દમણમાં તંત્રએ આપી ગરબાની મંજૂરી, આ નિયમોનું પાલન કરવું પડશે

PC: dnaindia.com

ભારતમાં કોરોના પોઝિટિવ કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા કોરોના સંક્રમણ કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસ સતત વધતા હોવાના કારણે રાજ્ય સરકારે નવરાત્રીમાં ગરબાના આયોજનની મંજૂરી આપી નથી. આ ઉપરાંત શેરીઓમાં પણ ગરબાની મનાઈ ફરમાવી છે. સરકારે લોકોની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં લઈને માતાજીની પૂજા-અર્ચના કરવાની છૂટ આપી છે. ગુજરાતમાં ગરબાનું આયોજન થઈ શકતું નથી પરંતુ ગુજરાતને અડીને આવેલા દમણમાં તંત્ર દ્વારા ગરબા યોજવાની મંજૂરી આપવામાં આવી છે. દમણના કલેકટર દ્વારા શરતોને આધીન ગરબાની મંજૂરી આપી છે. ગરબાના આયોજન દરમિયાન કેવી-કેવી કાળજી રાખવાની રીત છે તે બાબતે પણ નિયમો બહાર પાડવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર શનિવારના રોજ દમણ પ્રશાસન દ્વારા શરતોને આધીન દમણમાં ગરબાના આયોજનોને મંજૂરી આપવામાં આવી છે. દમણના કલેકટર ડૉક્ટર રાજેશ મિન્હાસ દ્વારા શનિવારે જાહેરાત કરવામાં આવી હતી કે, શરતોને આધીન ગરબાની મંજૂરી મળશે. ગરબાનું આયોજન કરતા પહેલા આયોજક કોઈ લેખિતમાં સાદી અરજી મારફતે કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે. આ અરજીમાં ગરબાનું આયોજન કયા પ્રકારનું રહેશે, ગરબાનું સ્થળ, કેટલા લોકો એકઠા થશે તેને તમામ માહિતીની સાથે-સાથે આયોજકોએ બાંહેધરી પણ આપવાની રહેશે.

દમણના કલેકટર રાકેશ મિન્હાસે જણાવ્યું હતું કે, ગરબાના આયોજન દરમિયાન વધુમાં વધુ 100 લોકોની સંખ્યા હોવી જોઈએ અને સાથે-સાથે ગ્રાઉન્ડની કેપેસિટી પણ મંજૂરી આપતા પહેલા નક્કી કરવામાં આવશે અને રાત્રે 9 વાગ્યે ગરબાનું આયોજન પૂર્ણ કરી દેવાનું રહેશે.

દમણમાં ગરબાના આયોજનને છૂટ આપવામાં આવી છે તે માત્ર પ્રોફેશનલ આયોજકોને છૂટ આપવામાં આવી છે અને જે લોકો ગરબાનું આયોજન કરે છે તેમને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી SOPની ગાઈડલાઈનનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે અને જે લોકો ગાઈડલાઈનનો ભંગ કરતાં જણાશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગરબાના આયોજકોને સામાજિક અંતર, માસ્ક, સેનિટાઇઝર અને થર્મલ ગનથી લોકોનું ટેમ્પરેચર માપવાની પણ સુવિધા ઊભી કરવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp