બીજા તબક્કા માટે કાલે મતદાન : શું હાર્દિક ફેક્ટર અસર કરશે?

PC: images.google.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કાનો મતદાન આવતીકાલે થવાનું છે. 14 જિલ્લાની 93 બેઠક માટે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનાં લોકો વોટીંગ કરશે. નવમી તારીખે યોજાયેલા મતદાનમાં 89 બેઠકનાં ઉમેદવારોનું ભાવિ સીલ થયું હતું જ્યારે 93 ઉમેદવારોનું ભાવિ સીલ થશે. આવતીકાલે 350 અપક્ષ ઉમેદવારો સહિત કુલ 851 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. 2.22 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કામાં 66 ટકા વોટીંગ થયું છે.

આવતીકાલના મતદાનમાં જેમનું ભાવિ સીલ થવાનું છે તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, જય નારાયણ વ્યાસ, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષનાં નેતા મોહનસિંહ રાઠવા, સિધ્ધાર્થ પટેલ, વડોદરાનાં નરેન્દ્ર રાવત, બહુ ગાજેલા ઠાકોર સેનાનાં નેતા અલ્પેશ ઠાકોર, દલિત નેતા જિજ્ઞેશ મેવાણી સહિત અનેક યુવા ચહેરાઓના ભાવિનો ફેસલો થવાનો છે. કોંગ્રેસનાં યુવા ઉમેદવાર અલ્પેશ ઠાકોરની સામે ભાજપે લવિંગજી ઠાકોરને ટીકીટ આપી છે જ્યારે જિજ્ઞેશ મેવાણીની સામે વડગામમાં ભાજપે વિજય ચક્રવર્તીને ઉભા રાખ્યા છે.

આવતીકાલનાં બીજા તબક્કા માટે 14 જિલ્લામાં મતદાન થવાનું છે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર. વડોદરા અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. જિલ્લાવાર બેઠકોની ગણતરી કરીએ તો અમદાવાદ શહેર અને જિલ્લા મળી કુલ 21 બેઠક થાય છે. પાટણ-4, બનાસકાંઠા-9, સાબરકાંઠા-4, મહેસાણા-7, અરવલ્લી-3, આણંદ-6, મહિસાગર-3, પંચમહાલ-5, દાહોદ-6, ખેડા-6, છોટાઉદેપુર-3 અને વડોદરાની 10 બેઠક પર મતદાન થવાનું છે.

કુલ મતદારો 2.22 કરોડ
પુરૂષ મતદારો. 1.15 કરોડ
મહિલા મતદારો 1.07 કરોડ
18-26 વય મતદારો 37.37 લાખ
કુલ ઉમેદવાર 851
કુલ રાજકીય પાર્ટી 52
પોલિંગ સ્ટેશન 25,5,58
સૌથી વધુ ઉમેદવારો મહેસાણા-34
સૌથી ઓછા ઉમેદવારો ઝાલોદ-2

પ્રથમ તબક્કામાં પાટીદાર સમાજે આક્રમક રીતે વોટીંગ કર્યું તો અન્ય સમાજોએ પણ બમ્પર વોટીંગ કર્યું છે. પ્રથમ તબક્કામાં કોંગ્રેસ માટે ગુજરાતનાં દ્વાર ખૂલ્યા હોવાનું ગણિત મૂકવામાં આવી રહ્યું છે. હવે આવતીકાલે બીજા તબક્કામાં ભાજપ માટે સારા સંકેતો મળી રહ્યા છે અને ભાજપે પણ સત્તાને ફરીથી અંકે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. બીજા તબક્કામા 37 લાખ યુવા મતદારો છે અને આ વખતે યુવા મતદારો નિર્ણાયક બની રહેવાના છે.

આવતીકાલનાં વોટીંગમાં અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટલેનાં ભાવિનો પણ ફેંસલો થશે. યુવાનોએ કોની તરફ વોટીંગ કર્યું છે તે સ્પષ્ટ થશે. એક અંદાજ પ્રમાણે સવા કરોડ યુવાનોએ કોંગ્રેસની સરકાર જોઈ નથી. હાર્દિક પટેલનો દાવો રહ્યો છે કે યુવાનો મારી સાથે છે. આવતીકાલનું વોટીંગ હાર્દિક પટેલનાં ભાવિનો પણ ફેંસલો થશે.

કોંગ્રસ માટે અમદાવાદની 21 અને વડોદરાની 10 બેઠક એકદમ લિટમસ ટેસ્ટ છે. બન્ને જિલ્લામાં કોંગ્રેસને પગ મૂકવાની જગ્યા પણ મળતી નથી. આવતીકાલે બન્ને જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ કેવી રીતે ઝીંક ઝીલશે તેનાં પર સૌની મીટ મંડાયેલી છે.

અમદાવાદ અને વડોદરામાં હાર્દિકે ભાજપનાં પરંપરાગત વિસ્તારોમાં રોડ શો અને સભાઓ કરી છે. જ્યાં કોંગ્રેસ પગ મૂકી શકતી ન હતી તેવા વિધાનસભા વિસ્તારોનાં દરવાજાનાં તાળા હાર્દિકે ખોલ્યા છે પણ આવતીકાલે મતદારો શું કરે છે તેનાં પર બધું નિર્ભર રહેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp