પોરબંદરમાં 26થી 5 ઓક્ટોબર સુધી ઉજવાશે શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ

PC: Khabarchhe.com

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ વર્ષે 41મું શારદીય નવરાત્રિ અનુષ્ઠાન તારીખ 26/09/2022થી 5/10/2022 દરમિયાન ઉજવવામાં આવશે. સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક, સસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંપોષક તથા સંવાહક, દેશ-વિદેશમાં શ્રીમદ ભાગવત કથા અને શ્રીરામ કથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન પ્રતિદિન સવારે 9:૦૦થી "શ્રીરામચરિતમાનસ" નું મૂળ પારાયણ થશે તથા બપોર બાદ 3:30 વાગ્યેથી પ્રતિદિન પરમ પૂજ્ય શ્રી રાઘવાચાર્યજી મહારાજના વ્યાસાસનથી "શ્રી વાલ્મીકિ રામાયણ કથા" ના શ્રવણનો અલભ્ય અવસર પ્રાપ્ત થશે. શારદીય નવરાત્રિ અંતર્ગત શ્રીહરિ મંદિરમાં પ્રતિદિન નૂતન ધ્વજારોહણ, પૂજન અને શ્રીકરૂણામય માતાજીના અલૌકિક ઝાંખીના દિવ્ય દર્શન અને સાયં આરતી અને રાસ-ગરબા થશે. 

શારદીય નવરાત્રિ મહોત્સવમાં વિશેષત: તારીખ:- 04/10/2022, મંગળવારના રોજ બપોર બાદ 3:30થી 26મા સાંદીપનિ ગૌરવ અવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 26મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહમાં રમેશબાબાજી મહારાજ, વ્રજ, ગોકુલને દેવર્ષિ એવોર્ડ, આચાર્ય પ્રોફેસર રામચંદ્ર ભટ્ટ, બેંગ્લોરને બ્રહ્મર્ષિ અવોર્ડ, શ્રેષ્ઠીવર્ય પદ્મશ્રી બંસીલાલજી રાઠી, ચેન્નઈને રાજર્ષિ એવોર્ડ અને સરદાર કન્યા વિદ્યાલય એવં છાત્રાલય, બારડોલી, સુરતના નિરંજનાબેન કલાર્થીનું મહર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવશે. આ ગૌરવ એવોર્ડ સમારોહ ભાઇશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે. જેનું લાઈવ ટેલીકાસ્ટ sandipani.tv યુ-ટયુબ ચેનલ પર થશે. 

શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં ભાઈશ્રીના સાન્નિધ્યમાં શ્રીરામચરિતમાનસ અનુષ્ઠાન અને કથાની સાથે શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ સંપન્ન થશે. જેમાં પ્રતિદિન દરેક શિખર પર નુતન ધ્વજારોહણ, શ્રી કરુણામયીમાતાનું ષોડશોપચાર પૂજન એવં સાયંકાળે અલૌકિક દિવ્ય ઝાંખીના દર્શન યોજાશે. આ સિવાય વિશેષ મનોરથમાં તા. 28-09-2022ના રોજ કરુણામયી માતાજીના નૌકાવિહાર, તા.01-10-2022ના રોજ જલ પુષ્પાભિષેક, તા. 03-10-2022, દુર્ગાષ્ટમીના દિવસે અન્નકૂટ મનોરથ સંપન થશે. વિજયાદશમીના પાવન દિવસે સવારે શ્રીહરિ મંદિરમાં દ્વારકાધીશજીની ધ્વજાજીનું પૂજન થશે અને સાયંકાલે 5:૦૦ વાગ્યે દ્વારકા મુકામે જગતમંદિરે પૂજ્ય ભાઇશ્રી અને ભાવિકોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થશે. 

શારદીય નવરાત્રિમાં મા ભગવતીની આરાધનાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વર્ષે સાંદીપનિ વિદ્યાનિકેતનમાં વૈદિક ટીમ દ્વારા સપાદ નવાર્ણમંત્ર અનુષ્ઠાન, શતચંડી અનુષ્ઠાન, દેવીરાજોપાચાર પૂજા, બ્રહ્મમુહુર્તમાં દેવીપુજા અને 108 દીપ અર્પણ, દેવી અથર્વશીર્ષ 108 પાઠ, સરસ્વતીદેવી સ્તોત્ર પાઠ, શ્રીસુકત 108 પાઠ, લક્ષ્મીપ્રાપ્તિ હેતુ કમલાપ્રયોગ એવં શ્રીયંત્ર પૂજા, સંગીતમયી દેવી સંકીર્તન જેવા વિશેષ મનોરથ સંપન્ન થશે. આ મનોરથમાં ભાવિકો જોડાઈ શકે છે. જેમના માટે સંપર્ક નંબર ૭૦૧૬૦ ૩૫૫૫૪ છે. શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ દરમ્યાન તા.04-10-2022, મંગળવારના રોજ પોરબંદરની આગવી ઓળખ એવા વિશ્વપ્રસિદ્ધ મહેર દાંડિયા રાસ યોજાશે. આ સિવાય દરરોજ સાંજે શ્રીહરિ મંદિરના પરિસરમાં રાસ-ગરબા યોજાશે. 

શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોની સાથે પૂજ્ય ભાઇશ્રીની પ્રેરણાથી સેવાકીય કાર્યો તરીકે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંદીપનિ પરિસરમાં તારીખ:- 26/09/2022થી 04/10/2022 સુધી પ્રતિદિન સવારે 9:૦૦ થી બપોરે 1:૦૦ સુધી દંતયજ્ઞ કેમ્પ, તારીખ 30/09/2022ના રોજ સવારે 8:30 થી 12:30 સુધી નેત્રમણીના સાથે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ૦1/10/2022ના રોજ લાયન્સ હોસ્પિટલ ખાતે યોજાનાર પલ્મોનોલોજીકેમ્પ જેમાં રાજકોટના જાણીતા ડૉ. જયેશભાઈ ડોબરીયા તથા એન્ડોક્રાઈનોલોજી કેમ્પમાં અમદાવાદના ડૉ.વિવેકભાઈ આર્ય પોતાની સેવા આપશે. આ બન્ને કેમ્પનો સમય સવારે 9:૦૦ થી 1:૦૦ સુધી રાખવામાં આવેલ છે. તમામ મેડિકલ કેમ્પ્સની વિશેષ માહિતી માટે કો-ઓર્ડિનેટર ડૉ. સુરેશભાઈ ગાંધી તથા ડૉ. ભરતભાઈ ગઢવીનો સંપર્ક કરવો જેના સંપર્ક નંબર 97122 22000 છે.

સંપૂર્ણ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવના મુખ્ય મનોરથી શ્રીમતી દિવ્યાબેન અરુણભાઈ લોઢીયા, દાર-એ-સલામ, ટાન્ઝાનીયા છે. શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં યોજાનારા અનુષ્ઠાન, કથા-શ્રવણ અને દરેક મનોરથ દર્શનનો અમૂલ્ય લાભ લેવા માટે સાંદીપનિ પરિવાર નિમંત્રણ પાઠવે છે. દરેક કાર્યક્રમોનું sandipani.tv યુ-ટયુબ ચેનલ પર લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp