સુરતના ઉદ્યોગકારો રવિવારે નક્કી કરશે ચેમ્બરના ભાવિ પ્રમુખ

PC: textileexcellence.com

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ( SGCCI)ના ઉપપ્રમુખ પદના ઉમેદવાર માટેની ચૂંટણી માટે મતદાન રવિવાર, 21 એપ્રિલે સરસાણા ટ્રેડ સેન્ટરના પ્લેટિનમ હોલમાં સવારે 10 વાગ્યે શરૂ થશે અને 5 વાગ્યે પૂર્ણ થશે. એકાદ કલાકમાં ગણતરી પૂર્ણ થયા પછી ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે મતદારોએ દિનેશ નાવડિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે કે મિતિષ મોદી પર. શનિવારે મોડીરાત સુધી બન્ને ઉમેદવારોના મતદારોને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો સતત ચાલ્યા હતા.
ચેમ્બરમાં છેલ્લા 10 વર્ષમાં ઉપપ્રમુખ પદની આ વખતની 6ઠ્ઠી ચૂંટણી છે. 2012-13માં પહેલીવખત પરેશ પટેલ અને કમલેશ યાજ્ઞિક વચ્ચે ઉપપ્રમુખની ચૂંટણી માટેનો જંગ ખેલાયો હતો જેમાં પરેશ પટેલ જીત્યા હતા. તે પછી મહેન્દ્ર કતારગામવાળા અને હેતલ મહેતા વચ્ચેના જંગમાં કતારગામવાળા વિજેતા થયા હતા. ત્યારપછી બાકીની 3 ચૂંટણીઓમાં સી.એસ.જરીવાલા, બી.એસ. અગ્રવાલ અને કેતન દેસાઇ ચૂંટણી જીતીને ઉપપ્રમુખ બન્યા હતા. હવે વર્ષ 19-20 માટે છઠ્ઠો જંગ થવાનો છે. દિનેશ નાવડિયા અને મિતિષ મોદી વચ્ચે જંગ છે. દિનેશ નાવડિયા હીરા ઉદ્યોગમાંથી છે. સૌરાષ્ટ્રમાંથી આવે છે. જીજેઇપીસીના રીજિયોનલ ચેરમેન છે. અગાઉ સુરત ડાયમન્ડ એસોસિયેશનના પ્રમુખ રહી ચૂક્યા છે. મિતિષ મોદી સી.એ. છે. સહકારી શ્રેત્રમાં તેમનું કામ વધારે છે. શનિવારે સાંજે દિનેશ નાવડિયા માટે ચેમ્બરના કેટલાક માજી પ્રમુખોએ ટેકો જાહેર કરતા તેમના કેમ્પમાં ઉત્સાહનો માહૌલ છવાયો હતો. આ ચૂંટણીમાં 8000થી વધુ મતદારો છે. દર વખતે ચૂંટણી નાનપુરા ચેમ્બરની ઓફિસ પર થતી હતી પરંતુ પહેલીવાર સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે થશે. સાંજે મત ગણતરી થયા પછી નક્કી થઇ જશે કે સુરતના ઉદ્યાગકારો મૂળ સુરતીને પ્રમુખ બનાવે છે કે સૌરાષ્ટ્રવાસી ઉમેદવાર છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી ઉપપ્રમુખની છે પરંતુ ચેમ્બરની પરંપરા મુજબ પ્રમુખ પદ માટેની ચૂંટણી થતી નથી એટલે જે ઉપપ્રમુખ બને તે જ પ્રમુખ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp