અમદાવાદનો પોલીસ કોન્સ્ટેબલ મહીસાગરમાં દારૂની ખેપ મારતા પકડાયો

PC: youtube.com

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધીના નિયમોનું ચુસ્તપણે પાલન થતું હોવાની વાત કરવામાં આવે છે પરંતુ સરકારની આ વાત વારંવાર ખોટી સાબિત થઇ રહી છે. કારણ કે, રાજ્યમાં અવાર નવાર લાખો રૂપિયાના દારૂની હેરાફેરીના કિસ્સાઓ સામે આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો ખુદ પોલીસકર્મીઓ જ દારૂની હેરાફેરી કરતા પકડાઈ છે, તો કેટલાક કિસ્સામાં સસ્પેન્ડેડ પોલીસકર્મી દારૂની ખેપ મારવાનું શરૂ કરે છે. ત્યારે આવો જ એક કિસ્સો મહિસાગર જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં મહીસાગર પોલીસે એક પ્રાઇવેટ ગાડીનું ચેકિંગ કર્યુ હતું. પોલીસે પ્રાઇવેટ ગાડીમાંથી ત્રણ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો અને બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, બે આરોપીઓમાંથી એક આરોપી અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

રિપોર્ટ અનુસાર મહિસાગર જિલ્લા પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી કારમાં દારૂની સપ્લાય થવાની છે. જેથી પોલીસે તપાસ હાથ ધરીને દાહોદના ઝાલોદથી સંતરામપુર તરફ દારૂ ભરીને આવતી એક ગાડીને મહીસાગર પોલીસે કડાણાના સાદડીયા ગામ પાસે અટકાવી હતી. પોલીસની ગાડીમાં ચેકિંગ કરતા કારની અંદરથી 3.92 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

ખાનગી કારમાં વિદેશી દારૂ હોવાના કારણે પોલીસે કારમાં બેસેલા બે ઇસમોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત 3.92 લાખનો દારૂ અને કારને પણ કબજે લીધી હતી. પોલીસે કારમાં બેઠેલા બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, એક આરોપી અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને તેનું નામ અલ્પેશ દરજી છે.

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બીજા આરોપીનું નામ નિતીન છે અને તે ફતેપુરા દાહોદનો રહેવાસી છે. પોલીસ આગામી દિવસોમાં જાણવાનો પ્રયાસ કરશે કે, પોલીસકર્મી સહિત બંને આરોપીઓ કેટલાક સમયથી દારૂની ખેપ મારતા હતા અને આ દારૂ તેઓ કોને આપવા જવાના હતા. પોલીસ કોન્સ્ટેબલ દારૂની સપ્લાય કરતા ઝડપાતા પોલીસ બેડામાં ખડભડાટ મચી ગયો છે. ત્યારે આ ઘટના પરથી સવાલ એ થાય છે કે, રાજ્યમાં પોલીસકર્મીઓ જ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ કરશે તો સામાન્ય જનતાનું રક્ષણ કોણ કરશે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની કામગીરી કઈ રીતે પૂર્ણ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp