કોરોના વધવાનું કારણ આપી, ગુજરાતના આ શહેરમાં લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ

PC: indiatvnews.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. લોકડાઉનમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં હતું પરંતુ રાજ્ય સરકાર દ્વારા અનલોકની જાહેરાત કરતાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ, સુરત જેવા શહેરો ઉપરાંત હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે કચ્છ જિલ્લાના ભુજમાં તંત્ર દ્વારા લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લાઉન્ડ સ્પીકર પર પ્રતિબંધ મૂકવાનું કારણ જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે કેમ કે, તંત્રએ જણાવ્યું છે કે, લાઉડસ્પીકરમાંથી જે વિષાણુઓ નીકળે છે વિષાણુથી કોરોનાનું સંક્રમણ વધે છે. તંત્રએ આ ખુલાસો મહાદેવ મંદિરના એક મહંતે શ્રાવણ મહિનામાં સવારે અને સાંજે લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી મેળવવા બાબતે કરેલી અરજીના જવાબમાં કર્યો હતો.

ભુજમાં તંત્ર દ્વારા લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના કારણે ભુજના દિધામેશ્વર મહાદેવ મંદિરના મહંત દ્વારા શ્રાવણ મહિનામાં 20-07-2020થી 20-08-2020 સુધી સવારે 8થી 1 વાગ્યા સુધી અને રાત્રે 8થી 10 વાગ્યા સુધી ભગવાનની પૂજા વિધિ માટે લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી માટે એક અરજી કરવામાં આવી હતી.

મહાદેવ મંદિરના મહંતની લાઉડસ્પીકર વગાડવાની અરજીને લઈને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, આપ દ્વારા 20-7-2020થી 20-8-2020 સુધી સવારના 8થી 1 અને રાત્રે 8થી 10 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપવા માટે વિનંતી કરી હતી. જે બાબતે જણાવવાનું છે કે, સરકારની વખતોવખતની સુચના તેમજ જાહેરનામા અન્વયે કોરોનાના કેસો ખાસ કરીને ભુજ શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. આ મહામારીનું સંક્રમણ વધુ ફેલાતું અટકે તે હેતુ તથા લાઉડસ્પીકર વગાડવાથી અવાજની સાથે વિષાણુ નીકળવાના કારણે સંક્રમણની સંખ્યા વધે છે. જેથી આપની લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી મેળવવાની અરજી સ્વીકારી શકાય તેમ નથી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ વ્યક્તિના સંપર્કથી વધુ ફેલાય છે. જેના કારણે તંત્ર દ્વારા વ્યક્તિઓને સામાજિક અંતર રાખવાનું અને ફરજિયાત માસ્ક પહેરવાનું સૂચન કરવામાં આવે છે. ત્યારે ભુજ મામલતદાર દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાવવા બાબતે જે લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે બાબતે જે તર્ક આપવામાં આવ્યો છે તેને લઇ લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp