કોરોના સામે જંગને જીતવા પ્રત્યેક વ્યક્તિએ યોદ્ધા બનવું પડશે: રાજ્યપાલ

PC: khabarchhe.com

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુવા સ્વયંસેવકોને કોરોના મહામારી સામેના જંગમાં સહયોગ આપવા પ્રેરિત કર્યા હતા અને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ સામેના જંગને જીતવા પ્રત્યેક વ્યક્તિએ યોદ્ધા બનવું પડશે જેમાં યુવાનોની ભૂમિકા મહત્ત્વરૂપ સાબિત થશે. ગુજરાતમાં નહેરૂ યુવા કેન્દ્ર, નેશનલ કેડેટ કોર-એનસીસી, રાષ્ટ્રીય સેવા યોજના-એનએએસ ઉપરાંત હિન્દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ તેમજ પોલીસ મિત્ર જેવા યુવા સંગઠનો દ્વારા સંકલન કરીને કોરોના મહામારી સામેના જંગમાં યુવાશક્તિને પ્રેરિત કરવા ગુજરાતના કર્મવીર-2021 : મહામારી વિરૂદ્ધ એક યુવા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ ઝુંબેશનો શુભારંભ કરાવતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રના સહયોગથી જે જગ્યાએ યુવા સ્વયંસેવકોની જરૂર હોય ત્યાં તેમની સેવા આપી શકાય. જેથી દિવસ-રાત કામ કરી રહેલા અન્ય કોરોના વોરિયર્સનો કાર્યબોજ હળવો કરી શકાય અને કાર્યક્ષમતા વધારી શકાય. તેમણે જણાવ્યું હતું કે, કોરાના સંક્રમણની ચેઇન તોડવાનું કાર્ય માત્ર સરકાર કે આરોગ્ય વિભાગ નહીં સમસ્ત સમાજે હાથ ધરવું પડશે. આવા સમયે યુવાશક્તિ સમર્પિત ભાવથી આગળ આવશે તો આપણે આ જંગમાં ઝડપથી સફળ થઇશું.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના સંક્રમણના કપરાકાળમાં સામાજિક વ્યવહારમાં બદલવા માટે યુવાનોને કાર્યરત થવા અપીલ કરી હતી અને કોરોના સામે ઉચિત વ્યવહાર માટે લોકોને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે રસીકરણ ઝુંબેશમાં લોકજાગૃતિ માટે યુવાન સ્વયંસેવકોને હાકલ કરી હતી. ગ્રામીણ સ્તરે કોરોના એપ્રોપ્રિએટ બિહેવીયર રસીકરણ, આઇસોલેશન, ટ્રેસીંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ સંદર્ભે યુવા સ્વયંસેવકો કાર્યરત થાય તેવી અપીલ પણ તેમણે કરી હતી.

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા અધિક પોલીસ મહાનિદેશક અને હિન્દુસ્તાન સ્કાઉટ અને ગાઇડ્સના નેશનલ કમિશનર અનિલ પ્રથમે પોલીસ મિત્ર, ફ્રેન્ડસ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ તેમજ સ્કાઉટ-ગાઇડ્સના સ્વયંસેવકોને યોગ્ય તાલીમ દ્વારા પ્રશિક્ષિત કરી આ ઝુંબેશમાં જોડવામાં આવશે તેમ જણાવ્યું હતું. જયારે એનસીસીના મેજર જનરલ અરવિંદ કપૂરે એનસીસી કેડેટ્સ દ્વારા કોરોના સંક્રમણ સામે લોકજાગૃતિ માટે થઇ રહેલાં કાર્યોની માહિતી આપી આ ઝુંબેશમાં સહયોગી થવા ખાતરી આપી હતી. આ જ રીતે સ્ટેટ એન એસ એસ ઓફિસર બી. એમ. નિનામાએ એન.એસ.એસ.ના સ્વયંસેવકો કોરોના સામેની આ ઝુંબેશમાં જોડાશે તેમ જણાવ્યું હતું. યુનિસેફના ગુજરાતના અધ્યક્ષા ડૉ. લક્ષ્મી ભવાનીએ યુનિસેફના સહયોગની માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનના ઉપાધ્યક્ષ પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ મહામારીમાં લોકોની સેવા-સુશ્રુષાનો અવસર મળ્યો છે ત્યારે વિવિધ સંગઠનોના યુવા સ્વયંસેવીઓને લોકોની સેવા અને જાગૃતિ માટે પ્રેરિત કરાશે. નહેરૂ યુવા કેન્દ્રના રાજ્ય સંયોજક મનિષા શાહે પણ યુવા સ્વયં સેવીઓની તાલીમ સંદર્ભે માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp