હરિપ્રસાદ સ્વામીજીએ યુવાનોને ધર્મ, સંસ્કૃતિ, આત્મીયતાનો મર્મ સમજાવ્યોઃ અમિત શાહ

PC: khabarchhe.com

ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે સ્વામિનારાયણ હરિધામ સોખડાના સંસ્થાપક શ્રી હરિપ્રસાદ સ્વામીજીના થયેલ નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિધામ સોખડાની સ્થાપના કરવાની સાથે શ્રી હરિપ્રસાદ સ્વામીજીએ યોગી ડિવાઇન સોસાયટીના માધ્યમથી સમગ્ર દેશ અને ગુજરાતમાં ધર્મ જાગૃતિ, સંસ્કાર સિંચન, વ્યસન મુક્તિ અને કેળવણીની આહલેક જગાવી હતી. વિશ્વ વંદનીય સંત યોગીજી મહારાજના તેઓ શિષ્ય રહ્યા અને તેઓની દર્શન શક્તિ તેમજ લોક કલ્યાણના ધ્યેયને તેમણે સુપેરે આગળ ધપાવ્યા. તેઓએ કહ્યું હતું કે ગુજરાતમાં વિદ્યાર્થીઓના મૂલ્ય શિક્ષણ અને કેળવણી ક્ષેત્રે શ્રી હરિપ્રસાદ સ્વામીજી પ્રેરિત ‘આત્મીય સંસ્થાનોનો’ અમૂલ્ય ફાળો રહ્યો છે. શ્રી હરિપ્રસાદ સ્વામીજી એ 56 વર્ષો સુધી હરિની ભક્તિ કરવાની સાથે સાથે સમાજના ઉત્કર્ષ અને નાગરિકોના ઘડતરમાં આપેલ યોગદાન હંમેશા લોકોના માનસપટ પર અંકિત રહેશે.

અમિત શાહે કહ્યું હતું કે શ્રી હરિપ્રસાદ સ્વામી વડોદરા જિલ્લાના આસોદર ગામે જન્મ્યા અને બાળપણથી જ તેઓને સંતો, મહાત્માઓ અને આદિ ગુરૂ શંકરાચાર્યજીનું સાનિધ્ય મળ્યું.અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીજીએ તેઓને સંત તરીકે સાધુ શ્રી હરિપ્રસાદ સ્વામી નામ આપ્યું. તેઓએ યુવાનોને ધર્મ, સંસ્કૃતિ અને આત્મીયતાનો મર્મ સમજાવ્યો. આ ઉપરાંત સમાજમાં સંવાદિતતા, ભાઈચારો અને એકતાને પ્રોત્સાહન મળે તે માટે ભગીરથ પ્રયાસો કર્યા.

અમિત શાહે ઉમેર્યું હતું કે ધર્મના ઉમદા આદર્શોને ભૌતિક અસ્તિત્વથી આધ્યાત્મિક અનુભવ સુધી પહોંચાડી, સમાજમાં નૈતિકતાના આરોપણ માટે અને યુવાનોને વ્યસનમુક્તિ માંસાહાર, જુગાર અને ચોરી જેવા દૂષણોથી દૂર રાખવા તેઓએ નિરંતર યજ્ઞ આદર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે સુમેળભર્યા સમુદાયના નિર્માણ અર્થે વ્યક્તિગત અને સાંપ્રદાયિક મતભેદ મિટાવી લોકો પરસ્પર સ્વીકૃતિ અને સહકારથી કાર્ય કરે તે માટે તે શ્રી હરિપ્રસાદ સ્વામીજી એ સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા. ભારત અને વિદેશમાં લોકોના હૃદયમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના પ્રસાર માટે શ્રી હરિપ્રસાદ સ્વામીજી એ જગાવેલ આહલેક સદાય ચિરસ્મરણીય રહેશે.

અમિત શાહે અંતમાં ભાવાંજલિ પાઠવતા કહ્યું હતું કે તેઓનું જીવન હંમેશા આપણને પ્રેરણા આપતું રહેશે. શ્રી હરિપ્રસાદ સ્વામીજીને હરીના ચરણોમાં સ્થાન મળે અને તેમના લાખો અનુયાયીઓ, હરિ ભક્તોને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ જ અભ્યર્થના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp