રાજકોટ પોલીસ આરોપીને ઘરે ગઇ ત્યારે 10 વર્ષની છોકરી ચૂપચાપ જોયા કરતી હતી ને...

PC: piqsels.com

આપણે ત્યાં ખરાબ સમાચાર ચારે પગે દોડે છે જેના કારણે નકારાત્મક ઘટનાઓ ઝડપી પ્રસરે છે. પણ જયારે કઈક સારૂ ઘટે છે તે ગોકળ ગાયની ગતિએ આગળ વધે છે. જેના કારણે હકારાત્મક ઘટનાઓ બહુ ઓછા લોકો સુધી પહોંચે છે. તેમાં પણ પોલીસ જયારેે માનવીય અભિગમ અપનાવે ત્યારે પોલીસ તો કેવી રીતે સારૂ કરે, તેવો પહેલો પ્રશ્ન આપણા મનમાં ઉભો થાય છે. પણ સારૂ પણ બને છે. આવી જ ઘટના રાજકોટ પોલીસમાં ઘટી છે.

રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા એસીપી સરવૈયાને એક અરજી મળી જેમાં આરોપ હતો કે રાજકોટમાં રહેતા એક સોનીએ લોકો સાથે છેતરપીંડી કરી છે. એસીપી સરવૈયા દ્વારા આ અરજી તપાસ એસઓજીમાં ફરજ બજાવતા યુવાન પોલીસ સબઈન્સપેક્ટર મહમંદ અસ્લમ અન્સારીને સોંપવામાં આવી હતી. વાત છેતરપીંડીની હતી અને આરોપી ભાગી જવાની શંકા હોવાને કારણે જે સોનીની વિરૂધ્ધ અરજી હતી તેને પોલીસ સ્ટેશન બોલાવવાને બદલે પીએસઆઈ અંસારી પોતાના સ્ટાફ સાથે સોનીના ઘરે જવાનો નિર્ણય કર્યો હતો.

પીએસઆઈ મહંમદ અસ્લમ અંસારી પોતાના સ્ટાફ સાથે સોનીના ઘરે પહોંચ્યા. ત્યાં જઈ તમામ સ્તબ્ધ થઈ ગયા હતા. જેમની સામે છેતરપીંડીનો આરોપ હતો તે પરિવાર અત્યંત દારૂણ સ્થિતિમાં જીવતો હતો. એક સમયમાં આ સોનીનો ધંધો ધીકતો હતો. ખુબ જાહોજલાલીમાં આ પરિવાર જીવતો હતો. પણ સમયની લપડાક વાગી અને ધંધોમાં મોટી ખોટ આવી. જેના કારણે આ પરિવાર દારૂણ સ્થિતિમાં આવી ગયો હતો. જે સોની સામે આરોપ હતો તે સોની ઘર ચલાવવા માટે ખાનગી સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરવા લાગ્યા હતા. આમ છતાં ઘરનું પુરુ થતુ ન્હોતુ.

પણ પડોશીઓ સારા હતા જે સમયાનંતરે સોની પરિવારને અનાજ ભરી આપવાની મદદ કરતા હતા. પીએસઆઈ અંસારીએ સોનીનું નિવેદન નોંધ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેણે કોઈની સાથે છેતરપીંડી કરી નથી. પણ ધંધામાં નુકશાન જવાન કારણે તે સમયસર પૈસા ચુકવી શકયો નથી. જયારે પોલીસ નિવેદન નોંધવાનું કામ કરી રહી હતી ત્યારે એક નાનકડી છોકરી ઘરમાં ઉભી ઉભી બધુ જ જોઈ રહી હતી. પણ તેના ચહેરા ઉપર કોઈ ભાવ ન્હોતો. તે છોકરીની ઉમંર દસ વર્ષની હતી.

પીએસઆઈ અંસારીનું ધ્યાન આ છોકરી તરફ ગયુ. તેમણે સોનીને પુછયુ તો સોનીના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું સાહેબ દિકરી સાંભળી શકતી નથી. જેના કારણે તે બોલી શકતી નથી. તેની સારવાર જરૂરી છે પણ પૈસા કયાંથી લાવું. પીએસઆઈ અંસારી પોતાની સાથે આવેલા સ્ટાફના જીતુભા ઝાલા, ફિરોઝ રાઠોડ, વિરેન્દ્રસિંહ ઝાલા અને અઝરૂદ્દીન બુખારી સામે જોયુ. તેમની આંખો કહી રહી હતી સાહેબ આપણે આ દિકરીની સારવાર કરાવીશુ.

આરોપીને પકડવા ગયેલી ખાખી વર્દીની પોલીસની આંખો પણ ભરાઈ આવી હતી. પીએસઆઈ અંસારી સહિત તમામ સ્ટાફે આ દિકરીને સાજી કરવાનો નિર્ણય કર્યો. ડૉકટરને બતાડી તેને તમામ જરૂરી મદદ કરી. આજે આ દિકરી ફરી સાંભળતી અને બોલતી થઈ ગઈ છે. કદાચ આ દિકરીને આંખી જીંદગી પોલીસનો ડર લાગશે નહીં. કારણ તેના ઘરે તો પોલીસ ફરીસ્તા બની આવી હતી. પોલીસને આજે પણ સલામ કરવાનું મન થાય છે કારણ પીએસઆઈ મહંમદ અસ્લમ અંસારી જેવા પોલીસ અધિકારીઓ છે.

(પ્રશાંત દયાળ)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp