World Sparrow Day: શું આજનો દિવસ જ ચકલી માટે છે?

PC: khabarchhe.com

19 માર્ચ, 20 માર્ચ અને 21 માર્ચ...આ ત્રણ દિવસ એવા છે કે જેમાં માનવ જાત કુદરત પર મહેરબાન થઇ રહી હોય તેવો ડોળ કરે છે. 19 માર્ચના રોજ સાંજે એક કલાકનો અર્થ અવર ઉજવીને વિશ્વમાં એનર્જીનો બચાવ કરી રહ્યા છે તેવો ડોળ કરે છે. 21 માર્ચના રોજ માનવ જાત વૃક્ષો પ્રત્યે બહુ આદર અને સન્માન ધરાવે છે તેવો ડોળ કરે છે, કારણ કે આ દિવસે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. રહ્યો 20 માર્ચનો દિવસ. તો આ દિવસે માનવ જાત ચકલીઓના નામે વિવિધ પ્રકારના ધતિંગ કરે છે.

પણ શું કરીએ હવે દિવસો ઉજવીને ઉપરછલ્લું માન આપીએ છીએ પણ ચકલી તો મૂંગું સજીવ એટલે જે આપીએ તે સ્વીકારી લે. 20 માર્ચની દિવસ એટલે આખું વિશ્વ ચકલી પ્રેમી બનીને વિશ્વ ચકલી ઉજવે છે. પણ આજે આ દિવસ ઉજવીએ છીએ એ પહેલા આપણે ગુજરાતી કવિ ઉમાશંકર જોશીની એક પંક્તિ યાદ કરી લેવી જોઈએ કે, "વિશાળ જગ વિસ્તરે નથી એકલો માનવી, પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ"

ખરેખર સાચું કહ્યું છે કે માનવ જાતે પોતાના અબરખા પૂરા કરવા માટે અનેકના અરમાનોને રોળી નાખ્યા છે. આજે વિશ્વ ચકલી દિવસ ઉજવીએ તો છીએ પણ આજે ચકલીઓ બચી છે કેટલી તે વિષે ક્યારેય વિચાર્યું છે ખરું? ગામડાઓમાં તો હજુ પણ ચકલીઓની "ચી...ચી..." ક્યાંકથી કાને અથડાય પણ શહેરને તો આ નસીબ જ નથી. શહેરમાંથી ચકલીઓ જાણે અલવિદા થઇ ગઈ છે. શહેરી પક્ષી ગણાતી ચકલી છેલ્લા બે દાયકાઓથી લુપ્ત થવા માંડી છે. જેમ જેમ આપણે વિકાસની હરણફાળ ભરતા ગયા તેમ તેમ ચકલીઓથી દૂર થતા ગયા. જે ઘરો ચકલીઓની ચિચિયારીઓ ગૂંજતી હતી ત્યાં હવે માત્ર મોબાઈલની રીંગટોનમાં કે દરવાજાના ડોરબેલ પૂરતી સીમિત રહી ગઈ છે. બાળકોને પણ ચકલીઓની ચીચ્યારી કેવી હોય છે એ સંભળાવા માટે ઇન્ટરનેટ પરથી ચિચિયારી ડાઉનલોડ કરીને આપવી પડે છે.

ચકલીઓ લુપ્ત થઇ રહી છે તે દિવસો જોયા છે ત્યારે ભૂતકાળને એક વાર અવશ્ય વાગોળવા જેવો છે. ટ્યુબ લાઈટમાં પોતાનું નિવાસસ્થાન બનાવતી ચકલીઓ આજે માનવ જાતની આસપાસ માળા બાંધવા પણ રાજી નથી. શહેરોએ પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે એ હદે પ્રકૃતિને છંછેડી છે કે હવે માનવી ખુદ પણ ઈચ્છે તો તેનો શિકાર બનતો અટકી નહીં શકે. એક સરવે કરવામ આવ્યો હતો તેમાં એવું જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં ચકલીઓની સંખ્યામાં 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. અને આના માટે કારણ બતાવ્યું છે ખોરાકની અછત.

એક તો જંગલોનો અભાવ અને બીજી બાજુ ખેતરોમાં પણ શુદ્ધ ખાણું કહી શકીએ એવો ખોરાક ચકલીઓને મળવો મુશ્કેલ છે. નાજુક પક્ષી છે એટલા માટે બગીચાઓમાંથી ખોરાક પણ ચણી શકે નહીં. બગીચાઓમાં પણ ફૂલો અને વનસ્પતિઓની સુરક્ષા માટે લોકો જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે. જે ચકલીઓ માટે મોત નોતરે છે. આ સિવાય ખુલ્લા ઘાસના મેદાનો નથી. તાપમાન અસહ્ય બની ગયું છે. જ્યાં માનવીનું જીવન મુશ્કેલ બની ગયું છે ત્યાં ચકલી તાપનો પારો સહન કઈ રીતે કરી શકે? પણ કુદરત જીવે છે ત્યાં સુધી તેમના અંશોને તે જિવાડે છે. એટલે ચકલીઓ જીવી રહી છે. એક સમયે અન્ય પક્ષીઓ જે પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હતા તે જ પરિસ્થિતિ આજે ચકલીઓની થઇ ગઈ છે.

હવે માનવીને પ્રકૃતિનું થોડું મહત્વ સમજાયું હોય તેમ ચકલી માટે દિવસો ઉજવતો થયો છે. આજના દિવસે જુદા જુદા કાર્યક્રમો કરીને ચકલી પ્રત્યે દરિયાદિલી બતાવી રહ્યો છે. ઉકરડામાંથી ખોરાક લાવવો ચકલી માટે મુશ્કેલ બની ગયો છે ત્યારે ફરીથી ચકલીઓને જીવાડવાના પ્રયાસો કરવા આવી રહ્યા છે. ચકલીઓ પ્રત્યે પ્રેમ ઉભરાવવાની આડમાં પોતાના મોભાને માટે પક્ષી બચાવોની બૂમો પાડનારા વધી આયા છે.

આજે મકાનોની રચના એ પ્રકારની થઇ ગઈ છે કે પક્ષીઓ પોતાના માળા કરી શકે તેમ નથી. ખાસ કરીને ચકલીઓ ઘરના ગોખલામાં, ઘરની દીવાલોની બખોલમાં કે ટ્યુબલાઈટના ગાળામાં માળા કરતા હોય છે. આજે લોકોને ઘરમાં ચકલીના માળા હોય તે પણ પસંદ નથી. એટલે હવે માટીના માળાનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ આપણે એટલું નથી સમજતા કે ચકલીને માટીના માળા નહીં પણ તેને તો તણખલાના માળા જ જોઈએ. તેમાં જ તે જીવી શકે છે. માટીના માળા વહેંચીને પ્રકૃતિપ્રેમી બનવાનો ડોળ કરતો માનવી પક્ષીઓને જ નુકશાન પહોંચાડી રહ્યો છે.

જો આવી જ પરિસ્થિતિ ચાલતી રહી તો કદાચ આવનારી બીજી કે ત્રીજી પેઢીના બાળકોને ચકલી માત્ર ફોટામાં જ બતાવી શકીશું. બાળકોને ફોટા દ્વારા જ કહેવું પડશે કે "આને ચકલી કહેવાય. આ ચકલી આપણા ઘરની દીવાલોમાં માળા કરતી હતી. તે તીણા અવાજમાં ચિચિયારી કરનારું પક્ષી છે. કદાચ એવું પણ બની શકે કે બાળકો પરીક્ષામાં ચકલી વિષે નિબંધ લખી શકે તેટલું પણ તે જાણતો ન હોય."

હવે બધો આધાર આપણી પર છે કે ચકલીને વાસ્તવિક જીવનમાં આપણે જોવી છે કે ફોટા જોઈને હરખાવું છે. મોડું થયું છે પણ એટલું બધું પણ નહીં કે પાછા વળી ન શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp