ખડગેએ PM મોદીને કહ્યા ‘રાવણ’, સંબિત પાત્રાએ કહ્યું- આ ગુજરાતનું અપમાન

PC: timesnownews.com

ગુજરાતમાં રાજકીય પારો ચરમસીમાએ છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની નિવેદન બાજીનો અંત આવતો જણાતો નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે PM મોદી પર સતત પ્રહાર કરી રહ્યા છે. સાથે જ ભાજપ પણ આનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. જ્યારે ખડગેએ ચૂંટણી રેલીમાં PM મોદીની સરખામણી રાવણ સાથે કરી તો ભાજપે આક્રોશ ઠાલવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, આ દરેક ગુજરાતીનું અપમાન છે. પાત્રાએ કહ્યું કે, ગુજરાતની ચૂંટણીમાં 100 ટકા મતદાન કરીને કોંગ્રેસ સામે બદલો લેજો.

અમદાવાદના બહેરામપુરામાં એક જાહેર સભામાં, ખડગેએ દરેક ચૂંટણી માટે PM મોદી પર વધુ પડતો આધાર રાખવા બદલ ભાજપ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું, અમને PM મોદીનો ચહેરો દરેક જગ્યાએ દેખાય છે પછી ભલે કોર્પોરેશનની ચૂંટણી હોય, ધારાસભ્યની ચૂંટણી હોય કે સાંસદની ચૂંટણી હોય. શું તમારી પાસે રાવણ જેવા 100 માથા છે? હવે તેમના નિવેદનના કારણે ભાજપ ભડકી ગયું છે.

સંબિત પાત્રાએ આ નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે PM માટે આવી ભાષાનો ઉપયોગ કરવો યોગ્ય નથી. આ નિંદનીય છે અને કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. આ માત્ર PMનું અપમાન નથી, દરેક ગુજરાતી અને ગુજરાતનું અપમાન છે. ગુજરાતની જનતા કોંગ્રેસને અરીસો બતાવશે.

ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, વડાપ્રધાનને ગાળો આપવાની શરૂઆત કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કરી હતી. તેમણે વડાપ્રધાનને ‘મોતના સોદાગર’ કહી દીધા હતા. ખડગેએ વડાપ્રધાનને રાવણ કહી દીધા, પરંતુ તે તેમના શબ્દો નથી સોનિયા ગાંધીએ લખેલી સ્ક્રિપ્ટ છે.

સંબિત પાત્રાએ કહ્યું કે, વડાપ્રધાનને ગાળો ભાંડવામાં કોંગ્રેસના અનેક નેતાઓ આગળ છે. કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રીએ PM મોદી માટે કહ્યું હતું કે, તેમને ઔકાત બતાવી દઇશું. સંબિત પાત્રાએ કહ્યું કે, તમે શું ઔકાત બતાવશો, પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનની ઔકાત બતાવી દીધી હતી, આતંકવાદને ઔકાત બતાવી દીધી છે.

કોંગ્રેસના નેતા શેખ હુસેન, સુબોધકાંત સહાય, અલકા લાંબા, નાના પટોલે, સુરજેવાલા જેવા અનેક નેતાઓ પ્રધાનમંત્રી માટે બેફામ વાણી વિલાસ કરી ચૂક્યા છે. સંબિત પાત્રાએ કહ્યું કે, ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે 100 ટકા મતદાન કરીને કોંગ્રેસના અપમાનનો બદલો લેજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp