ભાવનગરનો કોલેજ સ્ટુડન્ટ ગાંજો મંગાવતો હતોઃ બસમાં પાર્સલ આવ્યુ અને પકડાઈ ગયા

PC: ecocosas.com

છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ અને ભાવનગર પોલીસે ગાંજાના જથ્થા સાથે બે યુવકોને પકડી પાડ્યા છે. અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઓપરેશનમાં પકડાયેલો આરીફ શેખ નામના ગ્રેજ્યુએટ યુવક પાસે સાત કિલો ગાંજો મળી આવ્યો છે, જ્યારે ભાવનગર પોલીસ મનન શાહ નામના કોલેજ સ્ટુડન્ટને ગાંજાની 11 પડીકીઓ સાથે પકડ્યો છે. મનન પોતાના અને પોતાના મિત્રો માટે અમદાવાદથી ગાંજો મગાવતો હતો, પરંતુ આ બંને ઘટનામાં આશ્ચર્ય તે બાબતનું છે કે ગાંજાનો આખો કારોબાર ડિજિટલ પેમેન્ટ ઉપર ચાલતો હતો, ગાંજો ખરીદનાર વિદ્યાર્થી ગાંજાના સપ્લાયરને ઈ-પેમેન્ટ કરે ત્યાર બાદ ગાંજો મોકલી આપવામાં આવતો હતો.

ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સપેક્ટર સર્જક બારોટને જાણકારી મળી હતી કે ભાવનગરની વિવિધ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગાંજાની લત લાગી ગઈ છે અને તેઓ પુષ્કળ માત્રામાં ગાંજાનું સેવન કરી રહ્યા છે. આ માહિતીને આધારે ઈન્સપેક્ટર બારોટે પોતાના સ્ટાફને એલર્ટ કરી કોલેજોની આસપાસ સર્વેલન્સ રાખવાની સુચના આપી હતી આ વખતે સહજાનંદ કોમર્સ કોલેજમાં બીબીએનો અભ્યાસ કરતો મનન શાહ સ્કુટર ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકી તપાસ કરતા તેના સ્કુટરની ડેકીમાંથી ગાંજાની 11 પડીકીઓ મળી આવી હતી. આ અંગે મનન શાહની પુછપરછ કરતા તેણે કબૂલ્યુ હતું કે છેલ્લાં લાંબા સમયથી તેને અને તેના મિત્રોને ગાંજાની લત લાગી હતી જેના કારણે તેઓ અમદાવાદથી ગાંજો મંગાવતા હતા.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે મનન શાહ અને તેના જેવા વિદ્યાર્થીઓ ગાંજાની લતના રવાડે ચઢી ગયા હતા અને તેમને એક કેરીયર અમદાવાદથી ગાંજો સપ્લાય કરતો હતો પરંતુ વિદ્યાર્થીઓ અને કેરીયર તમામ વ્યવહાર ઈ-પેમેન્ટ દ્વારા કરતા હતા કેરીયરના ખાતામાં પૈસા જમા કરાવો એટલે કેરીયર અમદાવાદથી વિવિધ શહેરમાં જતી પ્રાઈવેટ લકઝરી બસમાં પાર્સલ મોકલી આપતો હતો. પોલીસને કેરીયરનો જે નંબર હાથ લાગ્યો છે તેના કોલ રેકોર્ડ પ્રમાણે આ કેરીયર રાજ્યના અનેક કોલેજ સ્ટુડન્ટને ગાંજો સપ્લાય કરતો હતો. ફરાર થઈ ગયેલા કેરીયરને ઝડપી લેવા માટે ટીમો રવાના થઈ ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનન શાહ ભાવનગરના બહુ પ્રતિષ્ઠીક કુટુંબમાંથી આવે છે તેના પિતાને ઈલેક્ટ્રોનિક આઈટમનો શો રૂમ છે જયારે મનના દાદા ભાવનગરમાં એક મોટુ અખબાર ચલાવતા હતા જે તેમણે ઘણા વર્ષો પહેલા વેંચી નાખ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp