માસ્ક વગર ફરતા જાડેજાને પોલીસે રોક્યો તો તેની પત્નીએ પોલીસ સાથે માથાકૂટ કરી

PC: circleofcricket.com

રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રીવાબા જાડેજા અને મહિલા પોલીસ અધિકારી વચ્ચે રસ્તા વચ્ચે માથાકૂટ થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી પછી મામલો થાળે પડયો હોવાનું પણ જાણવા મળ્યું છે. તો બીજી તરફ રીવાબા જાડેજાએ મહિલા પોલીસ અધિકારીએ રવિન્દ્ર જાડેજાને તુકારો કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

રિપોર્ટ મુજબ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમની પત્ની રીવાબાની સાથે કારમાં ફરવા નીકળ્યા હતા. તે સમયે તેમને કારની અંદર માસ્ક પહેર્યુ ન હતું. તેથી હેડ કોન્સ્ટેબલ સોનલ ગોસાઇએ રવિન્દ્ર જાડેજાની કારને રોકી હતી અને માસ્ક નહીં પહેરવા બાબતે દંડ ભરવા માટે કહ્યું હતું. આ ઉપરાંત મહિલા હેડ કોન્સ્ટેબલે રવિન્દ્ર જાડેજા પાસે લાઇસન્સની માગણી કરી હતી. જેના કારણે રવિન્દ્ર જાડેજા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે બોલાચાલી થઈ હતી.

રિપોર્ટ અનુસાર રાજકોટ શહેરના કિશાનપરા ચોકમાં સોમવારે સાંજના સમયે મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રીવાબા જાડેજા કારમાં બેસી કિશાનપરા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક મહિલા પોલીસ અધિકારીએ રવિન્દ્ર જાડેજાની કાર અટકાવી હતી. કાર અટકાવ્યા પછી મહિલા પોલીસ અધિકારી અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા વચ્ચે માથાકૂટ થઇ ગઇ હતી. જો કે, આ માથાકૂટ દરમિયાન રીવાબા પણ ઉશ્કેરાઇ ગયા હતા અને 20 મિનિટ સુધી ચાલેલી માથાકૂટના કારણે રસ્તા પર લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસ ઉચ્ચ અધિકારીઓને થતા પોલીસની 6 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર મામલો થાળે પાડયો હતો. તો બીજી તરફ ઘટના સ્થળ પર રહેલા લોકો એવી ચર્ચા કરી રહ્યા હતા કે, ફરજ બજાવી રહેલા મહિલા પોલીસકર્મીને જાણ ન હતી કે, કારમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા છે. પોલીસ તેમની ફરજ બજાવી રહી હતી પરંતુ સેલિબ્રિટી તરીકે તેમને પણ પોલીસની કામગીરીમાં સહકાર આપવો જોઈતો હતો. રસ્તા પર જે ધમાલ થઈ છે તે યોગ્ય ન કહેવાય.

રીવાબાએ તેમના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમને ચેકિંગ માટે રોકાયા હતા ત્યાં થોડી રકઝક થઈ હતી, મહિલા પોલીસ થોડું ખરાબ મારા પતિને બોલી ગયા હતા પરંતુ અમે ત્યાંથી સાંભળીને નીકળી ગયા. મહિલા પોલીસે મારા પતિને તુકારે કહ્યું કે, ચાલ નીચે ઉતર, તું કોણ છો, લાયસન્સ લાવ તારૂ, સિધો રે, આમ કર આવું કહ્યું હતું એટલે મે અગ્રવાલ સાહેબને ફોન કર્યો અને સાહેબને કહ્યું કે, આવી રીતે ઈશ્યુ થયો છે અને મેડમે આવું કર્યું છે. દેસાઈ કરીને મેડમ હતા મને ખાલી સરનેમ યાદ છે.

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં પણ રીવાબા સાથે એક પોલીસકર્મીની દાદાગીરી સામે આવી હતી. જેમાં પોલીસ કોન્સ્ટેબલે વાહન અથડાવવા જેવી બાબતે રીવાબાને માર માર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ફરીયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓએ સંજય નામના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp