શ્રેય અગ્નિકાંડના 5 દિવસ પછી CMએ પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યો

PC: zeenews.com

6 ઓગસ્ટના રોજ બુધવારે મોડી રાત્રે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. ICUમાં લાગેલી આગના પગલે 8 નિર્દોષ દર્દીઓના મોત થયા હતા. તો ફાયર ફાયટરો, પોલીસ અને હોસ્પિટલ સ્ટાફે 41 લોકોને બચાવી SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ રાજ્યના મુખ્યમંત્રીએ સમગ્ર મામલે તપાસ કરવા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક સચિવ મુકેશ પૂરી નિમણૂક કરી હતી. આ બંને અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ કરીને 3 દિવસની અંદર અહેવાલ અધિક મુખ્ય સચિવને સોંપવા રાજ્ય સરકારે સૂચના આપી હતી. જો કે, બંને અધિકારીઓએ ઘટનાના 5 દિવસ પછી સરકારને રિપોર્ટ સોંપ્યો છે. બે વરિષ્ઠ અધિકારીઓના રિપોર્ટ બાદ પણ રાજ્ય સરકારે નિવૃત્ત જજની તપાસની ઘોષણા કરતા અનેક તર્કવિતર્કો ઊભા થયા છે. તો બીજી તરફ અધિક મુખ્ય સચિવ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ, પોલીસ, FSL અને ઇલેક્ટ્રીકલ ઇન્સ્પેક્ટરની કામગીરીનો અહેવાલ પણ મંગાવવામાં આવ્યો છે.

રિપોર્ટ મળ્યા બાદ આગની દુર્ઘટનાને ગંભીરતાથી લઇ સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય અને કોઈ પણ બાબત છૂટી ન જાય અને તપાસમાં કોઇ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે મુખ્યમંત્રી દ્વારા સમગ્ર ઘટનાની ઝીણવટ પૂર્વક તપાસ કરવા માટે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે પોલીસને પણ સમગ્ર મામલે ઝડપથી ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

આ બાબતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટે મધ રાત્રે લાગેલી આગની ઘટનાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અત્યંત ગંભીરતાથી લીધી છે. આગની ઘટનામાં મૃત્યુ પામેલા 8 લોકો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરતા તેમના વારસદારોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની પણ રાજ્ય સરકારે જાહેરાત કરી છે. તો બીજી તરફ જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તે લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

મહત્ત્વની વાત છે કે, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક સચિવ મુકેશ પૂરી રાજ્ય સરકારને આપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિકલ ઉપકરણમાં દુર્ઘટના બની હતી. આ ઘટના એક પ્રકારની એકસીડન્ટ ફાયર છે. જે અંદાજે 3 મિનિટમાં ICUમાં પ્રસરી ગઇ હતી. બે વરીષ્ઠ અધિકારીઓનો રિપોર્ટ મળ્યા બાદ પણ સરકારે નિવૃત્ત જજની તપાસની ઘોષણા કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp