સાત કિલોગ્રામના બાળકની કિડનીમાંથી 2 કિલોની કેન્સરની ગાંઠ અમદાવાદના ડોક્ટરે કાઢી

PC: khabarchhe.com

અમદાવાદની એક પ્રાઇવેટ હોસ્પિટલના તબીબોએ 11 વર્ષના બાળકનું જટીલ ઓપરેશન કરી તેને નવી જીંદગી આપી છે. આ બાળકના સાત કિલોગ્રામના શરીરની એક કિડનીમાં બે કિલોગ્રામની કેન્સરની ગાંઠ હતી તેની સર્જરી કરવામાં આવી હતી.

રતલામના મુકબધિર દંપતિના 11 માસના બાળકના કિડની કેન્સરના ઓપરેશન માટે દુબઈથી મદદ મળતા બાળકનું અમદાવાદમાં સફળતાપુર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકને કિડનીમાં કેન્સર થયું હોવાની જાણ થતાં તેના માતા-પિતા ઓપરેશન માટે અમદાવાદની અમરદિપ હોસ્પિટલમાં લાવ્યા હતા. તબીબોએ તપાસીને કિડની કાઢી નાંખવાની સલાહ આપી હતી.

જો કે આ ઓપરેશનનો ખર્ચ વધારે આવતો હોવાથી પરિવારજનો ચિંતામાં હતા. આ સંજોગોમાં હોસ્પિટલના ડોક્ટરે તેના દુબઇમાં રહેતા જૂના દર્દીને ફોન કરી હકીકત જણાવતાં તેણે ઓપરેશનનો તમામ ખર્ચ આપવા કહ્યું હતું અને ત્યારબાદ ઓપરેશન કરી તબીબોએ બે કિલોગ્રામની કેન્સરયુક્ત કિડની કાઢી નાંખી હતી.

મધ્યપ્રદેશના રતલામ ખાતે રહેતા સોહેલ અને યાસ્મીન બંને બહેરા મુંગા છે. તેમના લગ્ન મરેજબ્યુરોના માધ્યમથી થયા હતા અને 11 માસ પહેલા તેમના ઘરે બાળકનો જન્મ થયો હતો. દંપતિ પોતે બહેરા મુંગા હતા પરંતુ તેમનું બાળક સંપુર્ણ તંદુરસ્ત હોઈ તેઓ ખુબ જ ખુશ હતા. સોહેલને વિકલાંગ કોટામાં સરકારમાં પ્યુનની નોકરી મળી હતી, જ્યારે યાસ્મીન ઘર સંભાળે છે.

દિવાળીની રજામાં યાસ્મીન પોતાના બાળકને લઈને પિયર ભોપાલ ગઈ હતી ત્યારે રાતના સમયે બાળકના પેટ પર તેનો હાથ જતાં તે અચાકન જાગી ગઈ હતી અને પેટ ચેક કરતા મોટી પથ્થર જેવી ગાંઠ હોય તેવું લાગ્યું હતું. જેથી તેને તાત્કાલીક ડોક્ટર પાસે લઈ ગયા હતા. સોનોગ્રાફી કરતા 11 માસના માસુમ બાળક ખાલીદને કિડનીનું કેન્સર છે તેવું નિદાન થયું હતું. ત્યારબાદ તેઓ બાળકની સારવાર માટે અમદાવાદ ખાતે અમરદીપ હોસ્પિટલમાં ડો. અનિરૂધ્ધ શાહ પાસે લઈને આવ્યા હતા.

જરૂરી તપાસ બાદ બાળકને જમણી કિડનીનું કેન્સર જેને વિમ્સ ટ્યુમર કહે છે તે જણાઈ હતી. જેથી ડોક્ટર દ્વારા તાત્કાલીક ઓપરેશન કરી આ કિડની કાઢવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, સાધારણ પટાવાળા સોહેલ અને તેના પરિવારને ઓપરેશનનો ખર્ચ પોસાય તેમ ન હોવાનું જણાવતા તેમના આંખમાંથી આંસુ આવી ગયા હતા.

દુબઇના શ્રીદેવીબેને બાળકના તમામ ખર્ચની મદદ કરવાની ખાતરી આપ્યા બાદ તબીબ અનિરૂદ્ધ શાહ અને બીજા તબીબ અમર શાહની ટીમ દ્વારા તાત્કાલીક ઓપરેશનની તૈયારી કરી બાળકના પેટમાંથી બે કિલોગ્રામની કેન્સરવાળી કિડની કાઢી હતી. આ પરિવારે વિડીયો કોન્ફરન્સના માધ્મયથી ખર્ચ ઉપાડનારા દર્દી બહેનનો આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp