આરોગ્યમંત્રી ડૉ.હર્ષવર્ધન બન્યા WHOના એક્ઝિક્યુટિવ બોર્ડના ચેરમેન

PC: Ani

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના 34 સભ્યની એક્ઝિક્યુટિવ બોર્ડના ચેરમેન બની ગયા છે અને તેમણે પદભાર પણ સંભાળી લીધો છે. તેમણે જાપાનના ડૉ. હિરોકી નકતાનીની જગ્યા લીધી હતી. હાલની સ્થિતિમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં મહત્ત્વપૂર્ણ પદ મળવું મોટી ઉપલબ્ધી કહેવાય રહી છે.

કોરોનાના નાજુક સમયમાં ભારતને દુનિયાએ વધુ એક મોટી જવાબદારી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના એક્ઝીક્યુટિવ બોર્ડના ચેરમેન તરીકે થોડા દિવસ પહેલા જ પસંદગી કરવામાં આવી હતી. હવે ડૉ. હર્ષવર્ધન એ નક્કી કરશે કે દુનિયાના દરેક હિસ્સામાં લોકોને યોગ્ય સારવાર મળી રહી છે કે નહીં.  કોરોના વિરુદ્ધ ભારતની લડાઈના વખાણ આખી દુનિયા કરી રહી છે. ભારતે આ બીમારી સામે માત્ર પોતાના દેશમાં જ લડાઈ જ નથી લડી પરંતુ આખી દુનિયાની પણ મદદ કરી છે અને તેનું પરિણામ એ આવ્યું કે, હવે ભારતના સ્વાસ્થ્ય મંત્રી આખી દુનિયાની હેલ્થ પર નજર રાખશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક્ઝીક્યૂટિવ બોર્ડમાં 34 મેમ્બર્સ હોય છે. 194 દેશોની વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં ડૉક્ટર હર્ષવર્ધનને નિર્વિરોધ ચૂંટવામાં આવ્યા. એક અધિકારીએ કહ્યું કે, આ પૂર્ણકાલિન કાર્ય નથી અને મંત્રીએ કાર્યકારી બોર્ડની બેઠકોની અધ્યક્ષતા કરવાની આવશ્યકતા રહેશે. બોર્ડ વર્ષમાં ઓછામાં ઓછી બે વાર બેઠક કરે છે અને મુખ્ય બેઠક સામાન્ય રીતે જાન્યુઆરીમાં હોય છે. સ્વાસ્થ્ય સભાના તુરંત બાદ મેમાં બીજી નાની બેઠક થાય છે. કાર્યકારી બોર્ડના અધ્યક્ષનું મુખ્ય કાર્ય સ્વાસ્થ્ય સભાના નિર્ણયો અને નીતિઓને પ્રભાવી બનાવવા માટે સલાહ આપવાનું છે.

ડૉ. હર્ષવર્ધન આવનારા 1 વર્ષ સુધી ચેરમેન બની રહેશે. આ પહેલા WHOના સાઉથ-ઈસ્ટ એશિયા ગ્રુપે 3 વર્ષ માટે ભારતને બોર્ડ મેમ્બર્સમાં સામેલ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી. હવે જણાવીએ કે, ડૉ. હર્ષવર્ધનને જે WHO બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે. તે શું હોય છે.

WHO એક્ઝીક્યુટિવ બોર્ડમાં 34 સભ્યો હોય છે અને તમામ 34 મેમ્બર્સ સ્વાસ્થ્યના ક્ષેત્રના એક્સપર્ટ હોય છે. 194 દેશોની વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાંથી 3 વર્ષ માટે બોર્ડમાં પસંદ કરવામાં આવે છે. પછી તે જ સભ્યોમાંથી એક-એક વર્ષ માટે ચેરમેન બનાવવામાં આવે છે. બોર્ડનું કામ હેલ્થ એસેમ્બલીમાં લેવામાં આવતા નિર્ણયો અને નીતિઓને તમામ દેશોમાં યોગ્યરીતે લાગૂ કરવાનું હોય છે. આમા પસંદગી પામેલા ડૉ. હર્ષવર્ધનની ખાસિયત એ છે કે, તેઓ પોતે તો મહેનતુ જ છે, સાથે જ આખી ટીમને સાથે લઈને કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp