ઓવરથિંકિંગમાંથી બહાર આવવાના સરળ ઉપાયો

PC: roberthalf.com

મને પ્રમોશન મળ્યું તે માટે મારે તેમને થેંક યુ કહેવું જોઈતું હતું, ખબર નહીં તેઓ મારા વિશે શું વિચારશે, મારું કામ હું યોગ્ય રીતે તો કરું છું ને, ઓફિસ મિટિંગ માટે આ કપડાં યોગ્ય તો છેને... આવા કંઈક કેટલાય સવાલો આપણા મનમાં રોજ થતા હોય છે. પરંતુ તેના વિશે થોડું વિચાર્યા બાદ કે અન્ય કોઈ કામ તરફ મન વાળ્યાં બાદ બધું પાછું નોર્મલ થઈ જતું હોય છે. પરંતુ જો તમારી સાથે આવું ન થતું હોય અને તમે આવી નાની-નાની બાબતોને લઈને સતત વિચાર કર્યા કરતા હો તો પછી તમારે તે તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. નહીં તો આ ઓવરથિંકિંગ એટલે કે વધુ પડતા વિચારો કરવાની તમારી આ આદત તમારી મેન્ટલ હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે.

જો તમારા મગજમાં પણ આવી નાનકડી વાતોને લઈને સતત વિચારો ચાલ્યા કરતા હો તો નીચે જણાવેલી ટેકનિક અપનાવીને તમે તમારી તે આદતમાંથી બહાર આવી શકો છોઃ

તમારા બિહેવિયરને સમજો

જ્યારે પણ તમને એવું લાગે કે કોઈક ચોક્કસ બાબતને લઈને તમારા મગજમાં સતત વિચારો ચાલી રહ્યા છે, તો તે વિચારો તમારા મુડ પર કઈ રીતે અસર કરે છે, તે જાણવાનો પ્રયત્ન કરો અને તે તમને તમારી વિચારસરણી બદલવામાં મદદ કરશે.

તમારા વિચારોને બીજી દિશામાં વાળો

જો કોઈક બાબત મને પરેશાન કરતી હોય અને તમને સતત તેના વિશે જ વિચારો આવ્યા કરતા હોય તો તે બાબત પરથી તમારું ધ્યાન બીજી તરફ વાળો અને તે માટે તમને ગમતી પ્રવૃત્તિઓ કરો અથવા તમને ગમતી વ્યક્તિ સાથે સમય પસાર કરો.

ઊંડા શ્વાસ લો

આ વાત તમે ઘણી વખત ઘણા વ્યક્તિઓ પાસેથી સાંભળી હશે, કારણ કે તે ખરેખર કારગર છે. આથી, જ્યારે પણ તમને લાગે કે કોઈક બાબતને લઈને તમારા મગજમાં સતત વિચારો ચાલી રહ્યા છે, તો ત્યારે પદ્માસન મુદ્રામાં બેસો, આંખો બંધ કરો ઊંડા શ્વાસ લો. આમ કરવાથી તમને પોઝિટિવિટી મળશે.

મેડિટેશન

દરરોજ મેડિટેશન કરવાની આદત તમારામાં નવી ઊર્જા ભરવાની સાથોસાથ તમારા મગજને ખોટાં વિચારો કરતા અટકાવશે અને તમારી અંદર છૂપાયેલી શક્તિને ઉજાગર કરવામાં મદદ મળશે.

મનને વધુ મક્કમ બનાવો

5 કે 10 વર્ષ પહેલા બનેલી કોઈક ઘટના જો તમને હજુ પણ દંખતી હોય તો તમારે તે બાબતે ચોક્કસ પગલાં લેવાની જરૂર છે. નાની-નાની બાબતોને તમારા પર હાવી ન થવા દો અને તમારા મનને વધુ મજબૂત બનાવી નાનકડી દુવિધાઓને લેટ-ગો કરવાની ભાવના કેળવો.

કોઈકને મદદરૂપ બનો

તમારા ઘરની કોઈક વ્યક્તિ કે મિત્રને તમારી જરૂર હોય, તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હોય તો તેની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરીને તેના મનના બોજને હળવો કરવામાં મદદરૂપ બનો. આમ કરવાથી સામેવાળી વ્યક્તિ રીલેક્સ ફિલ કરશે અને તેમના ચહેરા પર આવેલી એક સ્માઈલ તમારા મગજમાંથી નેગેટિવ વિચારોને દૂર ધકેલવામાં મદદ કરશે.

નેગેટિવ થિંકિંગને ઓળખો

તમારા મગજમાં અનાયાસે જ શરૂ થઈ જતા નેગેટિવ વિચારો અને તેને કારણે તમારા મૂડ પર પડતી અસરો વિશે નોંધ રાખો અને કયા પ્રકારની પરિસ્થિતિમાં તમારા મગજમાં નેગેટિવ વિચારો આવે છે, તેને ઓળખી તેવી પરિસ્થિતિથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.

તમારી સફળતા વિશે વિચારો

જો તમારા મગજમાં ચાલતા વધુ પડતા વિચારો તમને ડિસ્ટર્બ કરી રહ્યા હોય, તો તેનાથી બચવા માટે ગત અઠવાડિયા દરમિયાન તમે કરેલા સારા કામો વિશે નોંધ બનાવો અને તેમાં તમારા રોલ વિશે લખો. આમ કરવાથી તમારા મગજમાં ચાલતા સતત વિચારોને અટકાવી શકાશે.

વર્તમાનમાં જીવો

જો તમારી પાસે દરરોજ મેડિટેશન કરવાનો સમય ના હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પણ તમને તમારા વિચારો ડિસ્ટર્બ કરે ત્યારે તમે જે કામ કરતા હો તેને સાઈડ પર મુકી દો, તમને ગમતું ભોજન કે કોફી પીઓ, બહાર ખુલ્લી હવામાં ચાલવા જાઓ.

બીજાના વિચારોને સમજવાનો પ્રયત્ન કરો

કેટલીકવાર તમારી વિચારસરણીમાંથી બહાર આવી બીજાની વિચારસરણીને સમજીને તેને અપનાવવી એ પણ તમારી ધારણાને દૂર હડસેલવામાં મદદ કરી શકે છે.

મજબૂત એક્શન લો

ક્યારેક કોંક્રિટ પગલાં ન લેવાને કારણે તમારી આ આદતમાંથી તમે બહાર આવી શકતા નથી. આથી, માત્ર વિચારવાને બદલે તેમાંથી બહાર આવવા માટે યોગ્ય પગલાં લો.

લક્ષ્ય પર ધ્યાન આપો

ભૂતકાળમાં કરેલી ભૂલો વિશે વિચારી-વિચારીને પોતાની જાતને દોષી માનવાને બદલે તમારા લક્ષ્ય તરફ ધ્યાન આપો, જેથી એક જ ભૂલ બીજીવાર ન થાય.

તમારા ડરથી ભાગવાને બદલે તેનો સામનો કરો

દરેક બાબત હંમેશાં તમારા કંટ્રોલમાં નથી હોતી. આથી, તમારા ડરથી ભાગવાને બદલે તેનો સામનો કરો. આમ કરવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે નવા ઉત્સાહ સાથે ફરી પોતાના લક્ષ્ય તરફ આગળ વધી શકશો.

મદદ માગો

ઉપર જણાવેલા ઉપાયો અપનાવવા છતાં, જો તમે ઓવરથિંકિંગને ખાળી ન શકતા હો કે તમારી વિચારસરણીને બદલી ન શકતા હો તે વિશે એક્સપર્ટ્સની મદદ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp