ગુજરાતના પૂર્વ મંત્રી મંગુભાઈ પટેલને આ રાજ્યના ગવર્નર બનાવાયા, 8 રાજ્યમાં ફેરફાર

PC: wikipedia.org

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે અનેક રાજ્યોના ગવર્નર પદને લઈને જાહેરાત કરી હતી, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશ રાજ્યના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય મિઝોરમના ગવર્નર પી.એસ.શ્રીધરન પિલ્લઇને ગોવાના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. હરિયાણાના ગવર્નર સત્યદેવ નારાયણ આર્યાને ત્રિપૂરાના ગવર્નર બનાવવામાં આવ્યા છે. ત્રિપૂરાના ગવર્નર રમેશ બૈસને ઝારખંડના ગવર્નર બનાવવામાં આવ્યા છે. થાવરચંદ ગેહલોતને કર્ણાટકના ગવર્નર બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના ગવર્નર બંદારુ દત્તાત્રેયને  હરિયાણાના ગવર્નર તરીકે નિમણૂક આપવામાં આવી છે. ડૉ.હરીબાબૂ કંભપતિને મિઝોરમના ગવર્નર બનાવવામાં આવ્યા છે. રાજેન્દ્રપ વિશ્વનાથ આર્લેકરને હિમાચલ પ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા છે.

ગવર્નર તરીકે નિમણૂક થતા મંગુભાઈ પટેલે કહ્યું હતું કે, હું રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી મોદી, અમિત શાહનો આભારી છું. નરેન્દ્ર મોદીના અમે પહેલેથી સાથી છીએ. તેમણે અમને જે રસ્તો બતાવ્યો તેના પર અમે ચાલતા રહ્યા અને સમાજ સેવા કરતા રહ્યા અને આગળ પણ ચાલતા રહીશું.

કોણ છે મંગુભાઈ પટેલ

તેમનો જન્મ વર્ષ 1944માં નવસારી ખાતે થયો હતો. તેઓ ધો. 9 સુધી ભણેલા છે. તેમને 3 દીકરીઓ છે. 77 વર્ષના મંગુભાઇ પટેલે તેમની રાજકીય કારકીર્દી વર્ષ 1982માં નવસારી નગરપાલિકાના સભ્ય તરીકે શરૂ કરી હતી. તેઓ પહેલીવાર વર્ષ 1990માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારપછી સતત વર્ષ 2007ની ચૂંટણી સુધી સતત જીતતા રહ્યા હતા. તેઓ આદિજાતિ વિકાસ, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી રહી ચૂક્યા છે. તેઓ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.

તેઓ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ સંગઠનમાં પ્રદેશ મંત્રી સુધીનું પદ ભોગવી ચૂક્યાછે. તેઓ ગુજરાતમાં કોળી પટેલ સમાજના એક મોટા નેતા ગણાય છે. તેમને વર્ષ 2012 અને 2017માં ટિકિટ આપવામાં આવી ન હતી પરંતુ તેમણે કોઇ ઉહાપો કર્યો ન હતો. તેમણે પાર્ટીના અનુશાસિત કાર્યકર તરીકે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. જોકે, હવે તેમને તેનું ફળ મળી રહ્યું હોય તેમ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp