ભાડુઆતે મકાન માલિક પતિ-પત્નીને છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત, પતિની હાલત ગંભીર

PC: divyabhaskar.co.in

સુરેન્દ્રનગરનાં જોરાવરનગરમાં સાતમ આઠમના તહેવારમાં લોહીયાળ બનાવ બનવા પામ્યો છે. શિતળા સાતમનાં દિવસે જોરાવરનગરના મેઇન ચોકની બાજુમાં રહેતા અને ધોબીકામ કરતાં પરિવારના યુવાન પુત્ર અને તેની પત્નીને છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા જેમાં પત્નીનું  મોત નિપજ્યું હતું, જ્યારે પતિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, જોરાવરનગરની મેઈન બજારમાં આવેલી ગલીમાં રહેતા હરસિધ્ધભાઈ કુમકુમભાઈ પરમારના મકાનમાં ભાડુઆત તરીકે રહેતો અનીલ કુબેરભાઈ ચૌહાણ સાથે મકાન માલિકની ભાડા બાબતે તકરાર ચાલતી હતી. ભાડુઆત અનીલ ચૌહાણ છેલ્લા કેટલાક સમયથી ભાડુ નહીં આપતો હોવાના કારણે મકાન માલિક અને ભાડૂઆત બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડા થતા હતા. ત્યારે ભાડુઆત અનીલ ચૌહાણે શિતળા સાતમનાં દિવસે બોલાચાલી દરમ્યાન આવેશમાં આવીને મકાન માલિક હરસિધ્ધભાઈ અને તેમના પત્ની જ્યોતિબેન ઉપર છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં જ્યોતિબેનના પેટ અને પડખામાં છરીનાં ઉંડા ઘા વાગતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. જ્યારે પતિ હરસિધ્ધભાઈને ભાડૂઆત અનીલ ચૌહાણે પગમાં અને છાતીના ભાગે ઘા માર્યો હોવાથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ભાડાના મકાનની તકરારમાં હત્યારો અનિલ આ કંપાવી નાખતી ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો.

રિપોર્ટ મુજબ, આ ઘટનામાં ભોગ બનનાર ધોબી પરિવારના હરસિધ્ધભાઈ એક ખાનગી ઓફિસમાં નોકરી કરવાની સાથે પત્ની જ્યોતીબેન સાથે મળીને કપડા ઇસ્ત્રી કરવાનો વ્યવસાય કરતા હતા. તેમનું જૂનું મકાન જોરાવરનગર મેળના ચોકની બાજુમાં અંદરની ગલીમાં આવેલું છે. આ મકાનમાં તેમની સાથે અન્ય 5 જેટલા વર્ષો જૂના ભાડુઆત પણ રહે છે. પહેલા આ બધા એક પરિવારની જેમ રહેતા હતા. જો કે, હરસિધ્ધભાઈના પિતાએ મૂળ માલિક પાસેથી આ મકાન ખરીદી લીધા બાદ પૈસાની બાબતને લઇને બધાય વચ્ચે તકરારો થવા લાગી હતી. અને આ કારણોસર છેલ્લા ઘણા સમયથી આ લોકોની વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થતી હતી. જો કે, શિતળા સાતમના દિવસે અચાનક આરોપી અનીલ ચૌહાણ છરી સાથે દૂકાનમાં પ્રવેશ્યો હતો અને ઇસ્ત્રી કરી રહેલા હરસિધ્ધભાઈ અને તેની પત્ની જ્યોતિબેન પર છરીના ઘા ઝીકી દીધા હતા.

સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારો અનીલ ભાગી ગયો હતો. ત્યારબાદ પરિવારજનો દ્વારા પતિ અને પત્નીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામા આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ જ્યોતીબેનને મૃત જાહેર કર્યા હતા. જયારે હરસિધ્ધભાઈની હાલત નાજુક જણાતા સાંજના સમયે ડોક્ટરોએ તેમનું ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, સમગ્ર ઘટનામાં જ્યોતીબેનને છાતીના ભાગે મારવામાં આવેલા બે ઉંડા ઘા જીવલેણ સાબિત થયા હતા. બનાવની જાણ થતા જ્યોતીબેનના મામા મુકેશભાઇ કેશવલાલ ચૌહાણ સહિતના પરિવારના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને જ્યાં સુધી આરોપીને પકડવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય લેતા ભાગી છૂટેલા આરોપીને પકડવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે.

આ સમગ્ર ઘટનામાં DSP હરેશ દુધાતના માર્ગદર્શનમાં LCB, SOG અને જોરાવરનગર પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો ફરાર થઈ ગયેલા આરોપી અનિલ ચૌહાણને પકડવા માટેની કામગીરીમાં લાગી ગઈ હતી. જે શોધખોળ દરમિયાન પોલીસને આરોપી અનિલ ધ્રાંગધ્રા આસપાસ હોવાની બાતમી મળતા પોલીસે મોડી સાંજના સમયે આરોપી અનીલ ચૌહાણને ડપી પાડ્યો હતો.

મકાન માલિક અને ભાડૂઆતની તકરારમાં થોડા મહિનાઓ પહેલા જ આ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ આરોપી અનિલ છરી લઇને ફરતો હોવાથી ભોગ બનનાર હરસિધ્ધભાઈ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે આરોપીને છરી સાથે ડપી પાડીને ગુનો દાખલ કર્યો હતો. જે ઘટના બાદ હાલમાં જ આરોપી થોડા સમય પહેલા જેલમાંથી છુટીને આવ્યો હતો, અને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp