ગુજરાતમાં નકલી દવા, હાનિકારક ખાદ્યપદાર્થો બિન્દાસ વેચાય છે, કસૂરવાર કેટલા?

PC: telegraphindia.com

ગુજરાતમાં નકલી દવા અને આરોગ્યને હાનિકર્તા અથવા તો ઝેરી ખાદ્યપદાર્થોનો કાળો કારોબાર ચાલે છે. પ્રતિવર્ષ દવાના 200 થી 300 નમૂના અને ખોરાકના 1000 ઉપરાંત નમૂના ફેઇલ જાય છે છતાં કસૂરવારોને કડક સજા થતી નથી, કેમ કે મોટાભાગના કેસ અદાલતમાં હોય છે. સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી થતી નથી.

આ વિભાગ પાસે પુરતા ઇન્સ્પેક્ટરોની અછત છે તેથી રાજ્યભરમાં દરોડા પાડવાની કાર્યવાહી થઇ શકતી નથી. આ કામ આઉટસોર્સિંગથી આપી શકાય તેમ છે છતાં આરોગ્ય વિભાગ તે દિશામાં વિચારી શકતો નથી. આરોગ્યના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે દવા અને ખોરાકમાં ભેળસેળ અંગે સરકારે કાયદામાં પરિવર્તન કરીને કસૂરવારોને કડકમાં કડક સજા કરવી જોઇએ પરંતુ કાયદાની છટકબારી હોવાથી તેઓ ઝડપથી મુક્ત થઇને ફરીથી એવી જ પ્રવૃત્તિ કરતા જોવા મળે છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં આ વિભાગે ઔષધોમાં 40000 કરતાં વધુ નમૂના લીધા હતા જે પૈકી 1100થી વધુ નમૂના અપ્રમાણસરના માલૂમ પડ્યાં છે. જેમની સામે કેસ કરવામાં આવ્યો છે તે પૈકી 35 સામે કોર્ટ કેસ કરવામાં આવ્યો છે જ્યારે 55 જેટલા કેસોમાં ચૂકાદો આવી ગયો છે.

બીજી તરફ ત્રણ વર્ષમાં ખોરાકના 44000 નમૂના લેવામાં આવ્યા હતા જે પૈકી 2600થી વધુ કેસો ભેળસેળયુક્ત અને મીસ બ્રાન્ડેડ જોવા મળ્યા છે. ખોરાકના અનસેફ એટલે કે ખાઇ શકાય નહીં તેવી ચીજવસ્તુના નમૂનાની સંખ્યા 250 જેટલી છે. વિભાગે એવો દાવો કર્યો છે કે ત્રણ વર્ષમાં ખાદ્યપદાર્થોના જે નમૂના લેવામાં આવ્યા છે તેની સામે અનસેફ અને મીસ બ્રાન્ડેડની ટકાવારી 5.54 ટકા થી 7.64 ટકા જેટલી રહી છે. જો કે વિભાગ પાસે પુરતા તપાસ ઇન્સ્પેક્ટરો નહીં હોવાથી આખા રાજ્યમાં દરોડા પાડી શકાતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp