26th January selfie contest

આ 5 માંથી કોઈ લક્ષણ દેખાય તો સાવધાન, જાણો મંકીપોક્સના ટેસ્ટિંગ અને સારવાર વિશે

PC: mahabahu.com

દેશમાં મંકીપોક્સનું જોખમ સતત વધી રહ્યું છે. અત્યારસુધી ચાર દર્દીઓની પુષ્ટિ થઈ ગઈ છે. રાજધાની દિલ્હીમાં વધુ એક સંદિગ્ધ દર્દી મળ્યો છે, જેને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેનું સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યું છે. તેલંગણાના હૈદરાબાદમાં પણ એક સંદિગ્ધ દર્દી મળ્યો હતો. જોકે, તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. WHOના જણાવ્યા અનુસાર, દુનિયાભરના 75 દેશોમાં 18 હજાર કરતા વધુ મામલા સામે આવી ચુક્યા છે. સંક્રમણ વધ્યા બાદ WHOએ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી પણ જાહેર કરી દીધી છે. WHO અનુસાર, મંકીપોક્સની બીમારી પ્રાણીઓમાંથી માણસોમાં આવી છે. તેનાથી સંક્રમિત થવા પર સ્મોલપોક્સ જેવા લક્ષણો જોવા મળે છે. મંકીપોક્સ ઓછાં મામલાઓમાં જ ઘાતક સાબિત થાય છે.

આ વર્ષે દુનિયામાં 6 મેના રોજ ઈંગ્લેન્ડમાં મંકીપોક્સનો પહેલો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદથી દુનિયામાં મંકીપોસના મામલા ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં મંકીપોક્સનો પહેલો કેસ 14 જુલાઈએ કેરળમાં મળ્યો હતો. કેરળમાં અત્યારસુધી ત્રણ દર્દી મળી ચુક્યા છે. ત્રણેય વિદેશથી પાછા આવ્યા હતા. જ્યારે, રાજધાની દિલ્હીમાં 24 જુલાઈએ પણ એક દર્દીમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી. ચિંતાની વાત એ છે કે, આ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી રહી.

મંકીપોક્સ સામે લડવા 31 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 23 પેજની ગાઈડલાઈન પણ જાહેર કરી હતી. તેમા જણાવવામાં આવ્યું હતું કે, જો તમે વીતેલા 21 દિવસોમાં કોઈ પ્રભાવિત દેશની યાત્રા કરી છે અને જો કોઈ લક્ષણ દેખાઈ રહ્યા હોય તો ટેસ્ટ જરૂર કરાવો. જોકે, મંકીપોક્સનો ઈન્ક્યૂબેશન પીરિયડ 21 દિવસનો છે, આથી સંક્રમિત થવાના 21 દિવસ સુધીમાં લક્ષણો દેખાઈ શકે છે.

મંકીપોક્સના સામાન્ય લક્ષણો

  • તાવ આવવો.
  • સ્કિન પર લાલ ચકામા પડવા. તે ચહેરાથી શરૂ થઈને હાથ, પગ, હથેળીઓ અને તળીયા સુધી હોઈ શકે છે.
  • સૂજી ગયેલા લિમ્ફ નોડ. એટલે કે શરીરમાં ગાંઠ હોવી.
  • માથુ દુઃખવુ, માંસપેશિઓમાં દુઃખાવો અથવા થાક.
  • ગળામાં ખરાશ અને ખાંસી આવવી.

મંકીપોક્સમાં કઈ-કઈ મુશ્કેલીઓ થઈ શકે છે?

  • આંખોમાં દુઃખાવો અથવા ધૂંધળું દેખાવું.
  • શ્વાસ લેવામાં તકલીફ.
  • છાતીમાં દુઃખાવો થવો.
  • વારંવાર બેભાન થવુ.
  • પેશાબ ઓછો થવો.

જો આમાંથી કોઈ પણ મુશ્કેલી થઈ રહી હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે.

કઈ રીતે ફેલાય છે મંકીપોક્સ?

WHO અનુસાર, મંકીપોક્સ વાયરસથી કોઈપણ વ્યક્તિના સંક્રમિત થવાનો પહેલો મામલો 1970માં આવ્યો હતો. તે સમયે કોંગોમાં એક 9 મહિનાનું બાળક સંક્રમિત થયુ હતું. બાદમાં તેનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ મંકીપોક્સનું હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન કોમન થઈ ગયુ છે.

WHOનું કહેવુ છે કે, આ બીમારી પ્રાણીઓમાંથી માણસમાં આવી છે. 1958માં ડેનમાર્કના કોપનહેગનમાં રિસર્ચ માટે રાખવામાં આવેલા વાંદરામાંથી વાયરસ ફેલાયો હતો. આથી, તેનું નામ મંકીપોક્સ રાખવામાં આવ્યું છે. આ બીમારી આફ્રિકી દેશોમાંથી બીજા દેશોમાં ફેલાઈ છે.

જો કોઈ વ્યક્તિ તેનાથી સંક્રમિત હોય તો તે બીજાને પણ સંક્રમિત કરી શકે છે. જો તમે કોઈ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવ્યા હો, તેની સાથે યૌન સંબંધ બનાવ્યા હોય, તો તમારું સંક્રમિત થવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, જો તમે તેના કપડાં અથવા તેની વસ્તુઓનો ઉપયોગ કરતા હો તો પણ સંક્રમિત થઈ શકો છો.

શું છે સારવાર?

WHOના જણાવ્યા અનુસાર, મંકીપોક્સની હાલ કોઈ સારવાર નથી. જોકે, મંકીપોક્સથી સંક્રમિત થવાના 2થી 4 અઠવાડિયામાં આપમેળે જ સાજા થઈ શકાય છે. આ ઉપરાંત, સ્મોલપોક્સની વેક્સીન પણ મંકીપોક્સ પર 85% સુધી અસરદાર સાબિત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp