વેક્સીન લાગ્યા પછી કોરોના થાય તો ઝડપથી સાજા થઇ જવાય ખરૂં, ડૉક્ટરો શું કહે છે

PC: timesofindia.indiatimes.com

કોરોના સંક્રમણ સામે રક્ષણ આપતી રસી (વેક્સીન) ના ડોઝ આપવાના શરૂ કરવામાં આવ્યા છે ત્યારે એક સર્વેક્ષણ બહાર આવ્યું છે જેમાં રસીકરણ થયેલા વ્યક્તિઓની તપાસ કરતાં એવું માલૂમ પડ્યું છે કે તેમના શરીરમાં એન્ટીબોડીઝની સંખ્યા વધી રહી છે જેના કારણે કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાના ચાન્સિસ વધી જાય છે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં કામ કરતાં 12 ડોક્ટરો કે જેઓ રાષ્ટ્રવ્યાપી સંશોધનનો ભાગ છે તેમણે શોધ્યું છે કે કોરોના વિરોધી રસી કોરોનાના ચેપ સામે લડવામાં ઉપયોગી એન્ટીબોડીઝમાં વધારો કરે છે જેના કારણે દર્દી કોરોના મુક્ત ઝડપથી થઇ શકે છે. આ સંશોધન સાથે દેશભરના કુલ 600 ડોક્ટરો જોડાયા છે.

આ હોસ્પિટલના એક ડોક્ટરે કહ્યું હતું કે કોરોના યોદ્ધા હોવાથી મેં રસીકરણ પહેલાં મારા શરીરના એન્ટી સ્પાઇક એન્ટીબોડીઝની તપાસ કરી હતી જેમાં જણાયું હતું કે મારા શરીરમાં બે કે ત્રણ એન્ટીબોડીઝ હતી. ચાર સપ્તાહ પછી કોરોના રસીનો પ્રથમ ડોઝ મેં લીધો હતો અને ત્યારબાદ ચાર સપ્તાહ પછી બીજો ડોઝ લીધો હતો. ચાર સપ્તાહ પછી મારા શરીરમાં એન્ટીબોડીઝની સંખ્યા 91 થઇ હતી. કેટલાક કિસ્સામાં તો તે સંખ્યા 130ની આસપાસ પહોંચી ગઇ હતી.

તબીબી સંશોધન પ્રમાણે શરીરમાં 12 કરતાં ઓછી એન્ટી સ્પાઇક એન્ટીબોડીઝ નેગેટીવ માનવામાં આવે છે. 12 થી 15ની સંખ્યા સમકક્ષ તેમજ 15થી વધુ એન્ટીબોડીઝ સુરક્ષિત કહેવાય છે. અમારી ટીમના કેટલાક ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેમણે રસી લીધા પછી તેમના શરીરમાં એન્ટીબોડીઝની સંખ્યા આપોઆપ વધી ચૂકી હતી.

કેટલાક દર્દીઓ પર થયેલા સંશોધનમાં જણાયું છે કે રસીનો એક ડોઝ લીધા પછી એન્ટીબોડીઝ 400 અંક સુધી પહોંચી ગઇ હતી. આ સ્થિતિ બતાવે છે કે કોરોનાનો ચેપ લાગ્યા પછી ઉત્પન્ન થતાં એન્ટીબોડીઝ લાંબા સમય સુધી અકબંધ રહેતી નથી તેથી રસી લીધા પછી તેમાં વધારો થતો જાય છે. આ ડોક્ટરોએ કહ્યું હતું કે રસીકરણ પછી કોરોના સંક્રમિત થવા છતાં શરીરમાં એન્ટીબોડીઝની સંખ્યા વધુ હોવાથી ઝડપથી સાજા થઇ જવાય છે. જે લોકોએ રસી લીધી નથી અને કોરોના સંક્રમણ થયું છે તેમને સારવારમાં વધુ સમય લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp