શહેરો પછી હવે AAPની ગામડાઓમાં એન્ટ્રી, મહેસાણામાં 35 કિમી લાંબી ટ્રેકટર રેલી

PC: divyabhskar.co.in

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસની સાથોસાથ હવે આમ આદમી પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં આમ આદમી પાર્ટી તરફથી તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક માટે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની આગેવાનીમાં 35 કિમી લાંબી એક ટ્રેકટર રેલી કાઢવામાં આવી હતી.

ખેડૂતોના સમર્થનમાં કાઢવામાં આવેલી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા કાર્યકર્તાઓ જોડાયા હતા. આમ આદમી પાર્ટી પણ ગ્રામ્ય વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે પ્રયત્નો કરી રહી છે. આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા ગોપાલ ઈટાલીયાએ વિસનગરના તાલુકાનના ગ્રામ્ય વિસ્તારમાં જઈને ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. તેમજ સાંજે સભા ગજવી હતી. વિસનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો, માલધારીઓ તથા દુકાનદારો તરફથી આમ આદમી પાર્ટીને સારૂ એવું સમર્થન મળ્યું છે. આમ આદમી પાર્ટી તરફથી વિસનગર ખાતે મહાસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણી પૂરી થઈ ગયા બાદ 28મી ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તેમજ 81 નગરપાલિકાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો કામે લાગી ગયા છે. માત્ર વિસનગર જ નહીં પણ તળાજા તાલુકાના કઠવા ગામે પણ ગોપાલ ઈટાલિયાએ ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો હતો. તેમજ સાંજના સમયે સભા પણ સંબોધી હતી.

 

આમ આદમી પાર્ટીના મોટા નેતા અરવિંદ કેજરીવાલે આપેલા નારા, એક મોકો આપને પછી જુઓ ગુજરાતને...ને કેન્દ્રમાં રાખીને મસમોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મહાનગર બાદ હવે આમ આદમી પાર્ટીએ ગ્રામ્ય તથા તાલુકા વિસ્તારમાં પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગોપાલ ઈટાલીયાએ વિસનગરમાં કહ્યું હતું કે, હવે લોકો પરિવર્તન ઈચ્છે છે. એક ઈમાનદાર સરકાર ઈચ્છે છે. વિસનગરના લોકો આમ આદમી પાર્ટીને પૂરતો સહયોગ આપી રહ્યા છે. એટલે તેઓ આમ આદમી પાર્ટીને મત આપશે. બીજી તરફ છ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. મતગણતરી કેન્દ્ર પર જે તે પક્ષના સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટીએ પોતાની બેઠક પર જીત મેળવી છે. ગ્રામ્ય પંથકમાંથી આમ આદમી પાર્ટીને કેવો અને કેટલો સાથ મળે છે એ હવે જોવાનું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp