26th January selfie contest
BazarBit

ગુજરાતમાં બનતી બળાત્કારની ઘટનાઓ અંગે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન

PC: khabarchhe.com

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે સગીર બાળકી પર થયેલા દુષ્કર્મ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. ઘટનાની જાણ થતા જ ત્રણેય જગ્યાએ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમો બનાવીને તપાસની કાર્યવાહી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમ્યાન મળેલ માહિતી અનુસાર કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર છોડશે નહી.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાઓ સંદર્ભે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરીને તપાસને અગ્રિમતાના ધોરણે ઝડપથી પૂર્ણ કરવા અને કસૂરવારોને કડકમાં કડક સજા કરવા સૂચનાઓ આપી છે. ભોગ બનનાર બાળકીઓના સંબંધિઓને તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ પી.પી.ની સેવાઓ પૂરી પાડવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને લઇને આ તમામ કેસો ફાસ્ટ ટ્રેક મોડ ઉપર ચલાવવા માટે ગુજરાત હાઇકોર્ટને રાજ્ય સરકાર દ્વારા વિનંતી પણ કરવામાં આવશે અને પેરવી ઓફિસરની સેવાઓ પણ લેવાશે. આ ત્રણેય ઘટનાઓમાં બાળકીઓ સગીર હોવાથી પોક્સો એક્ટ અને આઇ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, સુરતના સલાબતપુરા વિસ્તારમાં સગીરા પર તેના સાવકા પિતા દ્વારા શોષણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાની તપાસ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપી ની ધરપકડ કરી દેવાઇ છે. આરોપી હાલ જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. એજ રીતે વડોદરા ખાતેની ઘટનામાં પણ બાળકી ઉપર જે દુષ્કર્મ થયું છે તે અવાવરૂ વિસ્તારમાં થયું હોવાથી વડોદરા પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. અને સ્થાનિક પોલીસ સહિત જુદી-જુદી 22 ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા પોલીસે 50 થી વધુ સ્કેચ તૈયાર કરીને આરોપીઓને પકડવા માટે રૂપિયા એક લાખનું ઇનામ પણ જાહેર કર્યું છે. તપાસમાં સી.સી.ટી.વી. ફૂટેજ, ટેક્નીકલ સર્વેલન્સ અને એફ.એસ.એલ.ની મદદ પણ લેવામાં આવી રહી છે. અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ પણ કરાશે.

તેમણે ઉમેર્યું કે, રાજકોટ શહેરના એક બાળકીને રાત્રિના સમયે તેમના ઝૂંપડામાંથી ઉપાડી જઇને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના ધ્યાને આવી છે. તેની પણ પોલીસ કમિશ્નર રાજકોટના માર્ગદર્શન હેઠળ તપાસ આરંભી 15 ટીમોની રચના કરી હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરીને આરોપીની ધરપકડ કરી લેવાઇ છે. બાળકીને વન સ્ટોપ સેન્ટર દ્વારા કાઉન્સેલીંગ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી છે. બાળકી હાલ સારવાર હેઠળ છે અને તેની તબિયત સુધારા પર છે. સુરત, વડોદરા અને રાજકોટ ખાતેના આ ત્રણેય બનાવોમાં વિક્ટીમ કોમ્પેનશેસન ફંડ હેઠળ સહાય પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારની દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિના પરિણામે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી આજે વધુ સુદ્રઢ બની છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના 2017ના આંકડા અનુસાર ગત વર્ષની સરખામણીએ મહિલાઓ ઉપર થતા અત્યાચારના ગુનાઓમાં સંદર્ભમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને દેશભરમાં આવા ગુનાઓ સંદર્ભે ગુજરાત 29મા ક્રમે છે. રાજ્યમાં બળાત્કારના ગુનાઓમાં 12.35 ટકાનો અપહરણના કેસોમાં 22.86 ટકાનો દહેજમાં 40.19 ટકા અને મહિલાઓની છેડતીના ગુનાઓમાં 22.23 ટકાનો ઘટાડો થયો છે.

જાડેજાએ ઉમેર્યુ કે, રાજ્યની મહિલાઓને પૂરતી સુરક્ષા પાડવી એ અમારી પ્રાથમિક ફરજ છે અને અમે એ સુપેરે નિભાવી રહ્યા છીએ. રાજ્યમાં માહિલાઓની સુરક્ષા માટે મદદરૂપ થવા રાજ્ય સરકારે શરૂ કરેલ 181 અભયમ હેલ્પ લાઇન ચોવીસ કલાક તમામ શહેર અને જિલ્લાઓમાં કાર્યરત છે. જેમાં મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારના હિંસાના કિસ્સામાં તાત્કાલીક ધોરણે બચાવ, સલાહ અને માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવે છે. અભયમ હેલ્પલાઇનમાં અત્યાર સુધીમાં આવેલ કોલ એટેન્ડ કરીને મહિલાઓની પુરતી સુરક્ષા પુરી પાડવામાં આવી છે. આવા સ્થળોએ વાહન મોકલીને મહિલાઓને સુરક્ષા આપવામાં આવી છે. અભયમ હેલ્પલાઇન ઉપર મહિલાઓને ત્વરીત રીસ્પોન્શ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 181 અભયમ મહિલા હેલ્પલાઇન મોબાઇલ એપ્લીકેશન પણ રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં

આવી છે. એપમાં 181 નુ બટન દબાવતાની સાથે મુશ્કેલ સ્થિતિમાં રહેલ મહિલા 5 જેટલા સગા સબંધી કે મિત્રોને ઓટોમેટીક એસ.એમ.એસ.થી સંદેશ મળી જાય છે. આ એપ મારફતે મહિલા ઘટના સ્થળના ફોટા અને વિડીયો પણ અપલોડ કરી શકે છે, તેમજ હેલ્પલાઇન સેન્ટરમાં મહિલાનુ કોલનું સ્થળ, ટેલીકોમ સર્વિસ સાથે નોંધાયેલ એડ્રેસ અને એપ્લીકેશન રજીસ્ટ્રેશન વખતે જણાવેલ એડ્રેસ મળી જાય છે. જેથી તેમને ત્વરીત મદદ પહોંચાડી શકાય છે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, અમદાવાદ શહેરની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સેઇફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત નિર્ભયા ફંડ મંજૂર કરવામાં આવ્યુ છે. જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એનું આયોજન કરાશે જેમાં મહિલાઓ અને વરીષ્ઠ નાગરીકોને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ પ્રોજેક્ટોનું આયોજન કરાશે જેમાં સામાન્ય નાગરીકને પણ લાભ થશે. અમદાવાદ શહેરમાં 90 સ્થળોએ હોટ સ્પોટ તરીકે પસંદગી કરીને ત્યાં સી.સી.ટી.વી. કેમેરા લગાવાશે, આશરે 100 જેટલા અધ્યત્તન સુવિધા સાથેના વાહનો, મહિલાઓ અને સિનીયર સીટીઝન આધારીત બસ સ્ટોપ, મોબાઇલ એપ, મહિલા સાઇબર યુનિટ તેમજ, સાબરમતી રીવરફ્રન્ટ ખાતે નવી અધ્યત્તન પોલીસ ચોકીઓનું નિર્માણ કરાશે, મહિલાઓની સુરક્ષાને કેન્દ્ર સ્થાને રાખી અલાયદો એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પોક્સો કાયદામાં નાની બાળકીઓ પરના રેપના કેસોમાં આજીવન કેદ કે તેથી ઉપરના કેદની સજાની જોગવાઇ કરાઇ છે. સ્પેશ્યલ પોક્સો કોર્ટ દ્વારા સુરતના આઠવા લાઇનમાં બાળકી ઉપર તા. 30/5/19ના રોજ આઠ માસના સમયગાળામાં આરોપીની 20 વર્ષની કેદની સજા કરવામાં આવી છે. એજ રીતે સુરતના ડીંડોલી વિસ્તારમાં બાળકી ઉપર થયેલ દુષ્કર્મ સંદર્ભે તા.21/11/19ના રોજ આરોપીની એક માસના સમયગાળામાં તેના ‘છેલ્લા શ્વાસ સુધી’ એ પ્રકારની કેદની સજાનો ચૂકાદો આપવામાં આવ્યો છે. સુરતના લીંબાયત પોલીસ સ્ટેશન હેઠળ 3વર્ષ અને 6 માસની બાળકી ઉપર થયેલ દુષ્કર્મ સંદર્ભે તા. 31/7/19ના રોજ નવ માસના સમયગાળામાં આરોપીને ફાંસીને સજા ફરમાવાઇ છે અને સાબરકાંઠાના ઢુંઢર કેસમાં પણ 14 માસની બાળકી પર થયેલ દુષ્કર્મ સંદર્ભે તા. 28/2/19ના રોજ પાંચ માસના સમયગાળામાં ચૂકાદો જાહેર કરીને આરોપીને 20 વર્ષની સજા ફરમાવવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે, મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ અને સતત પ્રયત્નશીલ છે. મહિલા ઉપર થતા દુષ્કર્મના ગુનાઓમાં પણ ઓરોપીઓને કડકમાં કડક ફાસી સુધીની સજા થાય તેવા પણ પ્રયાસો કરવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે જેથી કોઇપણ વ્યક્તિ આવુ ગેર કૃત્ય કરવા પ્રેરાશે નહી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp