CMએ કહ્યુ- સરદાર સાહેબ વિશે કોંગ્રેસને બોલવાનો કોઇ અધિકાર નથી કારણ કે...

PC: Khabarchhe.com

ભારતીય જનતા પાર્ટીના CM વિજય રૂપાણી આજે ગોધરા ખાતે એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને એક વિશાળ જાહેરસભાને સંબોધતાં જણાવ્યું હતું કે, કેન્દ્રની અને રાજ્યની ભાજપાની સરકારે હંમેશા જનતા જનાર્દનને સમર્પિત રહી છે. તા. 21.02.2021ના રોજ છ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી અને તેના તા. 23.02.2021ના રોજ પરિણામો આવ્યાં હતાં. ગુજરાત વિરોધીઓ દ્વારા આ છ મહાનગરપાલિકાઓના પરિણામો અટકાવવા માટે ખૂબ જ ધમપછાડા કર્યા હતાં પરંતુ તેમાં તે લોકો ફાવ્યાં નથી. આ છ મહાનગરપાલિકાઓમાં ગુજરાત વિરોધીઓને જનતા જનાર્દને સફાયો કર્યો છે, અને સાચુ કહું તો તેમના ઇતિહાસની આ કારમી હાર જોઇને મને ખૂબ જ દયા આવી હતી.

વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે કેન્દ્રમાં અને ગુજરાતમાં અત્યાર સુધી મતબેંકની રાજનીતિ કરી જનતા જનાર્દનને આજ સુધી બેવકુફ બનાવી રહી હતી. આજ દિવસ સુધી કોંગ્રેસે મુસ્લિમ સમુદાયને આજ સુધી માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે અને તે માટે જ મુસ્લિમ સમુદાયે પણ આ વખતે નકાર્યા છે. દેશ અને રાજ્યમાં જ્યારે જ્યારે કુદરતી આફત આવી પડી છે, ત્યારે ત્યારે કોંગ્રેસ પ્રજાથી વિમુખ થઇ છે, અને ભાજપા હંમેશા પ્રજાની પડખે ઉભી રહી છે. કોરોના મહામારીની વૈશ્વિક આફતમાં પણ ભાજપાનો નાનામાં નાનો કાર્યકર પોતાના જીવના જોખમે પ્રજાની પડખે સેવાર્થે ઉભો રહ્યો છે. રાજ્ય સરકારે કોરોનાના દર્દીને રાતોરાત જરૂરીયાત મુજબના ઇન્જેક્શન પહોંચાડવામાં આવ્યાં છે.

તેમણે કહ્યુ કે, કોરોના સામે રક્ષણ આપવા માટે મફતમાં ટેસ્ટ કરાવ્યાં અને હવે મફતમાં વેક્સીન આપવામાં આવે છે. ભાજપા જ્યારે જ્યારે સેવાકીય કાર્ય કર્યું છે, ત્યારે ત્યારે કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે. ગઇકાલે નરેન્દ્ર મોદીના નામથી સ્ટેડિયમનું લોકોર્પણ કર્યું છે તેમાં પણ સવાલો ઉભા કર્યા છે. સરદાર સાહેબ વિશે તેમને બોલવાનો કોઇ અધિકાર નથી કારણ કે, ગુજરાતના પનોતાપુત્ર અને લોહપુરૂષનું કોંગ્રેસે કેટલુ અપમાન કર્યું છે, તે જનતા જનાર્દન સારી રીતે જાણે છે. સરદાર સાહેબને PM બનતાં અટકાવવાવાળું બીજું કોઇ નહતું આ જ કોંગ્રેસ હતી. સરદાર સાહેબને ભારત રત્નના એવોર્ડથી વિમુખ રાખવાવાળું કોણ હતું આ જ કોંગ્રેસ હતી. કોંગ્રેસના પાપે જ દેશમાં બેકારી વધી છે. કોંગ્રેસે તેમના શાસનમાં જ સરકારી ભરતી પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ દેશના PM નરેન્દ્ર મોદીએ આ પ્રતિબંધ હટાવીને માત્ર ગુજરાતમાં જ 1,60,000 યુવાઓને રોજગારી આપી છે. ખાનગી ક્ષેત્રમાં પણ રોજગાર મેળાઓ યોજીને રોજગારી આપવાનું કાર્ય કર્યું છે.

વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું હતું કે, દેશના PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં CM તરીકે આરૂઢ થયાં હતાં ત્યારથી ગુજરાતમાં વિકાસની વણઝાર લગાવી દીધી હતી અને ગુજરાત રાજ્યને દેશમાં એક મોડલ તરીકે સ્થાપિત કરી દીધું હતું દેશના અન્ય રાજ્યો પણ ગુજરાતનો વિકાસ જોઇને ગુજરાત મોડલ અપનાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યની સરકાર આજે પણ PMની વિકાસની યાત્રા અવિરત ચાલુ રાખી છે. વિકાસની હરણફાળ યથાવત રહેતા આજે દેશમાં જ નહીં પણ વિશ્વના અન્ય દેશોમાં પણ એક મોડેલ રાજ્ય તરીકે સ્થાપિત થયો છે. રાજ્ય સરકારે અત્યાર સુધી અનેક કડક કાયદાઓનો અમલ કર્યો છે, જેક કે, ગુંડાઓ વિરુદ્ધનો કાયદો, ભુમાફીયાઓ વિરુદ્ધનો કાયદો અને હવે લવ જેહાદનો કડક કાયદો પણ વિધાનસભાના સત્ર દરમ્યાન લાવવામાં આવશે. આ ગાંધીનું ગુજરાત છે, સરદાર સાહેબનું ગુજરાત છે, નરેન્દ્ર મોદીનું ગુજરાત છે. કોઇ માફીયાઓનું કે ગુંડાઓનું ગુજરાત નથી. આ રાજ્યમાં શાંતિ અને સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં કોઇપણ ક્ષેત્રે ક્ષતિ ધ્યાન ઉપર આવશે તો તેની સામે કડક હાથ કામ કરવામાં આવશે.

વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પંચમહાલમાં વિકાસ થયો છે, આ વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખવો છે, ત્યારે તા. 28.02.2021ના રોજ યોજનાર નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે ભાજપા તરફી જંગી મતદાન કરવા અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp