26th January selfie contest

ઈસુદાને કહ્યું- રાક્ષસ બની હવનમાં હાડકા ના નાખશો, મફત વીજળી ના જોઈતી હોય તો....

PC: khabarchhe.com

CM અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ ગુજરાતમાં ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી હતી, ત્યાર બાદ ભાજપના નેતાઓ આને લઈને આકરા પ્રહારો આમ આદમી પાર્ટી પર કરી રહ્યા હતા, જેને લઈને આપના નેતા ઈસુદાન ગઢવીએ તેમને જવાબ આપતા કહ્યું હતું કે, જેને જેને મફત વીજળી ના જોઈતી હોય એ મૂંઝાશો નહીં. વિકલ્પ આપીશું, ના પાડી દેજો. પૂરું બિલ આવશે એ ભરી દેવાનું. જેને જરૂર છે એમને લેવા દો. રાક્ષસ બની હવનમાં હાડકા ના નાખશો.

આ સિવાય ઈસુદાને સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે, જનતા માટે વીજળી ફ્રી ની શું જાહેરાત કરી ,બુચસીયાઓની ઉંઘ હરામ થઇ ગઈ !બીજો ઝટકો અઠવાડિયામા આવે છે !28 વર્ષથી પ્રજાને લૂંટનારા યાદ રાખજો તમારા ઘરમાં ઘુસી પ્રજાના લૂંટ્યા રૂપિયા પરત મેળવી ફરી જનતાને અપાવવાના છે !તમે સોશ્યિલ મીડિયામાં ભાડેતું મળે તો ભાડેતું નહીં તો ડરેલા અને માયકાંગલાઓને કે જે બિચારા કોઈને કોઈ રીતે ડરેલા હોય એને અને મલાઈ ખાનારા આ દરેકને લગાડી દેજો !અને આમ આદમી અને એના નેતા માટે લોકોમાં ભ્રમણા ફેલાવવી હોય એટલી ફેલાવી દેજો !આ વખતે જનતા જ તમને જવાબ આપશે !તમે બધું મફત લો અને જનતાને આપીએ એટલે તમને પેટમાં દુઃખે છે ?આવો મેદાનમાં તમને અને તમારા આક્કાઓને આ વખતે જનતા તમારી ઓકાત દેખાડશે !ભાજપ વાળાઓ આ તમે ફ્રી નો વિરોધ નહીં પણ ગુજરાતની જનતાનો વિરોધ કરો છો એ યાદ રાખજો.

કેજરીવાલે સુરતમાં 3 ગેરંટી આપેલી

ગુરુવારે સુરતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના લોકો માટે 3 ગેરંટીની મોટી જાહેરાત કરીને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. કેજરીવાલે કહ્યું કે જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો 3 મહિનમાં જ દિલ્હી, પંજાબની જેમ  ગુજરાતમાં પણ વીજળી મફત આપીશું, 24 કલાક મફત આપીશું અને 31 ડિસેમ્બર 2021 પહેલાના વીજળીના બીલ માફ કરીશું. જો આટલું ગુજરાની પ્રજાને મળશે તો શાંતિની નિંદર માણી શકશે.

અરવિંદ કેજરીવાલે ગુરુવારે સુરત આવી પહોંચ્યા હતા અને પહેલેથી એવી ધારણા હતી કે તેઓ અહીં મોટી જાહેરાત કરશે. કેજરીવાલે એક સભાને સંબોધન કરતા કહ્યું કે વીજળી એટલી મોંઘી થતી જાય છે કે લોકોનું જીવન દુષ્કર થઇ ગયું છે. અમારી સરકારે દિલ્હીમાં વીજળી મફત આપી છે અને પંજાબમાં સરકાર બન્યા પછીના માત્ર 3 મહિનામાં 1 જુલાઇથી વીજળી મફત આપવાનું શરૂ કરી દીધું છે. લોકો હવે એવું ઇચ્છે છે કે ગુજરાતમાં પણ અમે મફત વીજળી આપી શકીએ.

કેજરીવાલે કહ્યું કે અમને રાજનીતી કરતા આવડતી નથી, અમે કામ કરનારા માણસો છીએ. અમારી ઇમાનદાર, પ્રમાણિક લોકોની પાર્ટી છે, હું ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે તમને 3 ગેરંટી આપીને જાઉં છુ, જો કામ ન થાય તો બીજી વખત અમને વોટ ન આપતા.

કેજરીવાલે કહ્યું કેસ મારી આ 3 ગેરંટી ગુજરાતની પ્રજા માટે છે. પહેલી ગેરંટી એ છે કે ગુજરાતમા સરકાર બને તેના 3 મહિનામાં 300 યૂનિટ વીજળી દરેક પરિવારને મફત આપવામાં આવશે. દિલ્હી- પંજાબમાં જો વીજળી મફત મળી શકે તો  ગુજરાતમાં પણ મળી શકે છે.

બીજી ગેરંટી એ આપું છુ કે તમને વીજળી તો મફત આપીએ, પરંતુ એ તમને 24 કલાક ન મળે તો શું ફાયદો? એટલે મારી બીજી ગેરંટી એ છે કે 24 કલાક વીજળી આપીશુ, નો પાવર કટ. કેજરીવાલે કહ્યુ કે દુનિયાના ઇતિહાસમાં આ ભારતમાં પહેલીવાર બની રહ્યું છે અને આ એક મેજિક છે, જે વિદ્યા મને ઉપરવાળાએ આપી છે. બીજા કોઇ પાસે આ જાદુની આવડત નથી.

ત્રીજી ગેરંટી એ આપું છુ કે અમારી પાસે દિલ્હી અને પંજાબમાં ગુજરાતના લોકો વીજળીના બીલ લઇને આવે છે કે તેમને મોટી મોટી રકમના વીજ બીલ પધરાવવામાં આવ્યા છે. હું ગેરંટી આપું છુ કે એ બીલો સુધારવામા પડીએ તો વર્ષોના વર્ષો નિકળી જાય એટલે 31 ડિસેમ્બર 2021 સુધીના જેટલા વીજળીના બીલો હશે તે તમામ માફ કરી દેવામાં આવશે, ઝીરો બીલ, આમા સરકારને કોઇ નુકશાન નથી, કારણે કે બીલો જ ખોટા બનાવવામાં આવ્યા હતા.

કેજરીવાલે કહ્યું કે મને વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને તે પણ પંજાબની જેમ ભારે બહુમતથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp