સી.આર.પાટીલ મરાઠી છે, મહારાષ્ટ્રમાં રાજ કરે, તેને ગુજરાતમાં શું કામ છે: ભરતસિંહ

PC: facebook.com/GPCC.BharatsinhSolanki

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો પદગ્રહણ સમારોહ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ભરતસિંહ સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રબર સ્ટેમ્પ કહ્યા હતા.

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સામે વિચાર કરીએ તો કેવું રાજ કાલે છે. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારી અને ગેર વહીવટની પણ ખબર છે. પણ તૈયારી આપણે બધાએ કરવાની છે, જીતાશે કઈ રીતે? સરકાર લાવવી હોય તો જે કામ રાહુલ ગાંધી અને પ્રિયંકાજીએ શરૂ કર્યું છે તે ગલીએ-ગલીએ લોકોનો સંપર્ક કરવા માટે જાય છે. તેમાં ઉપરની નેતાગીરી અને નીચેની નેતાગીરી બધાને જોડવા પડશે. આનંદીબેન હતા હાર્દિક પટેલ અને તેમના સાથીઓએ આંદોલન કર્યું. ન્યાય માટેની વાત કરી અને તે વખતે જે કઈ અન્યાય થયો અને વાતાવરણ બદલાયું ત્યારબાદ આપણે સૌ સહિયારા પ્રયાસથી 23 જિલ્લા પંચાયતો લઇ આવ્યા હતા. એટલે આનંદીબેનને કાઢ્યા. ત્યારબાદ વિજય રૂપાણીને લાવ્યા. વિજય રૂપાણીને પણ કોરોનામાં અમે ગયા હતા. વિરોધપક્ષનું આખું ડેલીગેસન ગયું. તેમને મળ્યા, રાજ્યપાલને મળ્યા અને કહ્યું અમે તમને મદદ કરવા આવ્યા છીએ રાજકારણ કરવા નથી. તમે લોકોની જે મુશ્કેલી છે તેમાં કઈ રસ્તો કાઢો. ત્યારે એ પણ નિષ્ફળ ગયા. ત્યારબાદ ભાજપને એમ લાગ્યું કે તે હારશે એટલે રૂપાણીને પણ કાઢ્યા.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, વિજય રૂપાણી તો રબર સ્ટેમ્પ હતા. આ બીજા લઇ આવ્યા ભૂપેન્દ્ર પટેલ એ પણ રબર સ્ટેમ્પ. એ રબર સ્ટેમ્પ એટલા માટે કે આજે તમને બધાને થોડી ઘણી ખબર હશે કે વહીવટ કોણ કરે અને કોણ ચલાવે છે. પેલા બે જણા છે એ તો ખરા પણ બે જણા કરતા પેલા સી.આર. પાટીલ સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ તે એના વહીવટ દાદાગીરીથી આ રાજ્ય ચલાવી રહ્યો છે. તમે ભૂપેન્દ્ર પટેલને પૂછો કે તમે સી.આર. પાટીલની સુચના કે ઈચ્છા વગર એક પણ મામલતદારની બદલી કરી શકો ખરા. આ બધું તો એજ ચલાવે છે. તેના હોમ મિનિસ્ટરને પૂછે તો કહે કે સી.આર. પાટીલને પૂછો.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, એટલે સી.આર. પાટીલ ભગવાન ભલું કરે મરાઠી છે, મહારાષ્ટ્રમાં રાજ કરે અને ત્યાં ચલાવે તે બધું બરોબર છે. પણ ગુજરાતમાં તેને શું કામ છે. આ તો ગુજરાતીઓનું છે. આતો ગાંધી અને સરદારનું ગુજરાત છે. અહિયાં તો રાજ ચલાવવાવાળો ગુજરાતી જ હોવો જોઈએ. એક સી.આર. પાટીલ તો ખરા જ અને 2013માં જેને રીટાયર્ડ કર્યા તેવા ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કૈલાશ નાથન તે આ રાજ ચલાવે છે. એ એટલા માટે ચલાવે છે કે, તે જમાનાના મુખ્યમંત્રી જેમને ગેસમાં બીજી કંપનીઓમાં ભ્રષ્ટાચાર કર્યો અને તેના આ જાણકાર છે. એટલે આ જાણકારી છૂપાવવા માટે તેમને આ રાજ ચલાવવા માટે આપ્યું છે.

તેમને અંતમાં જણાવ્યુ હતું કે, આપણે શું કૈલાશ નાથન કે સી.આર. પાટીલ જે રાજ ચલાવે છે તેવા લોકોનું રાજ ગુજરાતમાં ચાલવા દેવું છે. મોટા ભાગના લોકો ત્રણ પ્રકારના હોય. કેટલાકને ખબર પડે કે આ શું ચાલી રહ્યુ છે. તો કેટલાકને ખબર છે કે આ શું ચાલી રહ્યું છે પણ તે એક્શનમાં ન આવે અને ત્રીજા એવા લોકો કે કઈ કરી શકે. એટલે આપણે એવા લોકો છીએ કે જે પરિવર્તન લાવી શકે. એટલે ગુજરાતમાં સી.આર. પાટીલ જેવાનું રાજ કોઈ પણ સંજોગોમાં ચાલવું જોઈએ નહીં. આ પ્રકારનો ગેરવહીવટ બંધ થવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp