26th January selfie contest
BazarBit

રાજ્યમાં ડેન્ગ્યૂના કેસમાં ક્રમશ: ઘટાડો જોવા મળી રહ્યો છે: ડૉ. જયંતી રવિ

PC: facebook.com

આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે તંત્ર સુસજ્જ છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ મેલેરિયા સહિતના વિવિધ વાહકજન્ય રોગોના કેસોમાં 48.3 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. નાગરિકોની જાગૃતિના કારણે મેલેરિયા, ડેન્ગ્યૂ જેવા વાહક જન્ય રોગોની તપાસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. 

ડૉ. જયંતી રવિએ ઉમેર્યું કે, રાજ્યમાં વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લાકક્ષાએ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના વહિવટી તંત્ર દ્વારા ઘનિષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજયના સંવેદનશીલ વિસ્તારોમાં આરોગ્ય કમિશનર સહિતના અધિકારીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

ડૉ. રવિએ ઉમેર્યું કે, જામનગર મહાનગરપાલિકામાં ડેન્ગ્યૂ નિયંત્રણના સઘન અભિયાનના ભાગરૂપે ખાસ કિસ્સામાં એપિડેમિકના નાયબ નિયામકની પ્રતિનિયુક્તિ કરવામાં આવી છે. તેમના માર્ગદર્શન હેઠળ સાત તબીબી અધિકારીઓ કાર્યરત છે. રાજયકક્ષાએથી હાલમાં નિવૃત્ત સ્ટેટ એન્ટોમોલોજીસ્ટ જામનગર મહાનગરપાલિકા ખાતે રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી પર દેખરેખ રાખી રહ્યાં છે. અન્ય જિલ્લાઓમાંથી 127 એમ.પી.એચ.ડબલ્યુ., 7 એમ.પી.એચ.એસ. તથા 14 ફોગિંગ મશિનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પ્રથમ રાઉન્ડમાં 1.12 લાખથી વધુ તેમજ બીજા રાઉન્ડમાં 1.60 લાખથી વધુ ઘરોનો સરવે કરવામાં આવ્યો છે. આ દરમિયાન 1.54 લાખ વિવિધ પાત્રોમાં પોરાનાશક દવા નાખવામાં આવી છે. આ ઉપરાંત ફોગિંગ મશિન તથા એન્ટી લાવર્લ કામગીરી માટે દૈનિક ધોરણે 65 જેટલાં કર્મચારીઓ કાર્યરત છે. રોગ નિયંત્રણ-જનજાગૃતિના હેતુથી વર્ષ-2019-20 માટે જામનગર મહાનગરપાલિકાને રાજય સરકાર દ્વારા અંદાજે કુલ રૂ. 54 લાખ ફંડ ફાળવવામાં આવ્યું છે.  

તેમણે ઉમેર્યું કે, વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે રાજ્યકક્ષાએથી સતત મોનીટરીંગ પણ થઇ રહ્યું છે. રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે રાજ્યમાં ડેન્ગ્યૂના કેસોમાં ક્રમશ: ઘટાડો જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યૂના નિયંત્રણ માટે રાજ્યમાં સપ્ટેમ્બર માસથી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે. જે હેઠળ રાજ્યની કુલ વસતીના 97 ટકા વસતી આવરી લેવાઇ છે. રાજયના સંવેદનશીલ વિસ્તારોમાં 235 વેકટર કંટ્રોલ ટીમો કાર્યરત કરીને રોગ અટકાયત માટેના સતત પગલાં લેવાઈ રહ્યાં છે તથા 46 જેટલાં ડેન્ગ્યૂ નિદાન કેન્દ્રો કાર્યાન્વિત છે જયાં વિના મૂલ્યે ડેન્ગ્યૂ રોગનું નિદાન કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્રો ઉપર નિદાન માટેની કીટ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.

ડૉ. રવિએ ઉમેર્યું કે, મેલેરિયા, ડેન્ગ્યૂ સહિતના વાહક જન્ય રોગ માટે જીવીકે ઇએમઆરઆઇ મારફત 104 હેલ્પ લાઇન કાર્યરત છે જેના દ્વારા તાવના કેસોમાં ઘરે બેઠા સારવાર આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનો નાગરિકોને મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. તાવ જણાય તો શરીરનું તાપમાન જળવાય રહે તે માટે વધુ પ્રમાણમાં પાણી પીવું, ત્વરીત ડોકટરનો સંપર્ક કરી સારવાર લેવી, આરામ કરવો તથા તાવ નિયંત્રણ માટે પેરાસિટામોલ ટેબ્લેટનો ઉપયોગ કરવા પણ અનુરોધ કરાયો છે.

ડૉ. જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં મેલેરિયાના 10,999 કેસ નોંધાયા છે. તે પૈકી 544 પી.ફાલ્સીપેરમના કેસો નોંધાયા છે. મેલરિયા નિયંત્રણ માટે રાજ્યભરમાં વધુ જોખમી એવા 18.6 લાખ વસતીમાં જંતુનાશક દવા છંટકાવના બે રાઉન્ડ પૂર્ણ કરી દેવાયા છે. સાથે સાથે કાયમી પાણીના જળાશયો/સ્ત્રોતોમાં મચ્છર ઉત્પતિ અટકાવવા માટે ઝુંબેશ સ્વરૂપે 75 હજારથી વધુ સ્થળોએ પોરા ભક્ષક માછલીઓ છોડવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મળેલ કુલ 4.40 લાખ જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની પૈકી 4.28 લાખ મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp