પબુભા માણેક બાદ ગુજરાતના આ કેબિનેટ મંત્રી પણ પગાર અને ભથ્થા નહીં લે

PC: twitter.com

થોડા દિવસ પહેલા જ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે પોતાના ધારાસભ્ય તરીકેના પગાર અને ભથ્થાને છોડવાની જાહેરાત કરી હતી, તેમાં વધુ એક નામ ઉમેરાયું છે. ગુજરાત સરકારમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે પણ પોતાના પગાર ભથ્થા છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે એક લેટરમાં CM ભૂપેન્દ્ર પટેલને જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં મને કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સરકાર દ્વારા મંત્રીને નિયમાનુસાર પગાર-ભથ્થા ચૂકવાય છે. હું મંત્રી તરીકે આ પગાર અને અન્ય ભથ્થા સ્વીકારવા માગતો નથી.

115 કરોડની સંપત્તિ ધરાવતા ભાજપના MLA પબુભા પગાર અને ભથ્થા નહીં લે

દ્રારકાના ભાજપના ધારાસભ્ય અને દંબગ, બાહુબલી નેતાની ઇમેજ ધરાવતા પબુભા માણેકે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને જાણ કરી છે કે તેઓ પગાર અને સરકારી ભથ્થાનો સ્વીકાર કરશે નહીં. અગાઉ કેટલાંક ધારાસભ્યોએ પણ આવો નિર્ણય લીધો હતો.પબુભામા નિર્ણયને ચારેકોરથી આવકાર મળી રહ્યો છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે દ્રારકાની બેઠક પરથી ફરી એકવાર પબુભા માણેકને મેદાનમાં ઉતાર્યા હતા. પબુભા ફરી એક વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં પબુભા માણેકને 74.18 મત મળ્યા હતા, કોંગ્રેસના ઉમેદવાર  મુળુભાઇ કંડોરિયાને 68.691 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર લક્ષ્મણ નકુમને 28,381 મત મળ્યા હતા. મતલબ કે પબુભા માણેક 5327 મતથી જીત્યા હતા. સતત 8મી વખત આ બેઠક ભાજપે જીતી છે.પબુભા માણેક 115 કરોડની સંપત્તિ ધરાવે છે.

પબુભા માણેક વિધાનસભાની ચૂંટણી વખતે જે એફિડેવીટ રજૂ કરી હતી તેમાં જણાવ્યા મુજબ તેમની પાસે 115 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે લેન્ડરોવર, ઓડી, ફોક્સવેગન, ઇનોવા, BMW, MG, ટ્રેકટર સહિતના 17 વાહનો છે. તેમની પત્નીના નામે 17.02 કરોડની મિલ્કત છે.

પબુભા માણેક એવા નેતા છે જે 1990  પછી એક પણ ચૂંટણી હાર્યા નથી. તેમણે 1990,1995 અને 1998માં અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. એ પછી તેઓ વર્ષ 2002માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પણ 5 જ વર્ષમાં કોંગ્રેસ સાથેનો નાતો તોડીને ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2007માં ભાજપની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડતા આવ્યા છે અને સતત જીતતા આવ્યા છે.

વિધાનસભાની ચૂંટણીના પ્રચારપ્રસાર દરમિયાન  પબુભા માણેકે પગાર અને સરકારી ભથ્થા નહીં લેવાની જાહેરાત કરી હતી. ચૂંટણી દરમિયાન કરેલી જાહેરાતનું વચન તેમણે પાળ્યું અને ધારાસભ્ય તરીકેના શપથ લીધા પછી તેમમે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને પોતાનો પગાર અને સરકારી ભથ્થા નહીં સ્વીકારવાનો પત્ર સુપરત કર્યો હતો.તેમનો પગાર રાષ્ટ્ર માટે અને લોકોની સેવામાં સરકાર ઉપયોગમાં લેશે.

પબુભા માણેકની જેમ જ અગાઉ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ પણ ધારાસભ્ય તરીકે તેમને આપવામાં આવતા પગાર અને અન્ય સરકારી ભથ્થાઓનો સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp