ગાંધીનગરના ખોરજ ગામમાં કોરોના બ્લાસ્ટ, ગામ લોકો દ્વારા ચૂંટણી પ્રચારનો વિરોધ

PC: DainikBhaskar.com

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ચૂંટણી પહેલા રાજ્યમાં 300થી 350 વચ્ચે પોઝિટિવ કેસો સામે આવતા હતા પરંતુ ચૂંટણી પછી 3 હજાર કરતાં વધારે પોઝિટિવ કેસો સામે આવ્યા છે. ત્યારે ચૂંટણી બાદ પણ કોરોનાનું સંક્રમણ વધ્યુ હોવા છતાં પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી. હવે ગણતરીના દિવસો જ ગાંધીનગરની ચૂંટણીના મતદાનને બાકી રહ્યા છે. ચૂંટણીના માહોલ વચ્ચે ગાંધીનગરમાં અલગ-અલગ પક્ષોના ઉમેદવારો દ્વારા પ્રચાર અને પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ ગાંધીનગરનાં ખોરજ ગામમાં કોરોના બ્લાસ્ટ થતાં ગામના લોકો દ્વારા ચૂંટણીનો પ્રચારનો વિરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર ખોરજ ગામમાં 70 અને ગામમાં આવેલા સોસાયટી વિસ્તારમાં 125 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેથી ગામના લોકો દ્વારા ચૂંટણીનો પ્રચાર પ્રસાર બંધ કરી દેવામાં આવ્યો છે. ગઈ કાલે જ ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં 39 અને શહેરી વિસ્તારમાં 40 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તેવામાં ખોરજ ગામમાં 200 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના કારણે ગામના લોકોએ આંશિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે અને ગામના લોકોએ બજારો પણ બંધ કરી છે અને મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારનો પણ વિરોધ કર્યો છે અને ગામમાં પ્રચાર નહીં કરવાનું જણાવ્યું છે.

ખોરજ ગામમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લઈને લોકો ઘરની બહાર પણ નથી નીકળી રહ્યા. ગામ લોકોનું કહેવું છે કે, રાજકીય પક્ષોએ ચૂંટણીનો પ્રચાર કરવો હોય તો માત્ર ઉમેદવારે એકલા જ ડોર ટૂ ડોર પ્રચાર કરવો પડશે. ઉમેદવાર ટોળા લઈને પ્રચાર કરવા માટે આવી શકશે નહીં અને ટોળા લઈને આવતા ઉમેદવારો પર પાંબંધી લગાવવામાં આવી છે. આ ઉપરાંત ખોરજ ગામના અન્ય લોકોનું કહેવું છે કે, એક તરફ હોસ્પિટલમાં બેડ નથી અને બીજી તરફ ચૂંટણી યોજીને લોકોના જીવ પર જોખમ ન કરવું જોઈએ.

મહત્ત્વની વાત છે કે, રાજ્યમાં જ્યારે બજેટ સત્ર ચાલી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે વિધાનસભા ગૃહમાં જ સ્વેચ્છિક જવાબદારી સ્વીકારી હતી કે, ચૂંટણીના કારણે કોરોના સંક્રમણ વઘ્યું, ત્યારબાદ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી એ પણ રેલી કરીને ભૂલ કરી હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે ગાંધીનગરમાં ચૂંટણીઓ યોજાય છે પરંતુ ચૂંટણીના કારણે કોરોના બ્લાસ્ટ થાય તો તેની જવાબદારી કોની?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp