26th January selfie contest

સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ આ મામલે અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લીબર્ટીને પણ પાછળ છોડી દીધું

PC: encrypted-tbn0.gstatic.com

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયા પછી એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. અત્યાર સુધીમાં લાખો લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચૂક્યા છે. સ્ટેચ્યૂ યુનિટીને નિહાળવા માટે જતા પર્યટકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોની સુરક્ષાને લઇને પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. હજુ પણ વધારે લોકો આ સ્થળની વધારેમાં વધારે મુલાકત લે તે માટે તંત્ર દ્વારા ટ્રેકિંગ, વોટર રાફ્ટીંગ, બટરફ્લાય પાર્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ નવા નવા આકર્ષણના કેન્દ્રો વિકસાવવાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ પર્યટકોની મુલાકાતને મામલે સ્ટેચ્યૂ ઓફ લીબર્ટીને પણ પાછળ રાખી દીધું છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા પર્યટકોની દૈનિક સંખ્યા 15,000 કરતા વધારે થઇ ગઈ છે. જોકે, સ્ટેચ્યૂ ઓફ લીબર્ટીની મુલાકાતે જતા પર્યટકોની સંખ્યા માત્ર 10,000 છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જતા હોવાના કારણે સરકારને 85.57 કરોડ રૂપિયાની આવક થઇ છે.

આંકડાકીય માહિતી અનુસાર, 1 નવેમ્બર 2018થી 31 ઓક્ટોબર 2019 સુધી દરરોજ આવતા મુલાકાતીઓની સંખ્યામાં 74%નો વધારો થયો છે અને 30 નવેમ્બર સુધીમાં 30,90,723 લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચૂક્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ વિકસાવવામાં આવેલા પર્યટન સ્થળોમાં ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, કેકટસ ગાર્ડન, વિશ્વ વન, બટરફ્લાય ગાર્ડન, એકતા મોલ, એકતા ઓડિટોરીયમ, બોટિંગ, ડાયનાસોર પાર્ક, ગ્લો ગાર્ડન, શ્રેષ્ઠ ભારત ભવન, ઝરવાણી ઇકો ટુરીઝમ અને ખલવાણી ઇકો ટુરીઝમનો સમાવેશ થાય છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp