હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ મરી રહ્યા છે, IMAએ કરી રૂપાણી સરકાર પાસે આ માગ

PC: Khabarchhe.com

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધતા જતાં દર્દીઓની હાલાકીમાં વધારો થયો છે. એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શનની શોર્ટેજ છે ત્યારે હોસ્પિટલોમાં ઓક્સિજનની પણ અછત વર્તાઇ રહી છે. ઓક્સિજનના અભાવે અમદાવાદ સહિતના રાજ્યોમાં મૃત્યુઆક વધી રહ્યો હોવાની દહેશત છે. આ સંજોગોમાં મુખ્યમંત્રી સમક્ષ ઉત્પાદિત થતા ઓક્સિજનનો 100 ટકા સપ્લાય મેડીકલમાં ઉપયોગમાં લેવા રજૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ મેડીકલ એસોસિયેશનની ગુજરાત સરકારને રજૂઆત છે કે હોસ્પિટલો બંધ કરવી પડે તેવી નોબત આવી શકે છે કેમ કે હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત વર્તાઇ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત નિવારવા માટે ઉત્પાદન તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે ત્યારે હવે ઓક્સિજનના વધારે ઉત્પાદનની પણ આવશ્યકતા વર્તાઇ રહી છે.

દર્દીઓના ફેફસામાં કોરોના સંક્રમણ પ્રસરી ગયું છે તેમને ઓક્સિજન લેવો પડે છે. દર્દીઓ વધતાં અમદાવાદ ઓક્સિજનની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. અમદાવાદમાં રોજના 2000 થી 2500 જેટલા કેસો સામે આવી રહ્યાં છે. હોસ્પિટલોમાં બેડની જગ્યા નથી. ઇન્જેક્શનનો સ્ટોક નથી અને ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળતો નથી. રાજ્યમાં એવા કેટલાક કેસ નોંધાયા છે કે ઓક્સિજનના અભાવે દર્દીઓ દમ તોડી રહ્યાં છે. અમદાવાદ મેડીકલ એસોસિયેશને ઓક્સિજનના સપ્લાયની માગણી કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખવામાં આવેલા એક પત્રમાં એસોસિયેશનના પ્રેસિડેન્ટ કિરીટ ગઢવી અને સેક્રેટરી ધિરેન મહેતાએ જણાવ્યું છે કે કોરોના સંક્રમણના દર્દીઓની સારવારમાં ઓક્સિજનની જરૂરીયાત હોય છે પરંતુ હોસ્પિટલ પાસે ઓક્સિજન નહીં હોવાથી ડોક્ટરો હોસ્પિટલ બંધ કરવાની ચેતવણી આપી રહ્યાં છે તેવા સંજોગોમાં જેટલો ઓક્સિજન ઉત્પાદિત થાય છે તેટલો એટલે કે 100 ટકા ઓક્સિજન મેડીકલના વપરાશમાં આપવો જોઇએ કે પ્રમાણ અત્યારે 70 ટકા હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવે છે.

અમદાવાદની મોટાભાગની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ઘટી રહ્યો છે. વપરાશની સામે ઉતલબ્ધતા ખૂબ ઓછી છે તેથી તેની તંગી વર્તાઇ રહી છે. રાજ્ય સરકારે બીજા રાજ્યોમાંથી પણ ઓક્સિજનની આયાત કરવી પડે તેવી સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણનો આંકડો 7410 થઇ ગયો છે જે પૈકી એકલા અમદાવાદમાં 2491 જેટલા કેસો સામે આવ્યા છે. અમદાવાદ જેવી હાલત સુરત શહેરની પણ છે, જ્યાં 1424 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp