સુરતમાં નજીવો વરસાદ પડતા જ સિવિલમાં ભરાયા પાણી

PC: Youtube.com

પ્રિ-મોન્સૂન એક્ટીવીટીને લઇને રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે વહેલી સવારથી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાઓ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. તો બીજી વરસાદના કારણે સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ઉભી થઇ હતી.

રિપોર્ટ અનુસાર સુરતમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે સુરતની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાયા હતા. દર વખતે ચોમાસાની ઋતુમાં સિવિલ હોસ્પિટલમાં પાણી ભારવાની સમસ્યા રહે છે. છતાં પણ તંત્ર દ્વારા ચોમાસા પહેલા સિવિલમાંથી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. હાલ સુરતની સિવિલમાં કોરોનાના દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગથી લઇને મેડીકલ ઓફિસરની ચેમ્બર સુધીના વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. મહત્ત્વની વાત કહી શકાય કે, ચોમાસામાં દર વર્ષે સિવિલમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે છતાં પણ તંત્ર દ્વારા પાણી પહેલા પાળ બાંધવાની કામગીરી કરવામાં આવતી નથી. વરસાદના કારણે પાણી ભરાતા હોસ્પિટલમાં કામ કરવા માટે આવતા સ્ટાફને અને સારવાર લેવા આવતા દર્દીઓને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં શહેરમાં 6 MM વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 6 MM, સાઉથ ઝોનમાં 8 MM અને સાઉથ વેસ્ટ ઝોનમાં 27 MM વરસાદ નોંધ્યો હતો. તો બીજીતરફ સુરત જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચોર્યાસી તાલુકામાં આવેલા દેલાડવા ગામમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે ખડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉમરપાડામાં ગણતરીના કલાકમાં જ 9 ઇંચ વરસાદ પડ્યો છે. જેના કારણે નદી, નાળા અને કોતરો છલકાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સુબીરમાં 33 MM, ઉચ્છલમાં 26 MM, ઉમરપાડામાં 232 MM, સુરત સિટીમાં 6 MM, કપરાડામાં 5 MM, વઘઈમાં 3 MM, ચીખલી, વાંસદા અને વલસાડમાં 1 MM વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ ઘરેથી છત્રી અને રેઇનકોટ લીધા વગર કામ પર નીકળેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp