26th January selfie contest

40 વર્ષથી ગુજરાત કોંગ્રેસ સાથે સંકળાયેલા આ 2 દિગ્ગજ નેતા જોડાશે ભાજપમાં

PC: navgujaratsamay.com

આ વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને કારણે છેલ્લા ઘણા સમયથી ગુજરાતનાં રાજકારણમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના જ મહિનાઓ બાકી છે, ત્યારે ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ભાજપ કોંગ્રેસ અને AAP આ ત્રણેય પાર્ટીઓએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતનો પ્રવાસ ખેડીને સામાન્ય નાગરિકોની વચ્ચે જઈ રહ્યા છે. જેથી કરીને પોતાની વૉટ બેન્કની સંખ્યામાં વધારો કરી શકાય. આમ આદમી પાર્ટી દ્વારા તો જાણે નવો ચિલો ચીતરીને ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના ત્રણથી ચાર મહિના અગાઉ જ મંગળવારના રોજ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર પણ કરી દેવામાં આવી છે.

હાલ તો, કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. જી હા, કોંગ્રેસના સૌથી જૂના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર આગામી 17 ઓગસ્ટના રોજ ભાજપમાં જોડાશે તેવા સમાચાર મળી રહ્યા છે.

60 જેટલા કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાયા

2012થી લઈને અત્યારસુધીમાં ગુજરાતના 60 જેટલા મોટા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે જ્યારે ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના 2 દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે. રાજ્યસભાની 2019મા યોજાયેલી ચૂંટણીમાં મંગળ ગાવીત, અક્ષય પટેલ, J.V.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જિતુ ચૌધરી આ નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યાર બાદ બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામું આપ્યું હતું.

રાજીનામું આપનારા નેતાઓમાંથી પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ અન્ય કોઈ પક્ષમાં જોડાયા નથી. જ્યારે બ્રિજેશ મેરજા અને જિતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડળમાં નવું સ્થાન મળ્યું. જ્યારે અક્ષય પટેલ, J.V.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભાજપમાં જોડાયા અને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા. લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા દિલ્હી ભાજપમાં જોડાયા. એ ઉપરાંત જયરાજસિંહ પરમાર, કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રભારીએ પક્ષના ધારાસભ્યોને કચરા સાથે સરખાવ્યા

કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા દ્વારા સોમનાથ ખાતે યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં રઘુ શર્માએ પોતાના પક્ષના ધારાસભ્યોની કચરા સાથે સરખામણી કરી હતી. આયોજિત આ પત્રકાર પરિષદમાં રઘુ શર્માએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં કોણ-કોણ પક્ષ છોડવાનું છે એની મને ખબર છે. જે લોકો જીતી શકે એમ નથી તેઓ પક્ષ છોડવાના છે. તો તે કચરાને લઈ BJP શું કરશે? પ્રદેશ પ્રભારીએ કહ્યું હતું કે મારી પાસે તમામ 182 વિધાનસભા બેઠકનો રિપોર્ટ છે. કોણ જીતે છે અને કોણ હારે છે એની વિગતો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp