનીકુમારને તેમની વિનંતી પછી ક્યાં પોસ્ટીંગ આપવું અથવા તો તેમને બદલવાના થાય છે કે કેમ તેનો નિર્ણય હજી સુધી લેવાયો નથી. અત્યારે સ્થાનિક ચૂંટણી ચાલે છે ત્યારે સરકાર ઇલેક્શન મોડમાં આવેલી છે. ચૂંટણી પૂર્ણ થશે ત્યારે એક મહિનો લાંબુ વિધાનસભાનું બજેટ સત્ર આવી રહ્યું છે. આ બજેટ સત્ર પછી સચિવાલયમાં મોટાપાયે સામૂહિક બદલીઓ થવાની છે ત્યારે અશ્વિનીકુમારના નામ અંગે વિચારણા થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp