શિક્ષકોને તલાટીનું કામ સોંપવું તે મંત્રીની બુદ્ધિનું દેવાળું બતાવે છેઃ કોંગ્રેસ

PC: dnaindia.com

15,000 તલાટી કમ મંત્રી હડતાળ પર જતા તેની જવાબદારી શિક્ષકો સંભાળશે એવા પરિપત્રો દ્વારા આદેશ આપીને બુદ્ધિનું દેવાળું ભાજપ સરકારના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કાઢી રહ્યા છે. ભાજપ સરકારના પરિપત્રોથી શિક્ષકોના સ્વમાન અને સન્માન પર સીધી ઘાત થઈ રહી છે. શિક્ષણ વિભાગ  શિક્ષકોને અન્યાય કરતા વિવિધ ફતવાઓ શિક્ષણની અધોગતિ માટે જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાય જુદા જુદા પરિપત્રો દ્વારા અન્ય જવાબદારી થોપી દે છે.

જેમ કે, શિક્ષકોને શૌચાલયો ગણવા માટે, સુજલામ-સુફલામમાં ખાડા ખોદવા માટે, સરકારની પ્રસિદ્ધિના કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા માટે, શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પંચર કરતાં શીખવાડવા માટે, વિવિધ સરકારી કાર્યક્રમોમાં હાજરી આપવા માટે, વરસાદ માપવા માટે, પુર નિયંત્રણના કામ માટે, સરકારી કાર્યક્રમોમાં બસોની ગણતરી કરવા માટે, ગરીબ કલ્યાણ મેળામાં કીટ વિતરણ માટે અને હવે તો તમામ પરિપત્રોથી ઉપર 18,000 ગામોમાં તલાટી કમ મંત્રીની હડતાળના કારણે જે તે ગામોમાં ગ્રામસભા કરીને સરકારના કાર્યક્રમને સફળ કરવાની જવાબદારી શિક્ષકશ્રીઓને સોંપીને ભાજપ સરકાર શિક્ષણની અવદશા માટે નિશ્ચિત દિશા નક્કી કરી લીધી હોય તે રીતે ફતવાઓ બહાર પાડી રહી છે.

લાંબા સમયથી સરકાર દ્વારા થતાં અન્યાય અને માંગણીઓ સંદર્ભે નાછૂટકે હડતાળનું શસ્ત્ર હાથમાં લીધું છે. જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં 7/12 નો ઉતારો અને અન્ય વહીવટી કામો ઠપ થઈ ગયા છે. ભાજપ સરકારે તેમના પ્રસિદ્ધિ કાર્યક્રમો માટે તલાટી કમ મંત્રીને સોંપેલી જવાબદારી હવે ગ્રામસભા સહીત શિક્ષકોને જવાબદારી સોંપી દીધી છે. ત્યારે રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની વારંવાર સોંપાતી કામગીરીના કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટું નુકસાન થઈ રહ્યું છે. 1995 સુધી જે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં 9(નવ)માં ક્રમાંકે હતું તે ભાજપ સરકારની શિક્ષણ વિરોધી નીતિઓના કારણે અને શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની કામગીરીના કારણે 19માં અને 21માં ક્રમાંકે ધકેલાઈ ગયું છે.

છેલ્લાં 10 વર્ષમાં શિક્ષણ વિભાગ દ્વારા જુદા-જુદા શિક્ષણ સિવાયના શિક્ષકોને સોંપાતા વિવિધ કામગીરીથી શિક્ષકો હેરાન-પરેશાન થઈ ગયા છે. એક તરફ સતત શિક્ષકોને શાળાના પરિણામ માટે જાહેર સમારંભોમાં ધમકીની ભાષામાં સુચના અપાય છે અને બીજી બાજુ શિક્ષણ વિભાગ ખુદ જ મંત્રી અને મુખ્યમંત્રીને ખુશ કરવા માટે શિક્ષકોને શિક્ષણની કામગીરી સિવાય અન્ય કામો થોપી દેવામાં આવે છે. સમગ્ર શિક્ષકો એક જ અવાજે કહે છે ‘દેશનું ભાવિ ઘડવા દો, વર્ગખંડમાં રહેવા દો’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp