સાવધાન...ચલણી નોટમાં રહેલા બેક્ટેરિયા-સુપરબગ્સ નોતરી શકે છે ગંભીર બીમારી

PC: hswstatic.com

સરકાર ભલે ક્લીન નોટ પોલીસીના ઢોલ વગાડે પણ બજારમાં મોટાભાગે જુની-રદ્દી-ફાટેલી નોટો ફરતી હોય છે. જેમાં બીમાર પડી જવાય તેવા બેક્ટેરીયા અને સુપરબગ્સ હોય છે. સંશોધકોને તેમાંથી પેથોજેનિક સ્ટેફાયલોકોકસ એરેયસ અને એસ્ચેરીચિયા કોલી બેક્ટેરિયા મળી આવ્યા હતા. જેને સંશોધકો દ્વારા મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ (MDR), એક્સટેન્સિવ ડ્રગ રેઝિસ્ટન્ટ (XDR) ગણાવવામાં આવ્યા છે. જેનો અર્થ થાય છે કે આ બેકટેરિયા ૩ અથવા તેનાથી વધારે જુદા-જુદા એન્ટિબાયોટિક દવાના ડોઝ બાદ પણ ઇમ્યુન રહે છે. આવા બેક્ટેરિયા ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને તાત્કાલિક ગળા, ત્વચા અને પેટના રોગ સંબંધી સમસ્યા લાવી શકે છે.

તાજેતરમાં ગુજરાત સાયન્સ કોંગ્રેસમાં જેમના અભ્યાસ પત્રને સારી એવી પ્રસિદ્ઘી મળી હતી. વલ્લભ વિદ્યાનગરના ARIBASમાં મેડિકલ બાયોલોજીના MScમાં અભ્યાસ કરતા આર્યન સિંહ ભાટીએ આ સંશોધનાત્મક અભ્યાસ કર્યો હતો. આ સંશોધન અંગે તેણે કહ્યું હતુ કે, 'આ અભ્યાસ માટે અમે રૂ. ૫-૧૦-૨૦-૫૦ અને ૧૦૦ની નોટનું પરીક્ષણ કર્યું હતું. કરિયાણા સ્ટોર્સ, મેડિકલ સ્ટોર્સ, પેથોલોજી લેબ, ફૂડ કોર્ટ અને બીજી જગ્યાઓ પર જ્યાં લેવડ-દેવડ વધુ હોય છે તેવી જગ્યાએથી ચલણી નોટ લઈ અમે પ્રયોગ કર્યો હતો. અમે આવી નોટ પર કુલ ૧૧૬ જુદા-જુદા પ્રકારના બેક્ટેરિયા મળી આવ્યા હતા. જે પૈકી ૭ બેક્ટેરિયા MDR અને XDR કેટેગરીના છે.'

આ અંગે માઇક્રોબાયોલોજિસ્ટ અને ઇન્ફેકશન કંટ્રોલ સ્પેશ્યાલિસ્ટ ડૉ. ભાવિની શાહે કહ્યું હતું કે, 'કોઈ દર્દી અથવા તો તેના પરીવારજનો જે રૂપિયાની નોટ હાથમાં રાખે છે અને પછી હાથ ધોયા વગર જ દર્દીની જુદી-જુદી જરૂરિયાતો પુરી કરે છે. તેના કારણે દર્દીની ઇમ્યુનિટી સિસ્ટમ પર ખરાબ અસર પડે છે અને તેમના આરોગ્ય પર પણ ગંભીર અસર થાય છે.'

ડૉ. કૌશલ પટેલ જેમણે આર્યનના શોધપત્રને ARIBASના ડિરેક્ટર અને પ્રો. ભક્તિ બાજપાઈ સાથે મળીને સુપરવાઇઝ કર્યો હતો તેમણે કહ્યુ હતુ કે, 'ગુજરાતમાં પહેલીવાર ચલણી નોટ પર આ પ્રકારે માઇક્રોબોયોલોજીના સહયોગથી અભ્યાસ કરવામાં આવ્યો છે.' આર્યને કહ્યું કે, 'MDR અને XDR જેવા બેક્ટેરિયા કરિયાણાની દુકાન સહિતના સ્થળેથી લીધેલી નોટમાં મળી આવ્યા હતા. આ નોટો જૂની થઈ ગઈ હતી અને તેના માઇક્રો ગેપમાં આ બેકટેરિયા પોતાનું ઘર બનાવી લે છે અને પછી એક હાથમાંથી બીજા હાથમાં જતી ચલણી નોટની સાથે તે પણ ટ્રાન્સમિટ થાય છે. તેમાં પણ ઓછી કિંમતની જૂની નોટ્સ જેમ કે ૫-૧૦ રૂપિયાની નોટ્સમાં વધારે પ્રમાણમાં આવા બેક્ટેરિયા મળી આવ્યા છે.' જે બાદ સંશોધક અને બીજા અનેક નિષ્ણાતોએ કાગળની નોટની જગ્યાએ પ્લાસ્ટિક નોટ્સને લઈ આવવા બાબતે ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે, અનેક દેશોમાં આ પ્રકારની નોટ અસ્તિત્વમાં છે. આ પ્રકારની નોટમાં જલ્દીથી બેક્ટેરિયા પોતાનું ઘર બનાવી શકતા નથી તેથી તે વધુ સુરક્ષિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp