અમદાવાદમાં કોરોનાના કેસ વધતા 18 ખાનગી હોસ્પિટલના 50% બેડ AMC હસ્તક કરાયા

PC: youtube.com

રાજ્યમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને હાલ રાજ્યમાં ખૂબ જ ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં સ્મશાનગૃહમાં પણ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં પણ બેડ ફુલ થઇ ગયા છે. તો અમદાવાદમાં સ્થિતિ વધારે વકરે નહીં તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં 50% બેડ અમદાવાદ મહાનગરપાલિકા માટે રિઝર્વ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાલ અમદાવાદમાં 800 કરતાં પણ વધારે કોરોના પોઝિટિવ કેસ પ્રતિદિન નોંધાઈ રહ્યા છે અને આ જ કારણે અમદાવાદની ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના નિર્ણયના કારણે હવે ખાનગી હોસ્પિટલો 50% બેડ જ પોતાના ઉપયોગમાં લઇ શકશે. 50% બેડ અમદાવાદ મહાનગરપાલિકા માટે રિઝર્વ રાખવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાના નિર્ણયના કારણે અમદાવાદની 18 જેટલી ખાનગી હોસ્પિટલમાં 1219 બેડનો વધારો થયો છે.

તો બીજી તરફ અમદાવાદમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે અમદાવાદની SVP હોસ્પીટલને પણ સંપૂર્ણ રીતે કોવિડ હોસ્પિટલ જાહેર કરી દેવામાં આવી છે. સરકારના નિર્ણયના આ કારણે 1000 બેડની સુવિધામાં વધારો થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર ગ્રૂપની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદના સિવિલ મેડીસિટીમાં આવેલા કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નવા બિલ્ડીંગમાં પણ કોરોનાના દર્દીઓ માટે બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને 175 જેટલા બેડ વધારવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 18 જેટલી હોસ્પિટલોમાં 1219 બેડ વધારવામાં આવ્યા છે તેમાં ઝાયડસ હોસ્પિટલમાં 272, કે.ડી હોસ્પિટલમાં 150, સ્ટર્લિંગ હોસ્પિટલમાં 156 અને નારાયણ હોસ્પિટલમાં 150 બેડનો સમાવેશ થાય છે. જરૂર પડે તો વધારે ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરીને બેડની સંખ્યા વધારવામાં આવશે. તેવું અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર મુકેશ કુમારનું કહેવું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલના અમદાવાદ મહાનગર માટે રિઝર્વ રાખવામા આવ્યા હોવાની માહિતી ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તા દ્વારા એક ટ્વિટ કરીને આપવામાં આવી હતી. મહત્ત્વની વાત છે કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાત્રીના સમયે દર્દીને ઉતારવા માટે પણ 108ને વેઇટિંગમાં રહેવું પડે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp