સુરતમાં કોરોનાના કહેર વચ્ચે જાણો મુસ્લિમ સમાજ કઇ રીતે મદદ કરી રહ્યો છે

PC: Khabarchhe.com

રાજા શેખ. સુરત શહેર અને જિલ્લા મળી કોરોના દર્દીઓનો આંકડો 12 હજાર સુધી પહોંચી ગયો છે અને સવા પાનસો લોકોના મોત થયા છે ત્યારે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા ખુટી પડી છે. જોકે, આટલા દર્દીઓ પૈકી સાડા ત્રણ હજાર દર્દીઓ જ સારવાર હેઠળ હોસ્પિટલોમાં છે અને બાકીના હજાર ઉપરાંતના દર્દીઓ હોમ આઈસોલેશન તેમજ વિવિધ સમાજ દ્વારા ખોલવામાં આવેલા કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યાં છે. સરકારી તંત્રની મદદથી અનેક સમાજે આવા કોવિડ આઈસોલેશન સેન્ટર ખોલ્યા છે અને હવે તેમાં મુસ્લિમ સમાજ પણ જોડાયું છે. મુસ્લિમ સમાજના અનેક સેવાભાવીઓએ કોઈ પણ નાત-જાત, સમાજ અને ધર્મના ભેદભાવ વિના તમામ કોરોના પેશન્ટની સારવાર અને સેવા કરવાનું બીડુ ઉપાડી સેન્ટરો ખોલ્યા છે અને માનવતાની મિશાલ કાયમ કરી છે. ઉલ્લેખનીય છે કે, એકતા ટ્રસ્ટ શરૂઆતથી જ વિના મૂલ્યે કોરોનામાં મોતને ભેટેલાઓની અંતિમ ક્રિયા કરતુ આવ્યું છે.

 અડાજણ પાટીયા પર હીબા હોસ્પિટલમાં મનપાની મદદથી વિના મૂલ્યે સારવાર

 અડાજણ પાટિયા, શ્રેયમ કોમ્પલેક્સમાં હીબા હોસ્પિટલના નામથી આ કોવિડ સેન્ટર ઓપન ફોર ઓલ માટે ખોલીને માનવીય અભિગમ દેખાડ્યો છે. જેના સહયોગથી આ સેન્ટર શરૂ કરાયુ તે ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ અને  મનપા કમિશનર બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ ચેરમેન અનિલ ગોપલાણી, ધારાસભ્ય સંગીતા પાટીલની હાજરીમાં સોંપવામાં આવ્યું. પીપીપી ધોરણે અહીં વહેલા તે પહેલાના ધોરણે દર્દીઓને દાખલ કરીને વિના મૂલ્યે સારવાર કરાશે. આગેવાનોના જણાવ્યા મુજબ હીબા હોસ્પિટલના આ કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓ માટે 84 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જે પૈકી 74 બેડ પર ઓક્સિજન લાઈન છે અને 10 બેડ આઈસીયુ તેમજ વેન્ટિલેટરના ઊભા કરવાં આવ્યા છે.

આ આખુ સેન્ટર માત્ર 15 દિવસમાં ઊભુ કરવામાં આવ્યું છે. પીપીપી ધોરણથી શરૂ કરવામાં આવેલા આ સેન્ટરમાં મેડીકલ ઈક્વિપમેન્ટ, દવાઓ અને સ્ટાફનો ખર્ચ સુરત મહાનગર પાલિકા ઉઠાવશે જ્યારે ઓક્સિજન, બેડ, ઈન્ફ્રાસ્ટ્ર્કચર સહિત માટે સ્થાનિક કોથમીરવાળા પરિવાર તરફથી દાન અપાયું છે.. ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે, શહેરના તમામ ખમતીધર લોકોએ પીપીપી મોડલ અપનાવીને કોરોના સંકટમાં આવા સેવાકીય કાર્ય સાથે જોડાવું જોઈએ. જેથી, હોસ્પિટલમાં બેડ ઓછા હોવાની કે  ન મળવાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે.

 ભરીમાતા રોડ પર પણ ઊભુ કરાયુ કોવિડ સેન્ટર

આ પરિવારના સહયોગથી કોશિષ ચેરિટેબલ ટ્રસ્ટના જૈનુલ અન્સારી અને તેમના ગ્રુપ દ્વારા ભરીમાતા રોડ પરના મનપાના કોમ્યુનિટી હોલ ખાતે કોવિડ સેન્ટર ખોલાયુ છે. તેમાં કુલ 60 બેડ પૈકી 30 પર ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે બાકીના બેડ પર કોરોનાના સામાન્ય દર્દીઓની સારવાર કરવામાં આવશે. કોશિષ ટ્રસ્ટ દ્વારા અહીં દર્દીઓના ભોજન તેમજ હોસ્પિટલ સ્ટાફની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દવાઓનો ખર્ચ સુરત મહાનગર પાલિકા પુરો પાડશે.

 રાંદેરના બોટાવાળા ટ્રસ્ટે શરૂ કર્યું સેન્ટર, બીજા ટ્રસ્ટો પણ વિના મૂલ્યે ઓક્સિજન પુરા પાડે છે

મોરા ભાગળ, બોટાવાળા હોસ્ટેલ ખાતે 60 બેડની સુવિધા ઓપન ફોર ઓલ માટે રાખવામાં આવી છે. જેમાં 40 બેડ પર ઓકિસજનની સુવિધા અને 20 બેડ ઓછી અસરવાળા દર્દીઓ માટે રખાયા છે. ડોક્ટરની ત્રણ ટીમ, નર્સ સહિતની સુવિધા અને ખાવાપીવાની સુવિધા પણ વિનામૂલ્યે રાખવામાં આવી છે. કોરોના પોઝિટિવ પેશન્ટ હોય તો તેઓ સુરત મનપાને જાણ કરે છે અને તેમની સુચના મુજબ તેને સિવિલ કે સ્મીમેરમાં રિફર કરવામાં આવે છે. હાલ 70 બેડ ફૂલ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત રાંદેરનું એ.જે. ગ્રુપએ 35 ઓક્સિજન સિલિન્ડર ઘરે સારવાર લેનારા જરૂરિયાતમંદ લોકોને પુરા પાડવાનું કામ શરૂ કર્યુ છે. ટ્રસ્ટના અગ્રણી સોહેલ દુધવાળા અને ઈકબાલ ચુનાવાળાએ કહ્યું કે, સંબંધિત ડોક્ટરના પ્રિસ્ક્રિપશન મુજબ અમે નિમેલી બે નર્સ જરૂરિયાતમંદ દર્દીના ઘરે જઈને ઓક્સિજન ચઢાવી આપે છે અમે તે માટે એક પણ રૂપિયો લેતા નથી. હાલ દર્દીઓ વધતા, હોસ્પિટલોમાં જગ્યાનો અભાવ અને સામાન્ય અસરવાળા દર્દીઓને ઘરે આઈસોલેશન કરાતા હોવાથી આ સેવા શરૂ કરાય છે. જેમાં સામાજિક કાર્યકર્તા મોહસીન પટેલ અલગથી 15 ઓક્સિજનની બોટલ, એમએસસી ગ્રુપ 10 ઓક્સિજન બોટલ અને ઈખ્લાસ ગ્રુપ 20 બોટલની મદદ કરી રહ્યું છે જ્યારે તમામ મેઈન પાવર ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે  ઉપરાંત ઝાપાબજારમાં બેદાવાલા ફેમીલી 50 સિલિન્ડર આ રીતે ફ્રી સેવામાં આપી રહ્યું છે.

 - UMDA એ તાવ-ખાંસી, તાવના દર્દીઓને ચકાસી આપી રહ્યું છે ફ્રી દવા :

યુનાઈડેટ મુસ્લિમ ડોક્ટર એસોસિયેશન ઓફ સાઉથ ગુજરાતના સુરત એકમ દ્વારા લિંબાયત, મારૂતિ નગર ચાર રસ્તા, ગુલશન નૂરી દારૂદ ઉલુમ ખાતે અને નાનપુરા, કાદરશાહની નાળ ખાતે શરદી ખાંસી, તાવ વગેરે માટે વિશેષ ઓપીડી શરૂ કરી છે અને ફ્રીમાં દવા આપી યોગ્ય માર્ગદર્શન અપાય રહ્યું છે. હેન્ડલિંગ કરતા ડો. એઝાઝ બીડીવાળા કહે છે કે, વિવિધ ટ્રસ્ટોની મદદથી કોઈ પણ નાત-જાત, ધર્મના ભેદભાવ વિના અમે વિના મૂલ્યે દવા આપી રહ્યાં છે. લિંબાયતમાં 35 દિવસમાં 1500 જેટલા દર્દીઓ ચકાસાયા છે અને માઈલ્ડ, મોડરેડ કે સિવિયરને તે મુજબ રિફર પણ કર્યાં છે.  કાદરશાહની નાળમાં 10 દિવસ પૂર્વે કલીનીક શરૂ કરાયુ અને તેમાં રોજ 100 દર્દીઓને ચકાસી દવા અપાય છે. જરૂર જણાય તેને જ રિફર કરાય છે. તે માટે અમે 5 ફાઉન્ડર ડોક્ટર, 6 વર્કિગ ડોક્ટરની ટીમ કામ કરી રહી છે. દરેક મંદિર, મસ્જિદોમાં પણ અમારા બેનર્સ લાગ્યા છે જેથી, લોકો સચોટ માર્ગદર્શન મેળવે અને વિના કારણે ગભરાય નહીં.

શહેરમાં જ્યારે કોરોના કેસ લગાતાર વધી રહ્યાં છે ત્યારે વિવિધ સમાજ કે ખમતીધર લોકો માનવીય સેવા ખાતર સ્વખર્ચે અથવા સુરત મનહાનગર પાલિકાની મદદથી કોવિડ સારવાર સેન્ટર અથવા આઈસોલેશન સેન્ટર ખોલે તે આજની જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp