વિદ્યાર્થી આંદોલનને લઇ CM રૂપાણીએ કહ્યુંઃ આ કારસો કોંગ્રેસે રચેલો છે

PC: facebook.com/pg/vijayrupanibjp

ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના ન્યાય આંદોલનને રાજકીય રંગ લાગ્યો છે. આંદોલનની આગેવાની કરી રહેલા આગેવાનોની ગાંધીનગરના કલેક્ટર સાથેની બેઠક પછી SITની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ આગેવાનો વિદ્યાર્થીઓને મુકીને જતા રહ્યા હતા અને તેમને વિદ્યાર્થીઓને આંદોલન સમેટી લેવા માટે વીડિયો મારફતે જણાવ્યું હતું. પરંતુ આગેવાનોના જવા પછી પણ અન્ય વિદ્યાર્થીઓએ આંદોલન ચાલુ રાખ્યું હતું. વિદ્યાર્થીઓને કોંગ્રેસના આગેવાનોએ સપોર્ટ આપ્યો હતો. હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિદ્યાર્થીઓની માગને લઇને વિધાનસભામાં કૂચ કરવાની જાહેરાત કરી છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કેમ પોલીસને આગળ કરવામાં આવે છે. તમારામાં હિંમત હોય અને સરકારમાં બેઠેલા લોકો સાચા હોય તો યુવાનોની વચ્ચે આવો અને તેમની રજૂઆત સાંભળીને તેમને ન્યાય આપો, તો કોઈને આમાં જોડાવવાનો પ્રશ્ન ન હોય. SIT બનાવો પણ વિદ્યાર્થીઓને જે અધિકારીઓ પર વિશ્વાસ હોય તેવા અધિકારીઓને તેમાં મુકો. વિદ્યાર્થીઓની કોઈ માંગણી સરકારે નથી માની. જે નેતાઓ હતા તેમના પર શું દબાણ થયું કે, લાલચ આવી કે, શું સંજોગો થયા. આગેવાનોએ વિધાર્થીઓની સામે જાહેરાત કંઇક અલગ કરી અને પાછળથી SITની જાહેરાત કંઇક જુદી થઇ. આ મામલે આગામી 9 ડિસેમ્બરના રોજ વિધાનસભામાં કૂચ પણ કરવામાં આવશે અને વિધાનસભાના ફ્લોર પરથી વિદ્યાર્થીઓની માંગણીને મક્કમતાથી રજૂ કરીશું.

અમિત ચાવડાના નિવેદનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં લોકો અશાંત કેમ રહે, આ કારસો કોંગ્રેસે રચેલો છે. એના ભાગરૂપે બધા વયા ગયા છે અને કોંગ્રેસીઓ જ આ આંદોલન ચલાવી રહ્યા છે. કંઈ પણ ખોટું અમે ચલાવીશું નહીં અને કોઈ ખોટો નોકરી લઇ જાય એ પણ ન ચાલે. સાચો માણસ કોઈ નોકરી વગરનો રહી ન જાય. આ બાબતે દસ દિવસમાં રિપોર્ટ આપવાનું SITએ કહ્યું છે. રિપોર્ટના આધારે સરકાર ઈમાનદારીથી નિર્ણય કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp