26th January selfie contest

10000 નોળિયા મારીને એની પૂંછડીમાંથી બનાવ્યા 7600 બ્રશ, અમદાવાદમાંથી એકની ધરપકડ

PC: bhaskar.com

રાજ્યમાં વન્યજીવને મારીને વેપલો કરનારા લોકો છાનેખૂણે ધંધો કરી લે છે. પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે જેણે આશરે 10,000 નોળિયાને મારીને એની પૂંછડીમાંથી 7600થી વધારે પેઈન્ટ બ્રશ બનાવી નાંખ્યા છે. રાજ્યમાં વન્યજીવના અંગને લગતી ગુનાખોરી વધી રહી છે. રાજ્યના અત્યારસુધીના સૌથી મોટા ધંધાનો પર્દાફાશ થયો છે. સરસપુરમાં બી.આર. બ્રશ ઈન્ડસ્ટ્રી.ના નામે ધંધો કરતા શખ્સને રંગેહાથે પકડી પાડવામાં આવ્યો છે. વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોના વેસ્ટ રીજનલ ડેપ્યુટી ડાયરેક્ટર યોગેશ વારખડને ચોક્કસ બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો ગુજરાતના મહાનગર અમદાવાદમાં નોળીયાને મારીને બ્રશ બનાવીને વેપલો કરે છે. નોળિયો શિડ્યૂલ 2માં આવતું વન્યજીવ છે. જેને કેદ કરવું કે એના અંગનું વેચાણ કરવું ગુનો બને છે. તે પ્રતિબંધિત છે. આ અંગેની એક ચોક્કસ માહિતી મળતા અમદાવાદ સિટી રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાથે ચર્ચા કરાઈ હતી.

વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરો તથા વનવિભાગની ટીમે ભેગા થઈને સરસપુરમાં આવેલી બ્રેશ ઈન્ડસ્ટ્રીમાં ચેકિંગ કર્યું હતું. ડમી ગ્રાહક બનીને ઈન્ડસ્ટ્રીમાં નવા બ્રશ માંગવામાં આવ્યા હતા. પ્રતીક શાહ નામના એક શખ્સે જુદી જુદી કેટેગરીના બ્રશ બતાવ્યા હતા. જેમાં 100 મીમીની સાઈઝથી લઈને અનેક સાઈઝના બ્રશ હતા. રૂ.300થી લઈને 600 સુધીના બ્રશ હોલસેલ ભાવે મળતા હતા. આમ માલ વેચતા શખ્સ રંગેહાથ ઝડપાયો હતો. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રતીકની પેઢીની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જુદી જુદી સાઈઝના 7605 બ્રશ મળ્યા હતા. ગુજરાતમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં નોળિયાના અંગો મળતા વન વિભાગ પણ ચોંકી ગયું હતું. આ બ્રશ તૈયાર કરવા માટે 10,000 નોળિયાની હત્યા કરવી પડે. એવું અધિકારીએ જણાવ્યું હતું.

આટલી મોટી સંખ્યામાં નોળિયાનો શિકાર ક્યાં કર્યો એ પૂછ્યું ત્યારે પ્રતીકે કહ્યું કે, ઉત્તર પ્રદેશના કેટલાક શખ્સોના તે સંપર્કમાં હતો. જે નોળિયાનો શિકાર કરીને વાળ સપ્લાય કરતા હતા. એમાંથી બ્રશ બનતા હતા. પછી એનો ધંધો થતો. નોળિયાનો શિકાર કરવામાં આવતો અને પૂંછડીનો ભાગ અમદાવાદ મોકલાતો હતો. બી.આર.બ્રશ દુકાનના માલિક જુદી જુદી સાઈઝના બ્રશ બનાવતા હતા. વન વિભાગે કહ્યું કે, નોળિયાની પૂંછળીના વાળ સ્મૂથ હોય છે. કલાકારોમાં વર્ષોથી એવી માન્યતાઓ છે કે, નોળિયાની પૂંછડીથી કલા વધારે નિખરે છે. આવા બીજા કોઈ સિન્થેટિક બ્રશ નથી બન્યા. આ બ્રશનો વારંવાર ઉપયોગ કરી શકાય છે. રંગ સાફ કરવા માટે જ્યારે તેને ધોવામાં આવે છે ત્યારે સિન્થેટિક બ્રશના ફાયબર તૂટી જાય છે. જ્યારે નોળિયાના વાળ મજબુત હોય છે, તે તૂટતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp