26th January selfie contest

એન્ટીબાયોટિકને લઈને રિસર્ચમાં ડરાવનારા ખુલાસા, દવા લેતા પહેલા વાંચી લો સમાચાર

PC: ox.ac.uk

દેશની અલગ-અલગ હોસ્પિટલોના ICUમાં હાલ જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમાંથી ઘણા દર્દીઓનો જીવ એટલા માટે ના બચી શક્યો કારણ કે તેમના પર એન્ટીબાયોટિક દવાઓ કામ નથી કરતી. ભારતીય એટલી બધી એન્ટીબાયોટિક દવાઓ ખાઈ ચુક્યા છે કે હવે આ દવાઓએ અસર કરવાનું બંધ કરી દીધુ છે. હાલમાં ભારતમાં એન્ટીબાયોટિક દવાઓના પ્રયોગને લઈને લેસેન્ટનો એક રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં ઘણા ખુલાસા થયા છે.

  • ભારતમાં એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ જરૂરિયાત કરતા વધુ થઈ રહ્યો છે.
  • એઝિથ્રોમાઈસિન સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક છે.
  • લગભગ અડધી એન્ટીબાયોટિકનો અપ્રૂવલ વિના પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

આ રિસર્ચ પરથી જણાય છે કે, ભારતમાં એન્ટીબાયોટિક દવાઓના ઉપયોગ પર કોઈ કંટ્રોલ નથી. લેસેન્ટના આ રિપોર્ટ અનુસાર, ભારતમાં 44% એન્ટીબાયોટિક દવાઓનો અપ્રૂવલ વિના જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માત્ર 46% દવાઓને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) તરફથી અપ્રૂવલ મળ્યું છે. રિપોર્ટમાં એઝિથ્રોમાઈસિન દવાના દુરુપયોગનો ખાસ ઉલ્લેખ છે. એવુ એટલા માટે થયુ કારણ કે, કોરોના કાળમાં ઘણી રાજ્ય સરકારોએ કોવિડની સારવારના પ્રોટોકોલમાં એન્ટીબાયોટિક દવા એઝિથ્રોમાઈસિનને રાખી હતી અને ઘણા લોકોએ જાતે પણ કોવિડ થવા પર એઝિથ્રોમાઈસિન ખાવાની શરૂ કરી દીધી હતી.

AIIMSના પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડૉ. સંજય રાયના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ એક વાયરલ બીમારી છે. જે રીતે આ બીમારીમાં એન્ટીબાયોટિક કારણ વિના આપવામાં આવી. એ જ રીતે ભારતમાં શરદી-ખાંસી જેવા વાયરલ ઈન્ફેક્શન થવા પર એન્ટીબાયોટિક દવાઓ લખનારા ડૉક્ટર પણ ઓછાં નથી. પરિણામ એ આવે છે કે, જ્યારે અસલમાં એન્ટીબાયોટિક દવાઓની જરૂર પડે છે ત્યાં સુધી તે શરીર પર અસર કરવાનું બંધ કરી ચુકી હોય છે. એન્ટીબાયોટિક દાવઓની સૌથી વધુ જરૂર સર્જરી બાદ બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી દર્દીને બચાવવામાં થાય છે. ગંભીર નિમોનિયા, ઈજા જેવા ઈન્ફેક્શનમાં એન્ટીબાયોટિક દવા કામ આવે છે પરંતુ, હવે પરિસ્થિતિ એ છે કે ICUમાં દાખલ ગંભીર દર્દીઓ પર ઘણી એન્ટીબાયોટિક દવાઓ કામ નથી કરતી અને તે બેક્ટેરિયલ ઈન્ફેક્શનની ચપેટમાં આવીને મરી જાય છે.

ડૉ. રાજેશ પાંડેએ જણાવ્યું કે, ભારતમાં ડાયરેક્ટ એડવાન્સ એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને વર્ષોથી કોઈ નવી એન્ટીબાયોટિક દવા નથી બની, જેને કારણે દર્દીઓ માટે જોખમ વધી રહ્યું છે. એન્ટીબાયોટિક દવાઓ બેક્ટેરિયા સામે લડે છે, પરંતુ મરતા પહેલા બેક્ટેરિયા પોતાને બચાવવા માટે પૂરા પ્રયત્નો કરે છે. તે જીનના પાયાને પોતાના મૂળ રૂપમાં બદલાવ કરીને નવા પ્રકારના પ્રોટીન બનાવવામાં લાગી જાય છે. ત્યાં સુધી કે તેનામાં એટલી ક્ષમતા હોય છે કે તે કોશિકાઓની દીવાલને રિપેર કરી લે અને દીવાલની ચારેબાજુએ એક એવુ સુરક્ષા કવચ બનાવી લે છે કે દવા તેમા પ્રવેશ જ ના કરી શકે. જ્યારે કોઈ દવાને વારંવાર ખાવામાં આવે છે તો બેક્ટેરિયા તેને ઓળખવા માંડે છે કે દવા શું અસર કરશે. એવામાં તે એ પ્રોટીન બનાવવાનું બંધ કરી દે છે અને નવા પ્રોટીન બનાવીને પોતાને જીવિત રાખવામાં સફળ થાય છે.

2019માં ચંદીગઢની પીજીઆઈ સંસ્થામાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ભારતીયો પર એન્ટીબાયોટિક દવાઓ ઝડપથી બેઅસર સાબિત થઈ રહી છે. 207 દર્દીઓ પર કરવામાં આવેલી સ્ટડીમાં 139 દર્દીઓ પર એક અથવા વધુ એન્ટીબાયોટિક દવાઓ કામ નહોતી કરી રહી. રિસર્ચમાં સામેલ 2 ટકા લોકો એવા પણ હતા જેમના પર કોઈ દવાએ કામ ના કર્યું.

જે સ્પીડમાં એગ્રીકલ્ચર, પોલ્ટ્રી અને શાકભાજી તેમજ પ્રાણીઓમાં પેદાશ વધારવા માટે એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યાંથી મરઘી, બકરી, ત્યાં સુધી કે ગાય-ભેંસના દૂધ દ્વારા પણ માણસો સુધી જરૂરિયાત વિના એન્ટીબાયોટિક દવાઓ પહોંચી રહી છે. એક અનુમાન અનુસાર, એન્ટીબાયોટિક દવાઓનો 70 ટકા ઉપયોગ ફાર્મિગમાં થઈ રહ્યો છે અને 30 ટકા માણસોમાં. અમેરિકા જેવા વિકસિત દેશોમાં કૃષિમાં એન્ટીબાયોટિકનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે.

અમેરિકામાં સિસ્ટમ એન્ટીબાયોટિક દવાઓ પર એટલી નજર રાખે છે કે કોઈ ડૉક્ટર એન્ટીબાયોટિક દવા લખે તો તેનું કારણ જણાવવાનું હોય છે કે તે આ દવા શા માટે લખી રહ્યા છે. એવામાં ડૉક્ટર સમજી-વિચારીને જ આ વંડર ડ્રગને લખે છે. ભારતમાં પણ સરકારે કડક સિસ્ટમ લાગૂ કરવી પડશે, ખેતીમાં એન્ટીબાયોટિક પર લગામ લગાવવી પડશે અને આપણે જાતે ડૉક્ટર બનવાની ટેવ બદલવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp