પુરુષોત્તમ રૂપાલા: જાણો કેવી રીતે આ નેતા બની ગયા PM મોદીના વિશ્વાસુ....

PC: khabarchhe.com

પુરુષોત્તમ રૂપાલાનું નામ આવે અને તરત જ એક આખાબોલા અને તડફડ કરતા નેતાની છબિ આંખ સામે તરવરી જાય છે. પુરુષોત્તમ રૂપાલાની રાજકીય સફર જેટલી રોચક છે તેટલી જ સંઘર્ષપૂર્ણ અને ભાજપને સમર્પિત રહી છે. મુખ્યમંત્રીની ખુરશી અને તેમના વચ્ચે કાયમ હોઠ અને પ્યાલા જેટલું અંતર રહી જાય છે. ગુજરાત જ નહીં પણ કેન્દ્ર સરકારમાં પણ રૂપાલાની ભૂમિકા મહત્વની પુરવાર થઈ છે પરંતુ તેમના સમર્થકોની ફરીયાદ રહી છે કે રૂપાલાને જોઈએ તેટલા પ્રમાણમાં શિરપાવ આપવામાં આવ્યો નથી બીજું એ કે રૂપાલાની ભાજપ પ્રત્યેની વફાદારીની સરખામણીમાં પાર્ટી તરફથી જેટલું વળતર મળવું જોઈએ તેટલું મળ્યું ન હોવાની લાગણી પણ તેમના સમર્થકો વ્યક્ત કરી રહ્યા છે.

રાજકીય સફર

પુરુષોત્તમ રૂપાલાની રાજકીય સફર પર નજર કરીએ તો તેઓ 1988 થી 1991 સુધી અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા. 1992માં ભારતીય જનતા પાર્ટીના મંત્રી બન્યા. તેઓ ફેબ્રુઆરી 2002 થી 2004 સુધી યુવા છાત્રાલયના અધ્યક્ષ હતા. તેમણે અમરેલીમાં કડવા પાટીદાર ટ્રસ્ટના ટ્રસ્ટી, માદડ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાત વીજ બોર્ડ યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપી હતી.તેઓ ગુજરાત વિધાનસભામાં સતત ત્રણ વખત ચૂંટાયા હતા.

તેઓ 19 માર્ચ 1995 થી 20 ઓક્ટોબર 1995 સુધી અને ફરીથી 4 નવેમ્બર 1995 થી 18 સપ્ટેમ્બર 1996 સુધી નર્મદામાં સિંચાઈ અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી હતા; 9 ઓક્ટોબર 2001 થી 21 ડિસેમ્બર 2002 સુધી કૃષિ માટે. તેમણે માર્ચ 1997 થી ડિસેમ્બર 1997 સુધી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિની અધ્યક્ષતા કરી. તેઓ જૂન 1998 થી ઓક્ટોબર 2001 સુધી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (G.I.D.C.) ના અધ્યક્ષ હતા. ત્યાર બાદ તેઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રમુખ પણ બન્યા.

તેઓ 2008માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. તેમણે ખાદ્ય, ઉપભોક્તા બાબતો અને જાહેર વિતરણ સદસ્ય, કર્મચારી, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય સભ્યની સમિતિમાં સેવા આપી  શિપિંગ મંત્રાલયની સમિતિમાં સભ્ય અને રસાયણ અને ખાતરોની સમિતિના સભ્ય, કૃષિ સમિતિમાં પણ સેવા આપી હતી.

કોંગ્રેસના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલના અવસાન બાદ 2016માં આવેલી પેટાચૂંટણીમાં તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાયા. 2019 થી જુલાઈ 2021 સુધી, તેમણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. જુલાઈ 2021માં તેઓ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યા.

કેશુભાઈથી લઈ નરેન્દ્ર મોદી સુધીની મજલ

એક વખતના કેશુભાઈ વફાદાર મનાતા રૂપાલા નરેન્દ્ર મોદીના વિશ્વાસુ કેવી રીતે બન્યા તે અંગે પણ જાણકારો કહે છે કે જ્યારે અમિત શાહને ગુજરાતમાંથી બહાર મોકલવામાં આવ્યા ત્યારે અમિત શાહની અવેજીમાં રૂપાલા નરેન્દ્ર મોદીની નજીક આવ્યા. અમિત શાહની અનુપસ્થિતિમાં રૂપાલાએ ગુજરાતમાં ભાજપના સંગઠનને મજબૂત કરવા સાથે સરકારમાં પણ પોતાનું યોગદાન આપ્યું,

રૂપાલાનું કદ વધ્યું અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં એક કદાવર નેતા તરીકે પ્રસ્થાપિત થયા. અમિત શાહની અવેજીમાં મોદીના ટ્રબલ શૂટર બન્યા. રૂપાલા માટે આ સમય હતો કે તેમણે કેશુભાઈની છાપ ભૂંસીને મોદીની વફાદારી નિભાવી અને આજે સ્થિતિ એ છે કે તેઓ કેન્દ્રીય મંડળમાં સ્થાન પામ્યા છે.

રૂપાલાને કદ પ્રમાણે ન મળ્યું શિરપાવ

રૂપાલાના સમર્થકો માને છે કે કેન્દ્રમાં તેમને લઈ જવા પાછળ પાર્ટી અને સરકારનો ચોક્કસપણ કોઈ ગણિત રહ્યું છે. પરંતુ જો રૂપાલા ગુજરાતમાં હોત તો 2017માં ભાજપની જે સ્થિતિ થઈ તે થવા દીધી ન હોત. ભાજપ 2017માં 100 બેઠકો મેળવવવાથી વંચિત રહી ગયું હતું અને રૂપાલા હોત તો તેમણે જરુરથી સારી એવી બેઠકો હાંસલ કરીને બતાવી હોત. ખેર, આ તો રાજકારણ છે અને ક્યારે શું થાય તે કોઈ કળી શકતું નથી.

પાટીદાર અનામત આંદોલન બાદ આવેલી વિધાનસભાની ચૂંટણીમાં રૂપાલાએ આંદોલનની સમાંતરે સરકાર, સંગઠન અને સમાજ વચ્ચે નાજુક સ્થિતિને સખળ-ડખળ થવા દીધી નહીં અને આંદોલનની અસરમાંથી ભાજપને બહાર કાઢવાનો રસ્તો પણ સુપેરે બતાવ્યો અને ભાજપની પાતળી બહુમતિમાં તેમનું યોગદાન મહત્વનું બની રહ્યું હતું.

સૌથી વફાદારીના લેબલમાં પછડાયા

સૌથી વધુ વફાદારની સ્પર્ધામાં રૂપાલાનો નંબર સીએમની ખુરશી માટે લાગ્યો નહીં. રૂપાલાનું નામ વારંવાર સીએમ તરીકે લેવાતું રહ્યું પણ તેઓ કદી સીએમ બની શક્યા નહીં. કદાચ તેમની હાર્ડકોર ઈમેજ અને જીદ્દી સ્વભાવના કારણે તેઓ મુખ્યમંત્રી સુધી પહોંચતા પહોંચતા રહી જાય છે.

રાજકારણ સાથે જોડાયેલા લોકો અને પત્રકારો એક કિસ્સો કહે છે કે જ્યારે તેઓ ભાજપ પ્રદેશ પ્રમુખ હતા અને ખાડીયામાંથી અશોક ભટ્ટને ટીકીટ આપવાની વાત આવી ત્યારે તેમણે અશોક ભટ્ટને રોક્ડું પરખાવી દીધું હતું કે “અશોકભાઈ, હવે તમે ખાડીયામાંથી જીતી શકો એમ નથી. તમારી લીડ ઘટતી જઈ રહી છે. એટલે હવે તમારા માટે બીજું કંઈક વિચારવું પડશે.”

રૂપાલા પાવરફૂલ નેતા છે અને તેઓ ગુજરાતમાં વધુ પાવરફૂલ થાય તે તેમના કેટલાક હરીફોને ન ગમે તે સ્વભાવિક છે.

આનંદીબેન પટેલ હોય કે વિજય રૂપાણી હોય, રૂપાલાનાં સંબંધો બન્ને નેતાની સાથે ખાટા-મીઠા રહ્યા પણ સૌથી વધુ વફાદાર હોવાનાં લેબલને લઈ રૂપાલા અને મુખ્યમંત્રી વચ્ચે હોઠ અને પ્યાલ જેવો ઘાટ સર્જાતો રહે છે અને આ જ બાબત રૂપાલાનાં વફાદારોને કોરી ખાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp