ગુજરાતના આ નાનકડા ગામમાં 20 દિવસમાં 90 જેટલા લોકોનો કોરોનાએ લીધો ભોગ

PC: youtube.com

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. તો કોરોનાની બીજી લહેર લોકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે કારણ કે, પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થયો છે. સ્મશાનની બહાર પણ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે લોકોએ લાઇનમાં ઊભા રહેવું પડે રહ્યું છે. તો બીજી તરફ આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારને નવા સ્મશાનો પણ શરૂ કરવાની જરૂરિયાત પડી છે. ત્યારે આજે ગુજરાતના એક એવા ગામની વાત કરવી છે કે, જેમાં 20 દિવસના સમયમાં ગામમાં રહેતા 90 લોકોના કોરોનાથી મોત થયા છે.

રિપોર્ટ અનુસાર, કોરોનાનું સંક્રમણ હવે શહેરો ઉપરાંત ગામડાઓમાં પણ વધ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો કેટલાક ગામડાંઓમાં હોસ્પિટલોની સુવિધા ન હોવાના કારણે ગામ લોકોને સારવાર માટે શહેરોમાં જવું પડી રહ્યું છે. ત્યારે ઉમરાળા પંથકના નાનકડા એવા ચોગઠ ગામમાં કોરોનાથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે કારણ કે ચોગઠ ગામની અંદર પ્રતિદિન 5થી 7 લોકોના મોત થાય છે એટલે કે છેલ્લાં 20 દિવસના સમયમાં આ ગામમાં આશરે 90 જેટલા લોકોના મોત થયા છે. તો બીજી તરફ આ ગામ ઉપરાંત ગામની બહાર રહેતા 30થી 40 લોકોના પણ મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે.

મહત્ત્વની વાત છે કે, ચોગઠ ગામમાં માત્ર 15 હજાર લોકોની વસતી છે પરંતુ, નાનકડા ગામમાં હવે કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે. 20 દિવસના સમયમાં જ 90 જેટલા લોકોના મોત થતા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે. લોકોનો આક્ષેપ છે કે, તંત્ર દ્વારા આરોગ્ય અને સારવાર બાબતે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. ગામ લોકો એવું પણ જણાવી રહ્યા છે કે, ચોગઠ ગામમાં કોરોનાના કેસ વધતા ગામ લોકોએ સાથે મળીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ બાબતે રજૂઆત કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ટીંબી ખાતે આવેલી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવા બાબતેનો આદેશ કરવામાં આવ્યો હતો. છતા પણ તંત્ર દ્વારા કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું નથી. આ જ કારણે હવે તો ચોગઠ ગામના લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. બીજી મહત્ત્વની વાત છે કે, ચોગઠ ગામમાં કોવિડ કેર સેન્ટર શરૂ થયું. તંત્ર દ્વારા ગામમાંથી બેડ પણ એકઠાં કરવામાં આવ્યા અને બેડને શાળામાં મુકી દેવામાં આવ્યા છે પરંતુ, હજુ સુધી આ કોવિડ સેન્ટરમાં નથી ડૉક્ટર આવ્યા કે નથી કોરોનાની દવા અને અંતે કોવિડ સેન્ટરને તાળા લાગી ગયા. જ્યારે રાજકીય આગેવાનો ગામની મુલાકાત લે છે ત્યારે આશ્વાસન આપીને ચાલ્યા જાય છે અને આરોગ્યના અધિકારીઓ આવે છે તેઓ માત્ર આશ્વાસન આપે છે કોઈ કામગીરી કરતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp