વાયુ વાવાઝોડું: ખતરો હજુ ટળ્યો નથી, જાણો શું છે સ્થિતિ

PC: rsmcnewdelhi.imd.gov.in

વાયુ વાવાઝોડાની પરિસ્થિતિનું રાજ્ય સરકાર સતત મોનીટરીંગ કરી રહી છે. અરબી સમુદ્રમાં સ્થિર થયેલું વાયુ વાવાઝોડુ વેરાવળથી 110 કિ.મી. અને પોરબંદર થી 150 કિ.મી. દૂર છે. આ સ્થિતિમાં નાગરિકોને ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યુ છે. આગામી બે દિવસ સુધી દરિયાઇ વિસ્તારમાં હાઇ એલર્ટ આપી દેવાયું છે. તેમ આજે મહેસૂલ વિભાગના અગ્ર સચિવ પંકજકુમારે જણાવ્યું છે.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે વાયુ વાવાઝોડા અંગે માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર વાવાઝોડાની સ્થિતિ પર બાજ નજર રાખી રહી છે. ઝીરો કેઝ્યુલીટીના ઉદેશ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં રાહત તથા બચાવની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. આજે સવારે 11-વાગ્યાની સ્થિતી પ્રમાણે ‘વાયુ’ વાવાઝોડુ વેરાવળથી 110 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ તથા પોરબંદરથી 150 કિ.મી. દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે. તેની ઝડપ 180 કિ.મી. પ્રતિ કલાક છે. આગામી 48 કલાક સુધી તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવા જણાવી દેવામાં આવ્યું છે.

વાવાઝોડા અંગે વધુ માહિતી આપતા પંકજકુમારે કહ્યું કે, વાવાઝોડાના કેન્દ્રબિંદુને ‘આઇ ઓફ ધ એરસ્ટ્રોમ’ કહે છે. જેને ‘આંખ’ પણ કહેવામાં આવે છે. આ આંખથી વાવાઝોડાનો વ્યાસ કેટલો છે તેના પરથી તેની ગંભીરતા નક્કી કરવામાં આવે છે. વાયુ વાવાઝોડાનો વ્યાપ 900 કિ.મી. છે. તેથી રાજ્ય સરકાર વાવાઝોડાને ગંભીરતાથી લઇ રહી છે. પંકજ કુમારે વધુમાં જણાવ્યું કે વાવાઝોડાની સાથે ત્રણ બાબતો જોડાયેલી છે. જેમાં પવનની ગતિ, દરિયાના મોજાની ઉંચાઇ અને વરસાદ આ ત્રણેય બાબતોથી નુકશાન થઇ શકે છે તેથી વાવાઝોડાની ગતિ તથા દિશા પર બારીક નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાના કારણે દરિયાઇ કાંઠા વિસ્તારમાં 135 થી 140 કિ.મી. ની પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઇ શકે છે.

તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે જે નાગરિકો આશ્રયસ્થળ કે સુરક્ષિત જગ્યાએ આશરો લઇ રહ્યા છે તેમને 48 કલાક સુધી સ્થળ ન છોડવા અપીલ છે. તા.12 જૂનના રોજ રાત્રિના 12 કલાક સુધીમાં 3 લાખ નાગરિકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તેમજ તેમને ભોજન, પાણી તથા આરો્ગ્યની સુવિધા આપવામાં આવી રહી છે.

વાવાઝોડાના કારણે દરિયાઇ વિસ્તારમાં થયેલા નુકશાન અંગે પંકજકુમારે જણાવ્યું કે, વીજળીના 951 ફિડર બંધ થઇ ગયા હતા જે પૈકી 726 પૂર્વવત કરી દેવાયા છે જ્યારે બાકીના 225 વીજ ફીડરોને આજ સાંજ સુધીમાં ચાલુ કરી દેવાશે. હાલ 1957 ગામડાઓમાં વીજસેવાઓ પુનઃસ્થાપિત થઇ ગઇ છે. આ સાથે દરિયાઇ વિસ્તારમાં બસ, ટ્રેન તથા હવાઇ સેવા બંધ રાખવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ અને રાજ્ય મરીન સિક્યોરિટી ફોર્સ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફ, આર્મી, નેવી તથા એરફોર્સની ટીમને સ્ટેન્ડબાય રહેવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાથી સંભવિત નુકશાન ધરાવતા વિસ્તારમાં 383 એમ્બ્યુલન્સ વાવાઝોડા તથા ભારે વરસાદની સ્થિતિમાં વીજ પુરવઠો પૂરતો મળી રહે તે માટે ડિઝલના પંપ તથા ડિઝલના પુરવઠાની વ્યવસ્થા જે તે જિલ્લામાં રાખવામાં આવી છે. તો સંદેશા વ્યવહારના સાધનો જેવા કે લેન્ડ લાઇન ફોન, હોટ લાઇન, વી સેટ, સેટેલાઇટ ફોન તથા હેમ રેડીયો સાથેનો સ્ટાફ ફરજ પર છે. વાવાઝોડાથી પ્રભાવિત નાગરિકો માટે 10 લાખથી વધુ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે પંકજ કુમારે આ પ્રાકૃતિક આપદામાં એકબીજાને મદદરૂપ થવા અને ખોટી અફવામાં ન આવવા નાગરિકોને અપીલ કરી હતી.

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલે આજે વાયુ વાવાઝોડાની સંભવિત સ્થિતિ સંદર્ભે રાજ્ય વહીવટી તંત્ર દ્વારા લેવાઇ રહેલાં આગોતરા પગલાંની માહિતી મેળવવા રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. મંત્રીએ વાયુ વાવાઝોડાના સામના માટે રાજ્ય વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આગોતરાં પગલાંની ઝીણવટભરી માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો.

મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના સતત માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અને ગજરાતની પ્રજાના સહયોગથી વાયુ વાવાઝોડાના સામના માટે ઘનિષ્ઠ આયોજન હાથ ધરાયું છે. આ વાવાઝોડાથી ઓછામાં ઓછું નુકશાન થાય અને જાનહાની ટાળી શકાય તેવા ધ્યેય સાથે રાજ્ય સરકાર જે કામગીરી કરી રહી છે તેમાં લોકોનો પણ શ્રેષ્ડ સહયોગ રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, સંભવિત અસરગ્રસ્ત એવા અગિયાર જિલ્લામાં રાજ્ય સરકારે સીનિયર મંત્રીને જવાબદારી સોંપી છે. જેના કારણે જે તે જિલ્લામાં થઇ રહેલી રાહત-બચાવની વિશેષ કામગીરીની મંત્રીઓ સીધી દેખરેખ રાખી રહ્યા છે. રાજ્ય સરકારે સંભવિત વાવાઝોડાના સામના માટે ગ્રામ્ય કક્ષાએથી જ સઘન આયોજન કરીને પૂરી તૈયારી કરી છે. મંત્રી કૌશિક પટેલે સંભવિત વાવાઝોડાના સંકટ સામે બાથ ભીડવા રાજ્ય સરકારની આ કામગીરીને ભગીરથ પ્રયાસ ગણીને કામગીરીથી સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp