કોરોનાની સારવાર પછી થતા માઇકોસિસમાં મૃત્યુની ટકાવારી 30%, આ લક્ષણો હોય તો ચેતજો

PC: youtube.com

ગુજરાતમાં કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયેલા લોકો માટે એક બીજા રોગે મોટુ જોખમ ઉભું કર્યું છે. આ રોગનું નામ છે મ્યુકર માઇકોસિસ. આ રોગ વધારે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા હોય તેવા દર્દીઓએ કોરોનાની સારવાર લીધી હોય તો તેમના પર આ રોગનું જોખમ વધારે છે. હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 125 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તો બીજી તરફ આ રોગમાં મોતની ટકાવારી 25થી 30 ટકા છે. આ નિવેદન અમદાવાદ સિવિલ હોસ્પિટલના ENT વિભાગના પ્રોફેસર ડોક્ટર કલ્પેશ પટેલે આપ્યુ હતું. ડોક્ટર કલ્પેશ પટેલનું કહેવું છે કે, જો દર્દી વહેલી તકે સારવાર માટે પહોંચી જાય તો મોતની ટકાવારી નહીંવત છે અને હાલ માર્કેટમાં આ રોગની દવાની પણ અછત છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રોજ 10 જેટલી સર્જરી મ્યુકર માઇકોસિસના દર્દીઓની થઈ રહી છે અને પ્રતિદિન 12 જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ આ રોગને ધ્યાનમાં લઇને રાજ્યની સિવિલ હોસ્પિટલમાં એક અલગથી વોર્ડ શરૂ કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ દર્દીઓને વેઇટિંગનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોગમાં કેટલાક દર્દીઓએ પોતાની આંખ ગુમાવી હોય તેવા પણ કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલની અંદર મ્યુકર માઇકોસિસના 15 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને 15 દર્દીઓમાંથી 3 દર્દીઓએ આંખની રોશની ગુમાવી છે અને હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 50 જેટલા ઓપરેશન દર્દીઓના થયા છે. એટલે ડૉક્ટરો કહી રહ્યા છે કે, કોરોનાથી સાજા થયા બાદ દર્દીને આંખ અને નાકમાં દુખાવો થતો હોય તો તેમણે આ લક્ષણોની અવગણના કરવી જોઈએ નહીં અને તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો આ રોગની સારવાર લેવામાં મોડું થશે તો આ રોગનો દર્દી માટે ઘાતક સાબિત થઈ શકે છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર મ્યુકર માઇકોસિસ નામનો રોગ ઉધઈ જેવો રોગ છે. આ રોગના કારણે દર્દીના જે પણ અંગોમાં સડો થયો હોય તે અંગને કાઢી નાખવું પડે છે. તો બીજી તરફ દર્દીના તાળવાનો રંગ બદલાઈ જાય છે. આ ઉપરાંત નાક અને તેની આસપાસનું હાડકું આ રોગ કોતરી ખાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અને સિવિલ હોસ્પિટલની અંદર મ્યુકર માઇકોસિસના દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

એવી પણ માહિતી મળી રહી છે કે, પહેલા તબક્કામાં આ રોગ નાકની અંદર પહોંચે છે. ત્યારબાદ બીજા તબક્કામાં તાળવામાં ફંગસ થાય છે અને ત્રીજા તબક્કામાં આ રોગ દર્દીના મગજ સુધી પહોંચી જાય છે. હાલ જે દર્દીઓ હોસ્પિટલ આવી રહ્યા છે સારવાર માટે તેઓ ત્રીજા તબક્કામાં હોય ત્યારે હોસ્પિટલ પહોંચે છે. જોકે મ્યુકર માઇકોસિસના કેસ માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp