સૌરાષ્ટ્રમાં પાનના ગલ્લાવાળાએ મહિલા PSIને કહ્યું, તારા પટ્ટા અને ટોપી ઉતરાવી દઇશ

PC: news18.com

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, ત્યારે લોકો સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ, નગરપાલિકાના અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેતા અસામાજિક તત્ત્વોએ મહિલા PSI સાથે દાદાગીરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્ત્વોએ મહિલા PSIને ધમકી આપી હતી કે, તેના પટ્ટા અને ટોપી ઉતરાવી દઈશું અને ખુરશી પર કેવી રીતે બેસાય છે તે હું જોઉં છું. આ સમગ્ર મામલે મહિલા PSIએ અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ફરજમાં રુકાવટ કરવા બદલનો ગુનો દાખલ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનમાં મહિલા PSI એમ.બી. બગડા ફરજ બજાવી રહ્યા છે. ત્યારે PSI એમ.બી. બગડાને માહિતી મળી હતી કે, મોરબીના ટંકારાના ઉગમણા નાકા પાસે કેટલાક અસામાજીક તત્ત્વો પોતાનો પાનનો ગલ્લો કોઈ નિયમોનું પાલન કર્યા વગર ચલાવી રહ્યા છે. જેથી PSI પાનના ગલ્લા પર જઈને દુકાનદારને નિયમોનું પાલન કરવા બાબતે જણાવ્યું હતું ત્યારે અસામાજિક તત્ત્વોએ PSI એમ.બી. બગડાને ધમકી આપી હતી કે, તારા પટ્ટા અને ટોપી ઉતરાવી દઈશું અને તું કેમ ખુરશી પર બેસે છે તે હું જોઉં છું. આ સમગ્ર મામલે PSI એમ.બી. બગડાએ પ્રકાશ સોલંકી, હીના સોલંકી, નીતા સોલંકી અને અરવિંદ સોલંકી સામે ફરજમાં રૂકાવટ જેવી કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ પ્રકારનો કિસ્સો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સામે આવ્યો હતો કે, જ્યાં મોડી રાત્રે પાનના ગલ્લા અને ચાની દુકાન ખુલ્લી હોવાની માહિતી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મચારીઓને મળી હતી. તેથી ડી સ્ટાફના કર્મચારીઓ દ્વારા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના વિસ્તારના એક પ્રાઇવેટ ગાડીમાં જમાલપુર વિસ્તારમાં પથ્થરવાળી મસ્જિદ પાસે કર્ફયુ ભંગ કરી ચા અને પાનની દુકાન ખુલ્લી રાખનારના દુકાનદાર પાસે ગયા હતા અને દુકાનદાર રફીક પાલીવાલાને દુકાન બંધ કરવા માટે જણાવ્યું હતું. તેથી દુકાનદાર રફીક પાલીવાલાએ ડી સ્ટાફના કર્મીઓને હું તમને જોઈ લઇશ અને તમારી ખાખી વર્દી ઉતરાવી દઈશ તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ દુકાનદાર રફીક ભાગી ગયો હતો. તેથી સમગ્ર મામલે પોલીસકર્મીઓએ રફીક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp