ભારત સરકારની ઇ-સંજીવની ઓપીડીનો ગુજરાતમાં શુભારંભ, જાણો શું સુવિધા મળશે

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઇ-સંજીવની ઓપીડીનો પ્રારંભ કરાવતાં દવાખાના-હોસ્પિટલોમાં દર્દીઓની ઓપીડીનું ભારણ ઓછું કરી ઘરેબેઠાં સારવાર માટે આ ઇ-સંજીવની ઓપીડી મહત્તમ લાભદાયી નિવડશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ ઇ-સંજીવની ઓપીડીનો ઇ લોકાર્પણ-કાર્યારંભ કરાવ્યો હતો.

ભારત સરકાર દ્વારા દેશના રાજ્યોમાં આ ઇ-સંજીવની ઓપીડી કાર્યરત કરવામાં આવેલી છે તેનો આજથી ગુજરાતમાં પણ શુભારંભ થયો છે. મુખ્યમંત્રીએ આજના કોરોના સંક્રમણ કાળમાં આ ઇ-સંજીવની ઓપીડી દર્દીને સામાન્ય રોગ માટે ઘરેબેઠાં દવા-પ્રિસ્ક્રીપ્શન આપવા સાથે સરકારી દવાખાના-આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે સારવાર આપનારૂં એક સક્ષમ માધ્યમ ગણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, ઘરેબેઠાં દવા-સારવાર મેળવવાની આ નવતર પદ્ધતિ કોરોના સંક્રમણ સમયમાં સમયોચિત રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે. વિજય રૂપાણીએ રાજ્યના આરોગ્ય કર્મીઓ, વહિવટીતંત્ર ર0ર0ના વર્ષની શરૂઆતથી જ કોરોના સામે ખડેપગે સજ્જતાથી કામ કરે છે તેની પ્રસંશા કરતા કહ્યું કે, હવે આ ઇ-સંજીવની ઓપીડીથી આફતને અવસરમાં પલટવાના આપણા સંસ્કાર વધુ ઊજાગર થયા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ મોબાઇલ એપમાં ટુ-વે વિડીયો કોલીંગની જે સુવિધા છે તેના પરિણામે દર્દી અને તબીબ વચ્ચે સંવાદ થવાથી ઇલાજમાં વધુ અસરકારકતા આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ઇ-યુગમાં જેમ નાણાંકીય વ્યવહારો, નગરો-મહાનગરોના ટેક્ષ સહિતની સેવાઓ ઓનલાઇન છે તેમ હવે જન-જનના આરોગ્ય સુખાકારીની આ સેવા પણ એટ વન કલીક ઘર આંગણે મળતી થશે.

નીતિન પટેલે ઉમેર્યુ કે, દૂર-દરાજના ગામોમાં રહેતા દર્દીઓને આ એપ દ્વારા પોતાના ઘરેબેઠાં જ સારવાર-નિદાન થઇ શકશે. સારવાર માટે CHC/PHC કે દવાખાને આવવું જ પડે એવી સ્થિતિમાંથી મુકિત મળશે. એટલું જ નહિ, આ એપના માધ્યમથી તબીબો યોગ્ય નિદાન કરી જરૂર જણાયે નિષ્ણાંત-તજ્જ્ઞ તબીબનો પણ અભિપ્રાય મેળવી તેની સલાહ મુજબ સારવાર કરી શકશે તેવી વ્યવસ્થા વિકસાવી છે એમ પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ફોન પર ડાયગ્નોસીસ આપતી આ સેવા આધુનિક ટેક્નોલોજીના આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ અને ટેલીમેડીસીનનું એક આગવું ઉદાહરણ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. નાયબ મુખ્યમંત્રીએ ભવિષ્યમાં આ સેવાનો વ્યાપ મેડીકલ કોલેજીસ સુધી વિસ્તારીને યુવા તબીબોને પણ તેમાં જોડવાની મનસા વ્યક્ત કરી હતી.

આરોગ્ય અગ્ર સચિવ મતી ડૉ. જયંતિ રવિ અને વરિષ્ઠ અધિકારીઓ ગાંધીનગરથી તેમજ જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓ સંબંધિત જિલ્લાઓમાંથી જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp