ખડગેનો સવાલ-PM મોદી ગલી-ગલી કેમ ફરી રહ્યા છે, શું BJPને સતાવી રહ્યો છે હારનો ડર?

PC: timesnownews.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ડઝનબંધ કેન્દ્રીય મંત્રીઓની ટીમ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે સતત મહેનત કરી રહી છે. વડાપ્રધાન મોદીએ અત્યાર સુધીમાં બે ડઝનથી વધુ રેલી-રોડ શો કર્યા છે. પરંતુ કોંગ્રેસે તેને ભાજપનો ડર ગણાવીને પ્રહારો કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો છે કે, ભાજપને પોતાની હારનો ડર સતાવી રહ્યો છે, તેથી જ તેઓ ગલી-ગલી, વોર્ડ ટુ વોર્ડમાં ફરીને પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન હોવાને કારણે તેમણે આવા ચૂંટણી પ્રચારથી દૂર રહેવું જોઈએ.

સોમવારે અમદાવાદમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરના નેતાઓ મોટા સ્તરની ચૂંટણીઓમાં ભાગ લે છે અને રાજ્ય સ્તરના નેતાઓએ રાજ્ય સ્તરની ચૂંટણીમાં આગળ રહેવું જોઈએ. પરંતુ ભાજપ તેના ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન, ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓને મેદાનમાં ઉતારી રહી છે અને બતાવી રહી છે કે તેને ચૂંટણીમાં હારનો ડર છે, તેથી જ તેના નેતાઓ તેમની હાર ટાળવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.

ખડગેએ કહ્યું કે, ગુજરાતે દેશને એકથી એક ચઢિયાતા રત્નો આપ્યા છે જેમણે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ, સમગ્ર દેશની પ્રગતિ માટે કામ કર્યું છે. ગાંધી-પટેલમાંથી અનેક નામો આ મામલે ગણી શકાય. પરંતુ ભાજપ હવે પટેલોના બહાને કોંગ્રેસ પર પ્રહાર કરવાનું કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય નેતાઓ આખા દેશના છે અને તેમના નામ પર રાજનીતિ ન થવી જોઈએ.

તેમણે કહ્યું કે ભાજપનો આરોપ છે કે, કોંગ્રેસે 70 વર્ષમાં કંઈ કર્યું નથી. આ તેમનું નિવેદન છે. પરંતુ તેમણે સમજવું જોઈએ કે તેઓ નહોતા ત્યારે કોંગ્રેસ ગુજરાત માટે કામ કરતી હતી. આજે પણ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, ભાજપે સમગ્ર ભારતની સેના માત્ર ગુજરાતમાં જ તહેનાત કરી છે અને અમારા લોકો દરેક ગામમાં બૂથ લડી રહ્યા છે. અમે આ ચૂંટણી જીતીશું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે અને તેઓ એક જ વાર ગુજરાત પ્રચાર માટે આવી શક્યા છે. પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે એની અટકળો હતી, પરંતુ તેઓ પણ આવી શક્યા નથી.

રાજકારણના જાણકારોનું માનવું છે કે અત્યાર સુધીની તસવીર જોયા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, કોંગ્રેસ આ બધું સમજી વિચારીને કરી રહી છે. ગુજરાત-હિમાચલમાં સમય વિતાવવાને બદલે તે 2024ને લક્ષ્યાંક બનાવીને પોતાના મૂળિયા મજબૂત કરવા કામ કરી રહી છે. તેને લાગે છે કે જો તે રાષ્ટ્રીય સ્તરે મજબૂત હશે તો ગુજરાત-હિમાચલ જેવા રાજ્યોની ચૂંટણીઓ સરળતાથી જીતી શકાશે.

આવતા વર્ષે પણ નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. તેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢનો પણ સમાવેશ થશે. 2024ની ચૂંટણી પહેલા આ જીતવું પાર્ટી માટે 2024ના વિઝન કરતાં વધુ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ પોતાને મજબૂત કરવા પર પૂરેપૂરું ધ્યાન આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp